SURAT

SMCની સિટી બસ, કચરાગાડીના ડ્રાઈવરો પાસે લાયસન્સ જ નથી, પોલીસે 20 વાહન ડિટેઈન કર્યા

સામાન્ય પ્રજા હેલ્મેટ ન પહેરે કે સિગ્નલ તોડે તો ઘરે મેમો પહોંચે છે તો બીજી તરફ શહેરના રસ્તા પર માતેલા સાંઢની જેમ દોડતા સુરત મહાનગર પાલિકાની સિટી બસ, કચરા ગાડીના ડ્રાઈવરો પાસે લાયસન્સ જ નથી. સુરત પોલીસે આવા 20 વાહનો ડિટેઈન કર્યા છે.

થોડા સમય પહેલાં સિમેન્ટ-કોંક્રિટના ડમ્પર પર એકને કચડી નાંખ્યા બાદ હરકતમાં આવેલી ટ્રાફિક પોલીસે ભારે વાહનો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન સુરત મનપાના જ વાહનો નિયમ વિરુદ્ધ શહેરના રસ્તા પર દોડતા હોવાનું ઝડપાયું છે.

શહેરમાં કચરો ઉઠાવતી અને તેને ડિસ્પોઝલ સાઈટ સુધી પહોંચાડતી કચરાગાડીઓની નંબર પ્લેટ સહિતની ખામી મળી છે. આ સાથે એક પણ ડ્રાઈવર પાસે લાયસન્સ નહીં મળતા પોલીસે મનપાના 20 વાહન ડિટેઈન કર્યા છે. જેમાં બે સિટી બસનો પણ સમાવેશ થાય છે.

ટ્રાફિક એસીપી એસ.આર. ટંડેલે કહ્યું કે, જાહેરનામા ભંગના સમયમાં પ્રવેશતા વાહનો પર કાર્યવાહી દરમિયાન મનપાના કોન્ટ્રાક્ટ હેઠળ દોડતા વાહનોને છૂટ અપાઈ છે પરંતુ આ વાહનોમાં નંબર પ્લેટ અને વાહનોની ફિટનેસ સહિતની કાળજી રાખવાની હોય છે. મનપાના કોન્ટ્રાક્ટની આડમાં વાહનો બેદરકારીપૂર્વક દોડતા હોવાનું ખુલ્યું હતું.

પોલીસ દ્વારા મનપાના વાહનોને ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટેભાગની ગાડીઓ ખખડધજ હોવાની સાથે તેની નંબર પ્લેટ વંચાય તેવી સ્થિતિમાં રાખવામાં આવી ન હતી. પોલીસે એક પછી એક 20 વાહનો ડિટેઈન કર્યા હતા. આશ્ચર્યજનક રીતે એક પણ ડ્રાઇવર પાસે જે તે સમયે લાઈસન્સ નહીં હોવાથી આ વાહનો ડિટેઇન કરી લેવાયા હતા. મનપાના જ વાહનોમાં ખામીઓ અને ડ્રાઇવરો લાઇસન્સ વિના ચલાવતા હોઈ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

Most Popular

To Top