સુરત: શહેરની સ્માર્ટ ગણાતી સુરત મહાનગરપાલિકા હવે પોતાની જ સ્માર્ટ સિસ્ટમમાં ફસાતી દેખાઈ રહી છે. ગત વર્ષે શરૂ કરાયેલી ચેટબોટ કમ્પ્લેઈન સિસ્ટમ નાગરિકોને સહજ રીતે ફરિયાદ નોંધાવવા માટે બનાવાઈ હતી, પરંતુ હવે આ સિસ્ટમ જ નાગરિકો માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે.
- ચેટબોટની ચિંતાજનક ચેટ: મનપાના ચેટ બોર્ડ પર ફરિયાદ કરવા 20 સવાલના ચક્રવ્યૂહથી પ્રજા પરેશાન
- સુરત પાલિકાની ફરિયાદ સીસ્ટમ સામે નાગરિકોમાં અસંતોષ : સોશિયલ મિડીયા પર પોસ્ટ કાર્ડ બન્યો વેદનાનો અવાજ
પાલિકા દ્વારા વોટ્સએપ નંબર 6359930020 પર ફરિયાદ નોંધાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. પરંતુ ચેટબોટ સિસ્ટમમાં વોર્ડ નંબર, લોકેશન, ફોટો અને માહિતી સહિતના અનેક પ્રશ્નો પુછાતા સામાન્ય નાગરિકો માટે ફરિયાદ નોંધાવવી ‘સ્માર્ટ’ નહીં પરંતુ ‘કઠિન’ બની ગઈ છે. જાણકારો માટે આ સિસ્ટમ સરળ છે, પરંતુ સામાન્ય લોકો માટે તે ટેક્નોલોજી કરતાં “પરીક્ષા” વધુ બની ગઈ છે.
હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટકાર્ડ ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગાંધીજીની છબી સાથેનો 50 પૈસાની ટિકિટવાળો પોસ્ટ કાર્ડ સુરત મહાનગરપાલિકાને સંબોધી લખવામાં આવ્યો છે. પોસ્ટકાર્ડમાં વ્યંગાત્મક અંદાજમાં લખાયું છે કે “સુરત મહાનગરપાલિકામાં ‘ચેટબોટ કમ્પ્લેઈન સિસ્ટમ’ દાખલ કરીને ભાજપ શાસકોએ નાગરિકોની ફરિયાદ કરવાનું કામ મુશ્કેલ બનાવી દીધું છે. ઓછામાં ઓછા 20 સવાલના જવાબો આપવા પડે છે, જે સામાન્ય માણસ માટે અઘરું છે.
કદાચ શાસકોને ‘ઓછી ફરિયાદો માટેનો એવોર્ડ’ મેળવવાનો મનસૂબો બાકી હોય.” આ પોસ્ટકાર્ડ નાગરિકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે પાલિકાએ ટેક્નોલોજીને લોકો માટે સરળ બનાવવાને બદલે તેને “કાગડાપટ્ટી જેવી મુશ્કેલ” બનાવી દીધી છે. ફરિયાદ દાખલ કરતા પહેલા જ અનેક પ્રશ્નો અને માહિતી આપવા ફરજિયાત બનાવાતા લોકોમાં નારાજગી ફેલાઈ છે.
સુરત શહેરમાં સ્વચ્છતા, રોડ, ખાડા, પાણી પુરવઠા અને લાઈટ જેવી સમસ્યાઓ માટે લોકો ચેટબોટનો ઉપયોગ કરવા ઉત્સાહિત હતા, પરંતુ હવે ઘણાં નાગરિકો સીધી ઑફિસ અથવા કૉલ સેન્ટર દ્વારા ફરિયાદ કરવાનું પસંદ કરી રહ્યા છે. ટેકનોલોજી દ્વારા પારદર્શિતા લાવવાની વાત કરનારી પાલિકાને હવે આ ચેટબોટ સિસ્ટમની “જટિલતા” પર વિચારવું પડશે. કારણ કે, જો ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા જ લોકો માટે મુશ્કેલ બની જાય, તો સમસ્યા નિવારણનો હેતુ અધૂરો જ રહી જશે.
નાગરિકોમાં ઉઠેલો આ તીવ્ર પ્રતિસાદ દર્શાવે છે કે “સ્માર્ટ સિટી”નો ખ્યાલ માત્ર ટેક્નોલોજી નહીં, પરંતુ સામાન્ય નાગરિક માટે સુલભ વ્યવસ્થા હોવી જોઈએ, નહીં કે ચેટબોટના 20 સવાલમાં ફસાતી વ્યથા.