SURAT

સુરતમાં દરેક ઘર પર લગાવાશે QR કોડ, AIની મદદથી મેલેરિયાના હોટસ્પોટ શોધાશેઃ વૃદ્ધોના ટેસ્ટ ફ્રી

સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આજે તા. 19 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2025-26 માટેનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં આરોગ્ય સેવાઓ પર ભાર મુકવામાં આવ્યો હતો.

કમિશનરે કહ્યું કે, સુરત મનપા સંચાલિત પાલ, બમરોલી, ભાઠેના, કતારગામની 50 બેડની હોસ્પિટલોમાં 40 લાખના ખર્ચે બાયોકેમેસ્ટ્રી એનાલાઈઝરની સેવા શરૂ કરાશે. જેથી દર્દીઓના સુગર ટેસ્ટ, કિડની ફંક્શન અંગેના ટેસ્ટ, લિવર ફંક્શન અંગેના ટેસ્ટ કરી શકાશે. તે ઉપરાંત તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે સેમી ઓટોમેટેડ સેલ કાઉન્ટર મશીન દ્વારા સીબીસી અને ડિફરન્શીયલ કાઉન્ટના ટેસ્ટ શરૂ કરાશે.

સૌથી મોટી જાહેરાત વડીલોની આરોગ્ય સેવા માટે કરાઈ હતી. મનપા કમિશનરે કહ્યું કે, વડીલ વય યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ વડીલો માટે 50 બેડની હોસ્પિટલ ખાતે ઉપલ્બ્ધ તમામ લેબોરેટરી ટેસ્ટ વિના મુલ્યે કરી આપવામાં આવશે. આ ઉપરાંત 30થી વધુ વય ધરાવતા શહેરીજનોને હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને અન્ય નોન કોમ્યુનિકેબલ ડિસીઝ સ્કેનિંગ કરી આપવામાં આવશે.

પહેલીવાર QR કોડ આધારિત સર્વેલન્સ સિસ્ટમ શરૂ કરાશે
આ સાથે જ પહેલીવાર શહેરમાં QR કોડ બેઈઝ્ડ ડિજીટલ સર્વેલન્સ સિસ્ટમ શરૂ કરાશે. દરેક ઘર પર ક્યૂઆર કોડ લગાવાશે. જેથી રિયલ ટાઈમ મેલેરિયા, ડેન્ગ્યુના કેસોનું નિદાન કરી શકાશે. આ સિસ્ટમ હેઠળ ક્યુઆર કોડથી રિયલ ટાઈમ ડેટા કલેક્શન કરાશે. જેથી પાલિકામાં રિપોર્ટીંગ ઝડપી અને સરળ બનશે. આ ક્યુઆર કોડની મદદથી AI આધારિત વિશ્વલેષણ કરાશે. મેલેરિયા માટે જોખમ અને હોટસ્પોટ AIની મદદથી શોધી શકાશે. આ ઉપરાંત આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ શહેરના 35 લાખ લોકોનું આભા આઈડી જનરેટ કરવાનું આયોજન છે.

Most Popular

To Top