SURAT

પાલ-પાલનપોર-ભાઠા અને સીમાડા-કોસમાડા ટી.પી.સ્કીમ બનાવવા મનપાની તૈયારી

સુરત : શહેરના સુનિયોજીત વિકાસ માટે ટાઉન પ્લાનિંગ (Town Planning) એકટના ચુસ્ત અમલની નીતિ સુરત મનપાએ (SMC) અપનાવી છે. જેની દેશભરમાં પ્રશંસા પણ થઇ છે. શહેરમાં હાલ 135 ટી.પી. સ્કીમો જુદા જુદા તબક્કા પર છે, ત્યારે મનપાના છેવાડાના વિસ્તારો પાલ-પાલનપોર-ભાઠા તેમજ સીમાડા-કોસમાડાની ટી.પી.સ્કીમો બનાવવા માટે મનપાના તંત્રએ તૈયારી કરી હોય, આ બને ટી.પી.સ્કીમોને સૈદ્ધાંતિક મંજૂરી માટે શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.

ઉપરાંત પાંચ સુચીત ટી.પી.સ્કીમો ૮૮ (વરિયાવ), સૂચિત ટીપી સ્કીમ નં. ૮૭ (ગર્ભણી), સૂચિત ટીપી સ્કીમ નં. ૮૬ (કોસાડ), સૂચિત ટીપી સ્કીમ નં. ૯૧ (વેસુ) અને સૂચિત ટીપી સ્કીમ નં. ૯૦ (સરસાણા)નો અધિનિયમની કલમ ૪૧ (૧) હેઠળ સરકારે આપેલ પરામર્શ અંતર્ગત ટીપી સ્કીમનો ડ્રાફટ તૈયાર કરવા માટે ઇરાદો જાહેર કરવા ટીપી કમિટીની મંજૂરી માંગવામાં આવી છે. ટીપી કમિટી મંજૂરી બાદ વિભાગ દ્વારા સૂચિત સ્કીમોના ડ્રાફટ તૈયાર કરવામાં આવશે અને હિતધારક જમીન માલિકોની સંયુક્ત બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં મળેલા વાંધા સૂચનોને ધ્યાને લઇ વિભાગ દ્વારા તૈયાર ડ્રાફટમાં જરૂરી સુધારા વધારા સાથે નિર્ધારિત સમય મર્યાદામાં ટીપી કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે.

સુચીત ટી.પી.સ્કીમ નંબર-9 (સીમાડા-કોસમાડા)માં 164.69 હેકટર જમીનને આવરી લઇને તેમજ પાલ-પાલનપોર-ભાઠા વિસ્તારમાં પણ ટી.પી.સ્કીમ બનાવી ટાઉન પાલનિંગ યોજનાનું આયોજન કરવા માટે શાસકોની સૈદ્ધાંતિક મંજુરી મળેવવા તેમજ રાજ્ય સરકારની મંજૂરી મેળવવા માટે મનપા કમિશનરને અધિકૃત કરતી દરખાસ્ત ટી.પી. કમીટી સમક્ષ મુકવામાં આવી છે. સુડાના ડેવલપમેન્ટ પ્લાન ૨૦૩૫માં થયેલા ઝોન ફેરફાર તથા નવા સમાવિષ્ટ વિસ્તારોને ધ્યાને રાખી મનપા દ્વારા સુનિયોજીત વિકાસના હેતુથી સિમાડા અને કોસમાડા વિસ્તારની અંદાજે ૧૬૪.૬૯ હેક્ટર જમીનમાં સુચિત ટીપી સ્કીમ નં. ૯૨ (સીમાડા-કોસમાડા)નું આયોજન કરાયુ છે. જેની સૈદ્ધાંતિક મંજૂરી હેતુ ટીપી કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

મનપાની હદમાં સીમાડાના ઉત્તર તરફ મંજૂર ડ્રાફટ ટીપી સ્કીમ નં ૨૧ (સરથાણા-સીમાડા), પશ્ચિમ તરફે મંજૂર ડ્રાફટ ટીપી સ્કીમ નં. ૬૮ (પૂણા-સીમાડા), પૂર્વે તરફે મંજૂર ડ્રાફટ ટીપી સ્કીમ નં. ૫૧ (સીમાડા-ખરસડ-પીસોદરા-સીમાડા) તેમજ કોસમાડા પૈકીનો નોન ટીપી સ્કીમ વિસ્તાર અને દક્ષિણે સણિયા હેમાદ વિસ્તાર સ્થિત છે, સીમાડાના નોન ટીપી સ્કીમ અને સણિયા હેમાદનો વિસ્તાર ડીપી ૨૦૩૫માં રહેણાંક ઝોનમાં સૂચિત થયા છે. આ વિસ્તારમાંથી ૯૦ મીટરનો ડીપીનો રોડ પણ પસાર થાય છે.

સીમાડાની દક્ષિણે આવેલા મોજે સણિયા હેમાદ વિસ્તારમાં ટીપી સ્કીમ બનાવવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. પરંતુ ફક્ત સીમાડા વિસ્તારમાં ટીપી સ્કીમ બનાવે આવે તો સીમાડાને લાગુ સુડા વિસ્તારમાં આવેલા કોસમાડામાં અંદાજિત ૨૩.૪૨ હેક્ટર જેટલા વિસ્તારનો સમાવેશ કોઈ પણ ટીપી સ્કીમમાં થતો નથી અને અલગથી આ વિસ્તારમાં સ્કીમ આયોજન થઈ શકે તેમ નથી. આ વિસ્તાર હાલ રહેણાંક ઝોનમાં સ્થિત છે તેથી આયોજનબધ્ધ વિકાસ થઈ શકે તે હેતુથી સુડા વિસ્તારમાં સ્થિત કોસમાડાના આ વિસ્તારનો સમાવેશ પણ સૂચિત ટીપી સ્કીમ નં. ૯૨ (સીમાડા-કોસમાડા)માં કરવામાં આવશે. આ માટે મનપા દ્વારા સુડાનું અનુમોદન પણ મેળવવામાં આવ્યું છે.

Most Popular

To Top