સુરત: (Surat) કોરોનાકાળમાં જ્યાં તેની ગાઈડલાઈનનો ભંગ કરે તો દંડ કરવાનો હતો અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની હતી ત્યાં ચૂંટણી (Election) સમયે રાજકારણીઓ સામે નતમસ્તક થઈ ગયેલી મહાપાલિકા દ્વારા હવે સ્કૂલ-કોલેજો પર જોર કાઢવામાં આવી રહ્યું છે. પહેલા સ્કૂલ-કોલેજ બંધ હતી ત્યારે સામાન્યજનને હેરાન પરેશાન કરનારી મહાપાલિકાએ સ્કૂલ-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થતાં જ સ્કૂલ-કોલેજોને (School College) ટાર્ગેટ (Target) કર્યાં છે.
ચૂંટણી સભાઓમાં ક્યારેય ટેસ્ટિંગ નહીં કરનારા મનપાના અધિકારીઓ દ્વારા હવે સ્કૂલ-કોલેજોમાં ટેસ્ટિંગ શરૂ કરાયું છે. જેમાં આજે સુરતની તમામ ઝોન વિસ્તારમાં આવેલી કુલ 45 શાળા-કોલેજોમાં કુલ 2921 વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાંદેર ઝોન વિસ્તારમાં આવેલી સિંધી સમાજની શાળામાં 1 વિદ્યાર્થી, અઠવા ઝોન વિસ્તારમાં આવેલી વનિતા વિશ્રામ શાળા સહિતના 2 વિદ્યાર્થીઓ, લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલી શાળામાં 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા.
જો અગાઉ ચૂંટણી વખતે મનપા દ્વારા સભાઓમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હોત તો તે સમયે રાજકીય કાર્યકરો જ પોઝિટિવ મળી ગયા હોત અને કોરોના આટલો બધો ફેલાયો નહીં હોત. ભાજપ, કોંગ્રેસ હોય કે આપ, દરેક રાજકીય પક્ષો સામે ઘૂંટણિયે પડી જનાર મનપા અને સરકારી તંત્ર દ્વારા ચૂંટણી વખતે પણ જો કડકાઈ કરવામાં આવી હોત તો કોરોનાને અંકુશમાં લઈ શકાયો હોત. હવે પાડાના વાંકે પખાલીને ડામની જેમ વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આખું વર્ષ પોતાની કારકિર્દી માટે મહેનત કરનાર વિદ્યાર્થીઓને કોરોનાના ક્લાસ કે સ્કૂલ બંધ થવાને કારણે જે નુકસાન થશે તેનો સરકારી તંત્રને અંદાજ જ નહીં હોત.
ગાંધી કોલેજના 2 પ્રોફેસરો પોઝિટિવ આવતા આખી કોલેજમાં ટેસ્ટિંગ કરાશે
ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ગઈકાલે 1 આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો હતો. તેમજ મંગળવારે 2 પ્રોફેસરો પણ પોઝિટિવ આવ્યા હતા. મનપા દ્વારા શાળા-કોલેજોમાં ટેસ્ટિંગ કરી સંક્રમણની ચેઈન તોડવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા-કોલેજો શરૂ થતા વિદ્યાર્થીઓ, પ્રોફેસર, શિક્ષકોમાં સંક્રમણ વધી રહ્યું છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજમા તમામ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને ટેસ્ટિંગ કરવા સૂચના આપવામાં આવી છે.
શહેરી વિકાસ વિભાગના વધુ બે અધિકારી પોઝિટિવ આવતાં વિભાગ 7 દિવસ માટે બંધ
સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ વિકાસ વિભાગના ત્રણ ઇજનેરોને કોવિશિલ્ડ રસી લીધા બાદ કોરોના થયો છે. જેમાંથી બે ઇજનેરોએ રસીના બે ડોઝ લીધા પછીના પાંચ દિવસમાં જ કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે એક ઇજનેરે પહેલો ડોઝ લીધો હતો. ત્યારબાદ પણ તેઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આગામી એક સપ્તાહ સુધી શહેરી વિકાસ વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયો છે. દરમિયાન વધુ બે અધિકારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા શહેરી વિકાસ વિભાગના કુલ પાંચ અધિકારીઓ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યુ છે.
શહેર બહારથી આવનારા લોકો સેલ્ફ ડેક્લેરેશન કરે: મનપાની અપીલ
શહેરમાં હાલમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને શહેર બહારથી આવનારા લોકોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈ સુરત મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે કે, સુરત બહાર રાજ્ય કે વિદેશમાં મુસાફરી કરીને આવ્યા હેય તો એમને સાત દિવસ ફરજીયાત હોમ કોરેન્ટાઈન થવું સાથે જ ફરજીયાત કોવિડ-19 ટેસ્ટ કરાવી લેવો. સાથે જ મનપાએ અપીલ કરી છે કે, જે વ્યકિતઓ અન્ય રાજયમાંથી કે વિદેશથી મુસાફરી કરીને આવતા હોય તેનોએ ફરજીયાતપણે સુરત મહાનગર પાલિકાની કોવિડ-19 ટ્રેકર એપ ડાઉનલોડ કરવાની રહેશે. તેમજ સુરત મહાનગર પાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પર સેલ્ફ ડેકલેરેશન કરવા જણાવવામાં આવ્યું છે.
વધુ 3216ને હોમ કોરેન્ટાઈન કરાયા
શહેરમાં ફરી એકવાર કોરોનાનો કોપ વધવા માંડ્યો છે. ત્યારે સુરત મનપા દ્વારા ફરી વાર માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવી સંક્રમણની ચેઇન તોડવા માટે પ્રયાસો શરૂ કરાયા છે. હાલમાં શહેરમાં 533 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બની ચૂકયા છે. શહેરમાં વધુ 912 ઘરોના કુલ 3216 લોકોને હોમ કોરેન્ટાઈન કરાયા છે. અત્યારસુધીમાં કુલ 11,344 ઘરોમાં 43,248 લોકોને હોમ ક્વોરન્ટાઈન હેઠળ રહેવાની સૂચના આપવામાં આવી છે.