SURAT

વેરો નહીં ભરતા સુરતના આ વિસ્તારના લોકોની મિલકતો પર પાલિકાએ સીલ મારવાની કામગીરી શરૂ કરી

સુરતઃ (Surat) વેરા (Tax) વસૂલાત (Recovery) ઝુંબેશ હેઠળ ગુરુવારે કતારગામ અને ઉધના ઝોન-બી અને અઠવા ઝોન દ્વારા લાંબા સમયથી વેરો ન ભરતી મિલકતો સામે મનપાએ આંખ લાલ કરી છે અને મિલકતોને (Property) સીલ (Seal) મારવાની કામગીરી શરૂ કરી છે. જેથી મિલકતદારો દ્વારા સ્થળ પર જ વેરો ભરવામાં આવી રહ્યો છે.

કતારગામ ઝોનમાં કતારગામ જીઆઈડીસી, વસ્તાદેવડી રોડ, પટેલ ઈન્ડસ્ટ્રીઝ, વેડ રોડ, કતારગામ મેઈન રોડ, આંબા તલાવડી રોડ, મોટી વેડ ગામ રોડ, કોસાડ આવાસ, છાપરાભાઠા, અમરોલી અને ઉત્રાણ વિસ્તારમાં કુલ 388 બાકીદાર શોધી કાઢવામાં આવ્યા હતા. મનપાએ (SMC) બાકી વેરો વસૂલવા તેમની મિલકતોને સીલ મારવાની સાથે ડ્રેનેજ તથા પાણી કનેક્શન કાપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેથી મિલકતદારોએ રૂ.1.67 કરોડ જમા કરાવ્યા હતા. જ્યારે રૂ.1.01 કરોડના એડ્વાન્સ ચેક જમા કરાયા હતા. તેમજ ઉધના ઝોન-બી દ્વારા પણ વેરા વસૂલાત અભિયાનના ભાગરૂપે ઉન, ગભેણી, પારડી, તલંગપુર, સચિન, કનકપુર અને પાલી વિસ્તારમાં કુલ 15 મિલકતને સીલ કરવામાં આવી હતી. ઉધના ઝોન-બી દ્વારા આજદિન સુધીમાં વેરા પેટે રૂ.15.71 કરોડની વસૂલાત કરાઇ છે. ઉપરાંત અઠવા ઝોન દ્વારા 31 મિલકતને સીલ મારવાની કાર્યવાહી કરાઇ હતી. અઠવા ઝોન દ્વારા કુલ રૂ. 72.11 લાખની વેરા વસૂલાત કરાઇ હતી.

સિંગણપોર ડિવાઈન સેન્ટર ઈમારતનાં ટેરેસ પર બનાવાયેલું ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડી પડાયું
સુરતઃ બુધવારે સાંજે સિંગણપોરના ડિવાઇન સેન્ટર બિલ્ડિંગમાં આગની ઘટનાને લઈ કતારગામ ઝોન દ્વારા બિલ્ડિંગની કાયદેસરતા ચકાસાઈ હતી. ટેરેસ ઉપર બનાવેલો ડોમ ગેરકાયદે હોવાની જાણ થતાં જ ગુરુવારે સવારથી ડિમોલિશનની કામગીરી શરૂ કરાઇ હતી. ટેરેસ પર આશરે 20×40 ફૂટનું સ્ટ્રક્ચર તોડી પાડ્યું હતું.

કતારગામ ઝોન પાસેથી મળતી માહિતી મુજબ ડિવાઈન સેન્ટર બિલ્ડિંગમાં ટેરેસ પર ટેમ્પરરી રૂફિંગ સ્ટ્રક્ચર બનાવાયું હતું. જે ખાલી જ હતું. પરંતુ ગેરકાયદે સ્ટ્રક્ચર હોવાથી કતારગામ ઝોન દ્વારા આ સ્ટ્રક્ચર તોડી પડાયું હતું. શહેરમાં હાલમાં પણ 15 મીટરથી ઊંચી 384 બિલ્ડિંગમાં નિયમોના ધજાગરા ઊડી રહ્યા છે. આગની ગંભીર ઘટનાઓને ધ્યાનમાં રાખી મનપા દ્વારા બિલ્ડિંગના ટેરેસ સમૂહ વપરાશ માટે અનામત રહેતા હોવાથી ધાબાના પ્રવેશ ઉપર તાળું નહીં મારવાની અપીલ કરી છે. આગના કિસ્સામાં ધાબા ઉપર પ્રવેશ ખુલ્લો હોય તો વપરાશકર્તાઓ આસાનીથી ધાબા ઉપર જઇને સુરક્ષિત થઈ શકે છે. તેમજ બચાવની કામગીરી પણ ઝડપથી થઈ શકે છે. ધાબા ઉપર જવાના માર્ગમાં તાળાં માર્યાં હશે તો તે ઇમારતોને સીલ કરવાની પણી ચીમકી આપવામાં આવી છે.

Most Popular

To Top