સુરત : શહેરમાં મનપા (SMC) દ્વારા ઠેક ઠેકાણે લાઇબ્રેરી (Library) ઓ ખોલવામાં આવી છે. જો કે કોરોના (Corona)નું ગ્રહણ આ લાઇબ્રેરીને પણ લાગ્યું છે અને હાલ મનપાની તમામ લાઇબ્રેરી નદારત હાલતમાં જોવા મળી રહી છે. મનપા દ્વારા કેટલાક સમય પહેલા મોટા ઉપાડે શરૂ કરેલા વાંચનાલયમાં પુસ્તકો (Books) મુકવાની તૈયારી બતાવી મનવાએ માત્ર વર્તમાન પત્રો (Newspaper)ની સુવિધા આપી હતી પણ કોરોના કાળમાં બંધ થયેલ વર્તમાન પત્રો હજુ ચાલુ નહીં થતા હાલ લાઇબ્રેરીની બીજી લહેર હજી ગઈ નથી.
લાઇબ્રેરીઓનો હેતું લોકો ત્યાં આવીને વર્તમાનપત્રો અને અન્ય સાહિત્ય તેમજ નોલેજને વધારતા પુસ્તકો વાંચી શકે તેવો હોય છે. જો કે સુરત મનપાની મધ્યસ્થ લાઇબ્રેરી નર્મદ લાઇબ્રેરી સિવાય કયાંય પુસ્તકો તો હોતા જ નથી જ્યારે ઠેક ઠેકાણે શરૂ થયેલી લાઇબ્રેરીઓમાં વિવિધ વર્તમાનપત્રો મુકવામાં આવતા હતા જે વાંચવા માટે આજુબાજુના લોકો તેમજ નિવૃત્ત સિનિયર સિટીઝનો મોટા પ્રમાણમાં આવતા હતા. આ સિવાય લાઇબ્રેરીના ઉપરના માળે રીડીંગ રૂમો બનાવાયા છે. તેનો ઉપયોગ આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ વાંચન માટે કરે છે.
જો કે મહત્વની વાત એ છે કે મનપાના તંત્ર વાહકોએ અકકલનું દેવાળુ ફુંકયું હોય કે પછી મનપાના શાસકોની વર્તમાનપત્રો વિરોધી માનસિકતાનું પ્રતિબિંબ પડતું હોય તેમ તમામ લાઇબ્રેરીઓમાં કોરનાકાળમાં લાઇબ્રેરીઓ બંધ કરાઇ ત્યારથી વર્તમાનપત્રો તો બંધ કરી દેવાયા છે અને અનલોકની છુટછાટ બાદ લાઇબ્રેરીઓ પુન:શરૂ થઇ ત્યાર બાદ પણ એટલે કે દોઢ માસથી વર્તમાનપત્રો તો ચાલુ કરાયા જ નથી. તો પછી મનપાની લાઇબ્રેરીઓ ખોલાય છે શા માટે ? ત્યાં મુકાયેલો સ્ટાફ શું કરે છે. લાઇબ્રેરીઓ માત્ર રીડીંગ રૂમ પુરતી સીમીત થઇ ગઇ હોય તેવી પ્રતિતિ થઇ રહી છે.
કોરોનાના કારણે અખબારો બંધ હતા, હવે શરૂ કરાવાશે : ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ગાયત્રી જરીવાલા
મનપાની લાઇબ્રેરીઓનો હવાલો સંભાળતા ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ગાયત્રીબહેન જરીવાલા સાથે આ મુદ્દે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે લાઇબ્રેરીઓ બંધ કરાઇ ત્યારે અખબારો બંધ કરાયા હતા. હવે લાઇબ્રેરીઓ શરૂ થઇ ગઇ છે પરંતુ અમુક વહીવટી મંજુરીઓ મેળવવી પડે તેમ હોવાથી શાસકોની મંજુરી મેળવવાની પ્રક્રીયા ચાલુ છે. ટુંક સમયમાં ફરી વર્તમાનપત્રો શરૂ થઇ જશે.