SURAT

ફુલસ્પીડમાં દોડતી SMCની કચરાની ગાડીએ ઉધનામાં 13 વર્ષના બાળકને કચડ્યો, રસ્તામાં જ કરૂણ મોત

સુરતમાં કચરો ભરીને દોડતી ગાડીના ડ્રાઈવરો ગાડી બેફામ દોડાવતા હોય છે. આવી જ એક કચરાની ગાડીના ડ્રાઈવરે અડફેટે લેતા 13 વર્ષના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.

શહેરના ઉધના વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થી કાર્તિક અનિલ મોહિતેને સુરત મહાનગરપાલિકા (SMC)ની કચરાની ગાડીએ અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જેના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાર્તિક મોહિતે રાત્રિના સમયે પોતાની બે બહેનો સાથે ઘરના નજીક બહાર નીકળ્યો હતો. ત્યારે SMCની કચરાની ગાડી અચાનક પૂર ઝડપે આવી અને કાર્તિકને અડફેટે લેતાં તે ગંભીર રીતે ઈજા પામ્યો હતો. ગમખ્વાર ઈજા થવાથી કાર્તિકનો ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. તેની બહેનોને ઈજા થઈ હતી.

બનાવની જાણ થતાં જ ઉધના પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્તિકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યો હતો. તેમજ કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાને લઈને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મૃતક કાર્તિકના પિતા અનિલ મોહિતે એક શ્રમજીવી પરિવારના સભ્ય છે. કાર્તિક તેમનો એકમાત્ર દીકરો હતો અને પરિવાર તેના ભવિષ્ય માટે અનેક સપનાઓ બાંધીને બેઠો હતો. એકમાત્ર પુત્રના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શોકમાં ગરકાવ પરિવારની હાલત ગંભીર છે અને વિસ્તારના લોકો પરિવારને ધીરજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. ઘણા લોકોની માંગ છે કે રોડ સલામતી માટે પાલિકા દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે અને આવા વાહનોના ચાલકોને ટ્રેઇનિંગ તથા મર્યાદિત ઝડપના નિયમોની કડક અમલવારી કરવી જોઈએ.

મૃતકના બનેવી કલ્પેશ ચૌધરીના જણાવ્યા અનુસાર મોપેડ પર સોડા પીવા જઈ રહ્યાં હતાં ત્યારે સામેથી કચરાની ગાડી ફુલસ્પીડમાં આવી હતી. સાઈડ લાઈટ બતાવ્યા વિના કચરાની ગાડીએ અચાનક જ ટર્ન મારી તેમની મોપેડને અડફેટે લીધી હતી. અકસ્માતમાં કાર્તિકનું મોત થયું જ્યારે તેની બે બહેનોને ઈજા થઈ છે.

Most Popular

To Top