Comments

એસ.એમ.સી. નાટ્ય સ્પર્ધા અને પ્રવેશ પાસ

છેલ્લા 49 વર્ષથી શહેરના સાંસ્કૃતિક આરોગ્યને સાચવતી અને સંવારતી નાટ્ય સ્પર્ધા યોજતી ભારતભરમાંની માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકા જ છે એ વાતનું શહેરને ગર્વ છે જ એમા બે મત નથી. આ સ્પર્ધા આટલા વર્ષોથી પ્રેક્ષકોને વિના મૂલ્યે માણવા મળે છે. પણ એ માટેના પ્રવેશના આમંત્રણ કાર્ડ ખરા નાટ્ય રસીકોને ઉપલબ્ધ થતાં જ નથી એ હકીકત છે. એના કારણે અને તારણો વારંવાર સાંસ્કૃતિક અનિતિને અનેક મીટીંગોમાં પણ જણાવી છે. આ કાર્ડો શહેરના દરેક કોર્પોરેટરો, અધિકારીઓને ઢગલાબંધ મોકલાવવામાં આવે છે એવુ જણાયુ છે એ કોર્પોરેટરો અને અધિકારીઓના ડ્રોઇંગરૂમમાં ટેબલ પર જ પડેલા રહે છે.

ભાગ્યે જ 10 થી 15 કા નો ઉપયોગ થાય છે. જનરલ પબ્લીકને છેલ્લી બે ત્રણ રો ના બબ્બે કાર્ડો નાટકના દિવસે જ વહેંચે છે, તે પણ લાંબી લાઇનોમાં ઉભા રહી આજીજી કરવી પડે છે. ખરા નાટ્ય રસિકો તો રીતસર ભીખ માંગવી પડે છે. આ એક વરવી હક્કીત છે, જે શહેરીજનોનો વર્ષો વર્ષનો અનુભવ છે. ફ્રીમાં બતાવાતા નાટકના પાસો મળ્યા પછી પણ દરેક દિવસ માટે પ્રવેશ દ્વારે ધક્કામુકી લાંબી લાઇનો અને ત્યારબાદ પણ હોલમાં સીટ મેળવવા, સાચવવા ઝઘડા, બોલાચાલીનો માહોલ સર્જાય છે, એ વાતની આયોજકોને પણ જાણ છે.

આ અંગે સૂચનો પણ થયા છે અને આ પરિસ્થિતિ નિવારવા જો ટીકીટો રાખવામાં આવે, તો આ બધા પ્રશ્નોજ મટી જાય. 10 દિવસના નાટકોનો સીઝન પાસ રૂ.500/- અને રોજની પ્રવેશ ટીકીટ રૂા. 50/- રાખવામાં આવે તો નાટ્યરસીકો પૈસા ખર્ચીને પણ નાટકો માણી શકે, ધસારો, લાઇ, અરાજકતા આ મફત મળતી સગવડને કારણે જ સર્જાય છે. પ્રથમ અને અંતિમ દિવસે વીઆઇપીઓ માટે ખાલી રાખેલ 4 રો ઘટાડી -2 રો ફાળવવી જોઇએ. આમ પણ એ સીટો ઘણે ભાગે ખાલી જ રહે છે. અને પછી મોડા આવતા પ્રેક્ષકો એમા ગોઠવાઇ જાય છે. આ વખતે હજી સ્પર્ધા શરૂ થયાને વધારે સમય છે. આ સુચનો અને નજીવા ટીકીટના દરો, વહેંચાતા પાસો અંગે યોગ્ય વિચારણા કરી આ 50 મા ગોલ્ડન જયુબીલી વર્ષને સૌ નાટ્યરસીકો માણી શકે એવું કોર્પોરેશન આયોજન કરે એ જ અપેક્ષા છે.
સુરત     – નિલકંઠ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top