સુરત મ્યુનિસિપલ બજેટ ૨૦૨૫-૨૬ – સુરત મહાનગર પાલિકાની બજેટ અંગેની ખાસ સામાન્ય સભામાં સત્તત બીજા દિવસે પણ ચર્ચા જારી રહી હતી. પ્રથમ દિવસે 66 સભ્યોએ બજેટ ચર્ચામાં ભાગ લીધો હતો અને રાત્રે 10.30 કલાકે સભાનું કામ મુલત્વી રાખવામાં આવ્યું હતું. બીજા દિવસે ફરીથી ચર્ચા આગળ વધારી હતી.
પ્રથમ દિવસે ભાજપના ડૉ. બળવંત પટેલની રજૂઆત સાથે સભાની શરૂઆત થઈ હતી. ચર્ચા દરમિયાન રાજસ્થાની કોર્પોરેટર વિજય ચોમાલે શહેરના માળખાકીય વિકાસ સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે વારંવાર તૂટી જતા રસ્તાઓનો કાયમી ઉકેલ લાવવા માટે શહેરમાં સી.સી. રોડ (સિમેન્ટ કાંક્રીટ રોડ)ના કામ પર વધુ ભાર મૂકવાની માંગણી કરી હતી. તેમણે સુરત-બારડોલી રોડ અને સુરત-નવસારી રોડ પર ટુકડા-ટુકડામાં બનાવાયેલા ફ્લાયઓવર બ્રિજોની ટીકા કરતા વહીવટી તંત્રને ટકોર કરી હતી કે, નાના ભાગોમાં બ્રિજ બનાવવાને બદલે વધુ લંબાઈ ધરાવતા ફ્લાયઓવરનું આયોજન કરવું જોઈએ, જેથી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકે.
અહીં જોતા રહો બજેટના અપડેટ્સ…
11.00 am – ‘રેવન્યુ સરપ્લસ અને પુરાંતવાળું બજેટ – વિકાસનો મજબૂત રોડમેપ’: ડૉ. બળવંત પટેલ
- ડૉ. પટેલે જણાવ્યું કે શિક્ષણ સમિતિના બજેટમાં પણ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. આધુનિક સુવિધાઓ, શૈક્ષણિક માળખાના સુધારણા અને નવી પહેલોને પ્રાથમિકતા અપાઈ છે.
- તેમણે બજેટની આંકડાકીય વિગતો રજૂ કરતા છેલ્લા પાંચ વર્ષમાં શહેરમાં થયેલા સુવિધા વિકાસના કાર્યોની ચર્ચા કરી અને જણાવ્યું કે શહેરમાં રસ્તા, પાણી, ગટર, આરોગ્ય અને અન્ય નાગરિક સુવિધાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.
- આ બજેટ ‘વિકસિત ભારત 2047’ના લક્ષ સાથે સુસંગત
11.30 am – સ્વચ્છતા, કચરા નિકાલ અને અખાદ્ય ચીજવસ્તુઓના મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે તીખી નોકઝોક
- આરોગ્ય સમિતિના અધ્યક્ષ નેન્સી શાહે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કચરાના ઢગલાના વીડિયો વાયરલ કરી સ્વચ્છતા સર્વેમાં શહેરને મળેલા ક્રમાંક પર શંકા ઉભી કરવી યોગ્ય નથી.
- ઈન્ડસ્ટ્રીયલ, ટેક્ષટાઇલ અને ગાર્ડન વેસ્ટ નિકાલ માટે નવી નીતિ ઘડાઈ રહી છે, શહેરને મલેરિયા ફ્રી બનાવવા ક્યુઆર કોડ આધારિત પાયલોટ પ્રોજેક્ટ શરૂ, સાથે જ ફૂડ કોર્ટ અને ફૂડ ટેસ્ટિંગ સુવિધાઓમાં વધારો તથા મનપાની ફૂડ લેબોરેટરીને આધુનિક બનાવવાના પ્રયાસો – નેન્સી શાહ
- વારંવાર એક જ સ્થળે કચરાના ઢગલા, ફરિયાદો છતાં નિકાલ નહિ! લોકો વીડિયો વાયરલ કરવા મજબૂર બને છે. સ્વચ્છતા અંગે માત્ર દાવા નહીં, મેદાન પર પરિણામ દેખાવું જોઈએ. – વિપક્ષી સભ્ય વિપુલ સુહાગીયા
- છેલ્લા સમયમાં અખાદ્ય ચીજવસ્તુઓના મોટા જથ્થા પોલીસ પકડે છે, જ્યારે મનપાનું ફૂડ વિભાગ માત્ર ટેસ્ટિંગ પૂરતું મર્યાદિત! – વિપક્ષી ઉપનેતા મહેશ અણઘણ
- મનપાના અધિકારીઓ પોલીસને જાણ કરી સંકલન સાથે જ કાર્યવાહી કરે છે. ફૂડ વિભાગ સક્રિય રીતે દરોડા અને તપાસમાં જોડાય છે, તેથી વિપક્ષના આક્ષેપો ભ્રામક છે – ભાજપના વ્રજેશ ઉનડકટે
11.40 am – વચનોના મહેલ અને હકીકતના ખંડેર” સમાન બજેટ : રચના હીરપરા
- શહેરમાં ગંદા પાણી, ગટરિયાપુર, ટ્રાફિક દબાણ, ખાડાવાળા રસ્તાઓ અને મચ્છરના ઉપદ્રવ જેવી મૂળભૂત સમસ્યાઓ યથાવત – રચના હીરપરા
- 2024માં ફૂડ વિભાગે 4,860 કિલો અખાદ્ય જથ્થો સીલ કર્યો હતો, જ્યારે 2025માં આ જથ્થો 75,356 કિલો સુધી પહોંચ્યો છે, જે 1500 ટકા વધારો દર્શાવે છે. “આ વધારાથી સ્પષ્ટ થાય છે કે પહેલા કેટલો ભેળસેળવાળો ખોરાક લોકોના પેટમાં ગયો હશે,” – રચના હીરપરા
- શહેરમાં અંદાજે 20 લાખ પરિવારો દર વર્ષે લગભગ 15 કરોડ કિલો ખાદ્ય પદાર્થો વાપરે છે, તેની સામે ઝડપાયેલો જથ્થો નગણ્ય. 2025માં ફૂડ વિભાગે માત્ર 2,515 નમૂનાઓ લીધા, જે વર્કિંગ દિવસ મુજબ સરેરાશ રોજના નવ સેમ્પલ થાય. શહેરમાં અંદાજે 50 હજાર જેટલી ફૂડ સંકળાયેલી એકમો હોવા છતાં આ ગતિએ તમામ સુધી પહોંચવા દાયકાઓ લાગી જાય. – રચના હીરપરા
- સરકારી હોસ્પિટલોમાં પાંચ વર્ષમાં 1.47 કરોડ ઓપીડી નોંધાઈ છે, જે શહેરના આરોગ્ય પ્રત્યે ગંભીર ચિંતા દર્શાવે છે. દરેક ઝોનમાં વિશેષ ફૂડ લેબ અને વોર્ડ દીઠ ફૂડ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવી જોઈએ, બજેટમાં આરોગ્યને પ્રાથમિકતા આપવી જોઈએ – રચના હીરપરા
12.10 am ટનાટન થશે રિંગરોડ, લોકાર્પણમાં આવજો!” – શાસક-વિપક્ષ વચ્ચે તીખી ટકર
- આઉટર રિંગરોડ પ્રોજેક્ટ અને મનપાના વિકાસ કામોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની બાબતે શાસક અને વિપક્ષ વચ્ચે ગરમાગરમ બોલાચાલી, સભા દરમિયાન અનેકવાર હોબાળો!
- વિપક્ષ દ્વારા મનપાના વિવિધ પ્રોજેક્ટોની ખામીઓ દર્શાવતા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે તે મુદ્દે પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીની કડક વાણી: “ભાજપ શાસનમાં કામ થાય છે એટલે જ તમે વીડિયો બનાવો છો.”
- રિંગરોડ કોઈ એક પક્ષે નહીં પરંતુ નાગરિકોના કરવેરાના નાણાંથી બનાવાયો છે. – વિપક્ષ
- “રિંગરોડ પૂરો થશે ત્યારે ટનાટન રહેશે. લોકાર્પણ વખતે જરૂર આવજો.” આ પર વિપક્ષે ટકોર કરી હતી કે મનપાના કાર્યક્રમોમાં વિપક્ષી સભ્યોને પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે, તો “આવવા દેશો ખરા?”
- ચર્ચા દરમિયાન મેયરે દિનેશ જોધાણીને શાંતિથી બોલવા દેવા અપીલ કરી હતી, પરંતુ વિપક્ષે પાટીદાર સેવા સમાજની હોસ્ટેલ બિલ્ડિંગમાં પેઇડ એફએસઆઈ માફ કરવાની બાબતે સવાલ ઉઠાવતા ફરી હોબાળો મચ્યો.
- મેયરે વચ્ચે બોલનાર સભ્યોને સસ્પેન્ડ કરવાની ચેતવણી આપી હતી. છતાં જોધાણીના નિવેદનોનો જવાબ આપવા વચ્ચે બોલેલા વિપક્ષી સભ્ય સેજલ માલવિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેના પગલે વિપક્ષે વિરોધ વ્યક્ત કર્યો.
- જોધાણીએ વિપક્ષની “વીડિયો વાયરલ રાજનીતિ” પર અકળામણ વ્યક્ત કરતાં વિપક્ષને “વઢકણી સાસુ” સાથે સરખાવ્યા, સાથે જ ડુમસ સી ફેસના લોકાર્પણ પ્રસંગે આવીને વીડિયો બનાવી વાયરલ કરવા આમંત્રણ આપ્યું હતું.
1.10 pm – સુરત મનપાની સામાન્ય સભામાં ‘પોઇન્ટ ઓફ ઓર્ડર’ મુદ્દે શાસક-વિપક્ષ આમને સામને
- વિપક્ષના સભ્યોએ બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (BPMC) એક્ટ મુજબ મળતા અધિકારનો ઉપયોગ કરી પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવાનો પ્રયાસ કર્યો.
- “પછીથી બોલવાની તક આપવામાં આવશે” કહીને અધ્યક્ષે અટકાવ્યા! વિપક્ષના બેચોમાં નારાજગી જોવા મળી. વિપક્ષના સભ્યોએ સવાલ ઉઠાવ્યો હતો કે જો જે મુદ્દા પર ચર્ચા ચાલી રહી હોય, તે મુદ્દા પર જ તાત્કાલિક પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવાનો નિયમ હોય, તો પછી પાછળથી તક આપવાનો અર્થ શું?
- વિપક્ષે કહ્યું શાસકપક્ષ અધ્યક્ષની આડમાં રહીને તીખા સવાલોથી બચવાનો પ્રયાસ કરી રહ્યો છે. બીજી તરફ શાસકપક્ષના સભ્યો વિકાસના મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રાખવા આગ્રહ રાખતા રહ્યા, જેના કારણે થોડા સમય માટે સભા ગૃહમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું.
- અંતે અધ્યક્ષના હસ્તક્ષેપ બાદ ચર્ચા ફરી નિયમિત રીતે આગળ ધપાવવામાં આવી. પરંતુ ‘પોઇન્ટ ઓફ ઓર્ડર’ મુદ્દે સર્જાયેલો વિવાદ સભાની ચર્ચામાં કેન્દ્રસ્થાને રહ્યો હતો.
1.20 pm – ૩ વર્ષમાં ૨૫૦૦ કરોડનો વધારાનો બોજ: ઉંચા ભાવના ટેન્ડર, સીટીબસ અને PPP મોડેલ પર મહેશ અણઘણના ગંભીર આક્ષેપ
- શહેર માટે ૩૪૫૦ સીટીબસની જરૂરિયાત હોવા છતાં માત્ર ૮૭૫ સીટીબસ જ દોડે છે અને તેમાં પણ ઘણી બસો ખખડધજ હાલતમાં છે. – મહેશ અણઘણ
- નાગરિકોને આકરણીમાં નામ દાખલ કરાવવા માટે ધક્કા ખાવા પડે છે, જે પ્રશાસનના અકાર્યક્ષમતા દર્શાવે છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે સરકારની ગ્રાન્ટ પર નિર્ભર રહેવાના બદલે જનતા પાસેથી આવક એકત્ર કરવાની જ દિશામાં વધુ ભાર મુકવામાં આવે છે. – મહેશ અણઘણ
- “કમલમ” સુધી કમિશન ન પહોંચે ત્યાં સુધી કોન્ટ્રાક્ટરોને કામ સોંપાતું નથી અને ફાઈલો સેક્રેટરી ઓફિસમાં દબાયેલી રાખવામાં આવે છે… બપોરે ૧થી ૩ દરમિયાન રેસિડેન્શિયલ સોસાયટીઓમાં કચરો એકત્રિત કરવાની કામગીરી બંધ કરવી જોઈએ, કારણ કે તે સમયે નાગરિકોને અસુવિધા થાય છે… ખાનગી સોસાયટીઓના COP (કોમન ઓપન પ્લોટ)ને ડેવલોપ કરવાની જરૂરિયાત – મહેશ અણઘણ
- PPP મોડેલ ભાજપના મળતીયાઓને ફાયદો પહોંચાડવા માટે અપનાવવામાં આવે છે. રાજહંસ ગ્રુપને ઉદાહરણરૂપ દર્શાવતા અણઘણે દાવો કર્યો કે છેલ્લા ૧૫ વર્ષમાં બે રસ્તાઓ પરથી જાહેરાત આવક રૂપે અંદાજે ૧૭૦૦ કરોડનો ફાયદો ખાનગી કંપનીએ કમાયો, જ્યારે કોર્પોરેશનને માત્ર ૪૫ લાખ જ મળ્યા. – મહેશ અણઘણ
3.00 pm – આંકડાકીય માયાજાળનું બજેટ, પ્રજાના પ્રશ્નો ગાયબ : પાયલ સાકરિયાનો પ્રહાર
- તેમણે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વિશેષ ભાર મૂકવાની માંગણી કરી હતી. પાણીના મીટરનું સંપૂર્ણ બિલ માફ કરી મીટર રદ કરવાની માંગ સાથે રસ્તાઓની ખરાબ હાલત મુદ્દે તંત્રને ઘેર્યું હતું. મનપાના પ્લોટ પર રનિંગ ટ્રેક અને દેશના સંતોના જીવનચરિત્ર આધારિત થીમ ગાર્ડન બનાવવાની પણ સૂચન.
- હવાનું પ્રદૂષણ વધતું અટકાવવા રહેણાક વિસ્તારોમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે ચાલી રહેલા ઉદ્યોગો સામે કાર્યવાહી કરો. પ્રદૂષણ નિયંત્રણ માટે દરેક વોર્ડમાં બે સ્મોક ટાવર ઉભા કરો, મોટા વરાછા વિસ્તારને તાપી કિનારે વિકસાવો – પાયલ સાકરિયા
- શહેરમાં હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગોમાં મંદીનો ઉલ્લેખ કરતા વેરાના દરોમાં ઘટાડાની માંગણી કરી, બસ સેવા નુકસાનમાં હોવા છતાં ઇજારદારોના ગજવા ભરાય છે, બસ સેવા તમામ માટે મફત કરવાની માંગ – પાયલ સાકરિયા
- એસએમસીના પ્લોટ ફાળવણી માટે સ્પષ્ટ નીતિ બનાવવી, વોર્ડવાઈઝ ફિઝિયો અને યોગ સેન્ટર શરૂ કરવા તથા સભાગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની પણ માંગણી કરી હતી. મંદિરોમાં વેરા માફી અને દબાણો દૂર કરવા ટાસ્ક ફોર્સ રચવાની રજૂઆત કરી હતી.
- શિક્ષણ સમિતિના બજેટ અંગે તેમણે કહ્યું કે જોગવાઈઓ કાગળ પર જ રહી જાય છે, બાળકોને સપોર્ટ યુનિફોર્મ માટેની સહાય હજુ સુધી મળી નથી.
- રેવન્યુ સરપ્લસ બજેટ અંગે તેમણે જણાવ્યું કે ગયા વર્ષના બજેટ રિવ્યૂ મુજબ રેવન્યુ અને કેપિટલ ખર્ચ મળી માત્ર રૂ. 5853 કરોડ જ વપરાયા હતા. આત્મનિર્ભર ભારતની વાત કરતા શાસકોને સવાલ કર્યો કે મનપાનું બજેટ સરકારી ગ્રાન્ટ પર આધારિત કેમ છે? ઓક્ટ્રોય ગ્રાન્ટ કેમ વધતી નથી? જકાત ફરી શરૂ કરી આવક વધારવા સૂચન કર્યું હતું.
- 24 કલાક પાણી પુરવઠાના દાવા અંગે તેમણે સવાલ કર્યો કે કઈ સોસાયટીમાં ખરેખર 24 કલાક પાણી મળે છે? ખાડી રીડેવલપમેન્ટ, તાપી સુધીકરણ અને કચરા કૌભાંડ બાદ લાગેલી આગ મુદ્દે ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરી હતી.
- પ્રજા માટે એવું કાર્ય કરી જવું જોઈએ કે ભવિષ્યમાં લોકો યાદ કરે, પરંતુ હાલનું બજેટ માત્ર આંકડાઓનો ખેલ.
4.20 pm – કોર્પોરેટર અશોક રાંદેરીએ બજેટને આવકાર્યું, ‘ગાંધી બાગ‘ ના નવિનીકરણ અને સેન્ટ્રલ ઝોનના વિકાસ પર મૂક્યો ભાર
- ‘મિની ભારત’ ના વિકાસ માટે દીર્ઘદ્રષ્ટિ…
- સેન્ટ્રલ ઝોનમાં જગ્યાની મર્યાદા હોવા છતાં વિકાસલક્ષી કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે… વર્ષો જૂની સ્ટ્રોમ વોટર લાઈન, સ્ટ્રીટ લાઈટ પોલ અને આંગણવાડીઓના નવિનીકરણ માટે બજેટમાં જોગવાઈ… મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક જરૂરિયાતો માટે આરોગ્ય સેવા અને આંગણવાડીઓની સુવિધા પર ભાર… જૂની ફિશ માર્કેટની જગ્યાએ નવો કોમ્યુનિટી હોલ બનાવવાની જોગવાઈ…. – અશોક રાંદેરી
- ગાંધી બાગનો કાયાકલ્પ થવાથી સ્થાનિક રહીશો અને બાળકોને મનોરંજન માટે ઘર આંગણે જ શ્રેષ્ઠ સુવિધા મળશે… બજેટને પ્રજા કલ્યાણકારી અને નાગરિક કેન્દ્રિત – અશોક રાંદેરી