સુરત : અગાઉ સુરત(Surat)માં કચરો(Waste) એકઠો કરવા માટે ડોર ટુ ડોર(Door to door) ગાર્બેજ કલેકશન(Garbage Collection), રસ્તા પરના ઢગલાને ટ્રેકટર મુકીને તેમજ કામદારો દ્વારા થતી સફાઇને ટેમ્પો દ્વારા ઉઠાવી અલગ અલગ એજન્સી(Agency)ઓ દ્વારા ટ્રાન્સફર સ્ટેશન સુધી લઇ જવાયા બાદ ત્યાંથી અન્ય એજન્સીઓ દ્વારા ખજોદ(Khajod) ડિસ્પોઝલ(Disposal) સાઇટ સુધી પહોંચાડવામાં આવતી હતી. જેને કારણે બેદરકારી બતાવનાર ઈજારદારોને પકડી શકાતા નહોતી પરંતુ હવે મનપાએ ‘એક ઝોન, એક એજન્સી’ના કન્સેપ્ટ સાથે પ્રાઇમરી વેસ્ટ ક્લેક્શનના આધુનિકકરણ અને સેકેન્ડરી ટ્રાન્સપોર્ટસિસ્ટમ માટે આજે 10 વર્ષ માટે 1436 કરોડના ખર્ચ સાથેના વરાછા-એ-બી અને સેન્ટ્રલ, રાંદેર ઝોન તથા ઉધના ઝોન એ-બીમાં બે એજન્સીઓને 10 વર્ષના ઓપરેશન મેઇન્ટેનેન્સનો ઇજારો આપીદીધો હતો. જોકે, આ કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત વહીવટી તંત્ર દ્વારા બપોરે રજૂ કરવામાં આવી અને સ્થાયી સમિતીએ તેને વધારાના કામ તરીકે સમાવી લઈને મંજૂર કરી દેતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
- ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન: 10 વર્ષ માટે 1436 કરોડની દરખાસ્ત બપોરે આવી, સાંજે મંજૂર
- ‘એક ઝોન, એક એજન્સી’ના કોન્સેપ્ટ સાથે કોન્ટ્રાક્ટ અપાયા પરંતુ તેના માટેની ઝડપે આશંકાના અનેક વાદળો ભેગા કર્યા
- સામાન્ય રીતે દરખાસ્તો પર અભ્યાસ કરવામાં આવતો હોય છે પરંતુ આ દરખાસ્તને વધારાના કામ તરીકે લાવીને મંજૂર કરી દેવાઈ
- ઉતાવળે મંજૂર કરાયેલી દરખાસ્તને પગલે શાસકપક્ષના અમુક સભ્યો અને પદાધિકારીઓમાં કચવાટની લાગણી
આમ તો, શહેરને સ્વચ્છ બનાવવા માટે વધુ સારી વ્યવસ્થા ઉભી કરવાના ભાગ રૂપે આ ઇજારા આપવાના ઠરાવ કરવામાં આવ્યા છે પરંતુ શંકાસ્પદ વાત એ છે કે, 1450 કરોડના 10 વર્ષ માટેના આ મલાઇદાર કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિએ વધારાના કામ તરીકે એજન્ડામાં મુકીને મંજૂર કરી હોવાથી અનેક આશંકાઓ ઊભી થવા પામી છે. સામાન્ય રીતે આવા લાંબાગાળાના ઇજારામાં યોગ્ય સમય લઇ અભ્યાસ કરાયા બાદ એજન્ડા પર કામ મુકાતું હોય છે. પરંતુ આ કામમાં ગુરૂવારે બપોરે જ વહિવટી તંત્રએ કોન્ટ્રાક્ટની દરખાસ્તો સેક્રેટરી બ્રાંચમાં મોકલી અને શાસકોએ વધારાના કામ તરીકે એજન્ડામાં સામેલ કરી ફટાફટ મંજૂર કરી દીધી હતી. જેને કારણે ખુદ શાસકપક્ષના સભ્યો અને અમુક પદાધિકારીઓમાં પણ કચવાટની લાગણી જોવા મળી હતી.
જે એજન્સીઓને અગાઉ પેનલ્ટી કરવામાં આવી હતી તેને જ ઈજારા આપી દેવામાં આવ્યા
આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા તેમાં એક શંકાનું કારણ એ છે કે મનપાએ કચરો એકઠો કરવાના કામમાં છેલ્લા ચાર વર્ષમાં નબળી કામગીરી માટે જે એજન્સીને એક કરોડનો દંડ કર્યો તે એજન્સીઓને જ 10 વર્ષ માટેનો 1436 કરોડનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે, જે એજન્સીઓને કામ સોંપાયું છે તે જીગર ટ્રાન્સપોર્ટને 88.96 લાખ અને ગ્લોલબ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી નબળી હોવાથી 23 લાખ રૂપિયાનો દંડ મનપા દ્વારા જ ફટકારાયો છે. હવે આજ એજન્સીઓને છ ઝોનમાં કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે.
ચૂંટણી ફંડ માટે કોન્ટ્રાક્ટ આપવામાં ઉતાવળની ચર્ચા
મહત્વની બાબત એ છે કે, આ કામગીરી માટે ૧૫માં નાણાપંચ તરફથી આ કામ માટે મનપાને ગ્રાન્ટ મળનાર છે. ડોર ટુ ડોરના વાહનો, ટ્રેક્ટરોની અવેજીમાં ઇ-વ્હીકલ સહિતના વાહનો માટે સરકાર તરફથી ગ્રાન્ટ મળનાર છે, પરંતુ આ દરખાસ્ત વધારાના કામમાં લાવીને તેને તાબડતોડ મંજૂર કરવાની વહીવટીતંત્રને ફરજ પડે તેવી કોઇ જ ગાઇડ લાઇન મનપાને સરકાર તરફ્થી આપવામાં આવી હોય તેવી કોઇ જ શક્યતા નથી ત્યારે જે રીતે ઝડપથી આ દરખાસ્ત લાવવામાં આવી તેની પાછળ ભાજપની ચૂંટણી ફંડ અંકે કરી લેવાની મનસા હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી હતી
એજન્સીઓને કામગીરી શરૂ કરવા માટે ત્રણ માસનો સમય લાગતો હોવાથી દરખાસ્ત ઝડપથી મંજૂર કરાઈ: શાસકો
બપોરે દરખાસ્ત મુકીને તેને સાંજે સ્થાયી સમિતીમાં મંજૂર કરી દેવા મામલે શાસકો દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે, કોન્ટ્રાક્ટ આપ્યા બાદ જે તે એજન્સીએ ઈ-વ્હીકલની સાથે સાથે મશીનરી અને અન્ય સાધનો ખરીદવાના રહે છે. કોન્ટ્રાક્ટ મળ્યા બાદ જ જે તે એજન્સી સાધનોની ખરીદી કરતી હોય છે. જેથી સપ્ટેમ્બર માસમાં કોન્ટ્રાક્ટ પુરા થઈ રહ્યા હોવાથી જો અત્યારે આ કોન્ટ્રાક્ટ મંજૂર કરવામાં નહીં આવે તો સપ્ટેમ્બર માસમાં જે તે એજન્સી પોતાની કામગીરી શરૂ કરી શકે નહીં અને તેને કારણે શહેરમાં ગંદકીના ઢગલા થઈ જાય. આ કારણે ઝડપથી દરખાસ્ત લાવીને તેને મંજૂર કરવામાં આવી છે.
જે તે ઝોનમાં ગંદકી દેખાય તો હવે એક જ એજન્સી જવાબદાર ગણાશે
શહેરમાં સફાઈ મુદ્દે એક બીજા પર જવાબદારી ઢોળતી એજન્સીઓને કારણે યોગ્ય કાર્યવાહી થઇ શકતી નહોતી પરંતુ હવે વન ઝોન વન એજન્સીના કોન્સેપ્ટ સાથે જે છ ઝોનમાં બે એજન્સીને કામ સોંપાયા તેમાં સેન્ટ્રલ ઝોન, રાંદેર ઝોન, વરાછા એ અને બી ઝોન, ઉધના એ અને બી ઝોનમાંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, કચરા પેટીમાંથી કચરાનું કલેક્શન થી માંડીને ટ્રાન્સફર સ્ટેશન પર સેગ્રીગેશન કરીને ડિસ્પોઝેબલ સાઈડ સુધી કચરો પહોંચાડવા માટે 1436 કરોડના ટેન્ડર તે પણ એક સાથે દસ વર્ષ માટે મંજુર કરવામા આવ્યા છે. જેમાં ઉધના એ અને બી તેમજ રાંદેર અને સેન્ટ્રલ ઝોન માટે પણ ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ અને વરાછા એ અને વરાછા બી માટે જીગર ટ્રાન્સપોર્ટને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે.
હવે ગંદકી દેખાશે તો ચોકકસ એજન્સીને પકડી શકાશે : સ્થાયી ચેરમેન
સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે આ નવી વ્યવસ્થા બાબતે જણાવ્યું હતું કે, પહેલાં ઝોનમાં જુદી જુદી એજન્સી કામગીરી કરતી હતી તેના કારણે સફાઈની કામગીરીમાં કેટલાક પ્રશ્નો ઉભા થયા હતા પરંતુ હવે એક ઝોનમાં લોકોના ઘરે ઘરેથી કચરો ઉઠાવી તેને ટ્રાન્સફર સ્ટેશન સુધી લઈ જઈ અને ત્યાંથી સેગ્રિગેશન કરીને ડિસ્પોઝલ સાઇટ પર લઈ જવાની જવાબદારી એક એજન્સીની હોવાથી ગંદકી દેખાશે તો ચોકકસ એજન્સી સામે કાર્યવાહી થઇ શકશે.
કચરાપેટીની આસપાસ 50 મીટરમાં ગંદકી હશે તો એજન્સી દંડાશે
જે તે ઝોનમાં જે ઇજારદારને ઇજારો સોંપાયો છે તેમાં એજન્સી દ્વારા ઘરે ઘરેથી કચરો વસુલવો અને સેગ્રિગેશન કરવું અને શહેરના દરેક કચરા પેટીમાં પ્લાસ્ટિકની બેગ ફરજ્યાત રાખવાની રહેશે. જો બેગ નહીં રહેશે તો એજન્સીને દંડ કરવામાં આવશે. આ ઉપરાંત કચરા પેટીમાં કચરો ઉભરાશે તો પણ દંડ અને કચરા પેટી ની આસપાસના 50 મીટરમાં કચરો નીચે રહેશે તો પણ દંડ વસુલવામાં આવશે. આ ઉપરાંત સેગ્રિગેશન કરવામાં આવ્યું ન હોય તો પણ દંડ કરવામાં આવશે.