Waghodia

SMC રેડ બાદ વાઘોડિયા પોલીસ મથકના બે કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી

વાઘોડિયા.;
વાઘોડિયામાં ગત મહિને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા ભવ્ય દરોડા બાદ પોલીસ તંત્રમાં મોટું ભૂકંપ સર્જાયું છે. વિદેશી દારૂના કૌભાંડમાં ગંભીર બેદરકારી અને સંભવિત સાઠગાંઠના આક્ષેપો વચ્ચે વાઘોડિયા પોલીસ મથકના પૂર્વ PI પૃથ્વીરાજસિંહ જાડેજાને ડીજીના આદેશથી તાજેતરમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે આ પ્રકરણ સાથે જોડાયેલા બે પોલીસ કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે.
SMCએ વાઘોડિયા ટાઉનમાં બસ સ્ટેન્ડ પાછળ દરોડો પાડી રૂ.17.72 લાખનો વિદેશી દારૂ, 12 મોબાઇલ ફોન, દારૂ કટીંગ માટે વપરાતી 10 વૈભવી કારો તથા રોકડ સહિત કુલ રૂ.41.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
નિયમ મુજબ રૂ.10 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાય ત્યારે સંબંધિત પોલીસ મથકના PIને લીવ રિઝર્વમાં મૂકવાનો નિયમ હોવા છતાં, PI જાડેજાને લીવ રિઝર્વમાં મુકવાના બદલે શિનોર પોલીસ મથકમાં બદલી કરાતા પોલીસ બેડમાં ભારે ચર્ચા ઉઠી હતી.
તપાસ દરમિયાન SMCને વાઘોડિયા પોલીસ મથકના બે પોલીસ કર્મચારીઓના બુટલેગરો સાથેના ફોન કોલ, વોટ્સએપ ચેટ અને કોલ ડીટેલ્સ મળ્યા હતા. ઉપરાંત, એક ડાયરીમાંથી વિદેશી દારૂની પેટીઓ ક્યારે, કેટલી અને કોને વહેંચાઈ તેની ચોંકાવનારી નોંધો મળી આવતાં આશરે 500 પાનાની ફરિયાદ તૈયાર કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ડીજી ઓફિસ એકશનમાં આવી હતી અને અંતે PI પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો. સાથે જ, બુટલેગરો સાથે સંપર્કમાં હોવાનું સામે આવતા કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભાઈની ભરૂચ અને પ્રદીપસિંહ વાઘેલાની અમદાવાદ સિટીમાં બદલી કરવામાં આવી છે.
બહુચર્ચિત SMC રેડ બાદ લેવાયેલા આ કડક પગલાંઓથી પોલીસ બેડમાં ભારે ચકચાર મચી છે, જ્યારે બીજી તરફ PI જાડેજા અને બંને કોન્સ્ટેબલો સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

રિપોર્ટ: બજરંગ શર્મા

Most Popular

To Top