Charchapatra

સ્માર્ટ ફોન – બેધારી તલવાર

તારીખ 8 ફેબ્રુઆરીના ‘ગુજરાતમિત્ર’માં ‘ટુ ધ પોઈન્ટ’માં સમકિત શાહે કુમળી વયે સ્માર્ટ ફોનના વપરાશ માટે યોગ્ય જ વિસ્તૃત છણાવટ કરી છે. ઉત્તરપ્રદેશનાં ગાઝિયાબાદમાં ત્રણ સગીર બહેનોના સામુહિક આત્મહત્યા કેસ સોશ્યલ મીડિયા અને સોશ્યલ કલ્ચરનો અંધવિશ્વાસ કેવી રીતે જીવલેણ બની શકે છે, તેનો જીવંત દાખલો છે. આ ત્રણેય બહેનો સાઉથ કોરિયન સંસ્કૃતિથી એટલી હદે પ્રભાવિત હતી કે તેઓ પોતાને ભારતીય માનવા જ તૈયાર ન હતી.

જ્યારે તેમનાં મા-બાપે લગ્નની વાત કરી, ત્યારે તેમણે દલીલ કરી કે, ‘‘ અમે તો કોરિયન છીએ તો ભારતીય યુવક સાથે લગ્ન કેમ કરીએ?’’ આ કાલ્પનિક અને ભ્રમિત માનસિકતા આત્મહત્યા કરવા તરફ દોરી ગઈ. ‘‘ સોરી પપ્પા, અમે મોબાઈલ વિના જીવી ન શકીએ.’’ સ્યુસાઈડ નોટનું આ લખાણ જ ઘણું કહી જાય છે. આ કિસ્સો આજનાં વાલીઓ માટે લાલબત્તી સમાન છે, કે તેમનાં સંતાનો સોશ્યલ મીડિયા પર ક્યા પ્રકારની સામગ્રી જોઈ રહ્યાં છે અને તેમના માનસપટલ પર કેવી અસર કરી રહી છે.

પડોશીઓના કહેવા મુજબ આ છોકરીઓ સોસાયટીના કોઈ પણ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં ક્યારેય દેખાઈ નથી. જો આપણાં બાળકો એમની ઉંમરનાં બાળકો સાથે નથી રમી રહ્યાં કે વાતો નથી કરી રહ્યાં, તો મા-બાપે સાવધ  થઈ જવાની જરૂર છે. સ્માર્ટફોન એ ડ્રગ્સથી વધારે ભયંકર નશો કહી શકાય કે જે દ્વારા જ તેના અભાવમાં નાસીપાસ, હતાશ થઈ અંતિમ પગલાં ભરવા પ્રેરે છે. વળી, સિક્કાની બીજી બાજુ વિચારતાં આજના ટેકનોલોજીકલ યુગમાં મોબાઈલ એક એવું નાનકડું જરૂરી હાથવગું ઉપકરણ છે, કે જેના થકી પળવારમાં જ્ઞાનની બારીઓ ખુલી જાય છે પણ તેનો ગલત ઉપયોગ વિનાશ જ સર્જે છે.
સુરત     – કલ્પના બામણિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top