વડોદરા: વડોદરા સ્માર્ટ સિટી તરીકે ઓળખ અપાવનાર પાલિકાના સત્તાધીશોની પોલ થોડાક જ વરસાદમાં પાલિકાની પોલ ખુલ્લી પડી છે. પરંતુ આ વખતે થોડા જ વરસાદમાં જ વિકાસની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. શહેરમાં આજે પડેલા વરસાદમાં વિકાસનો અસલી નજારો જોવા મળ્યો છે. ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાઈ ગયાં છે. સોસાયટીઓમાં અને પોળના મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. નાના બાળકો ઘરમાં ઘૂસેલા પાણીને ઉલેચી રહ્યાં છે. બીજી તરફ વાહન ચાલકોના વાહનો પાણીમાં ફસાઈ જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાવત્રિક વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેરમાં માત્ર પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. શુક્રવારે વહેલી સવારથી ધીમી ધારે વરસી રહેલા વરસાદને પગલે શહેર હિલ સ્ટેશનમાં ફેરવાઇ ગયું હોય તેવું વાતાવરણ ઉભું થયું હતું. વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન સામે આવેલી કોર્પોરેશનની આંગણવાડીમાં પડી રહેલા વરસાદ વચ્ચે પણ બાળકોને પોતાના જીવના જોખમે અભ્યાસ કરવાનો વારો આવ્યો હતો. વડોદરા શહેરમાં વરસાદને પગલે વેમારી કેનાલ પાસે અને વારસીયા લાલ અખાડા પાસે બે વૃક્ષ જમીન દોસ્ત થઇ ગયા હતા. જયારે લાલબાગબ્રીજ પર મોટા મોટા ખાડા પડી જવાના બનાવો બન્યા હતા . જેથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલા જનમહલમાં પણ પાણી ભરાઈ જવાના બનાવો પામ્યા હતા.