SURAT

ગુજરાતની આ જેલમાં શરૂ થઈ સ્માર્ટ સ્કૂલ, કેદીઓ ટેક્નોલોજીની મદદથી ભણશે

સુરત : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર કેદીઓ માટે જેલમાં સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં આજે તા. 13 જુલાઈના રોજ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્માર્ટ સ્કૂલ ખુલ્લી મુકી છે. આ સ્માર્ટ સ્કૂલમાં કેદીઓ ધો. 10 અને 12 ઉપરાંત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પરીક્ષા માટેની તૈયારી કરી શકશે. અંદાજે 130થી વધુ કેદી સ્માર્ટ સ્કૂલમાં ડિજિટલ બોર્ડ પર ટેક્નોલોજીની મદદથી ભણી શકશે.

ગુનેગારો જેલમાંથી છૂટ્યા બાદ રોજગાર મેળવી સમાજમાં ભળી આદર્શ નાગરિક બની શકે તે માટે સુરત લાજપોર જેલના પ્રશાસન દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ પ્રયાસ હેઠળ લાજપોર જેલમાં ગુજરાતની પહેલી સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. જેથી કેદીઓ સ્માર્ટ સ્કૂલમાં ટેક્નોલોજીની મદદથી અભ્યાસ કરી શકે.

ગુજરાતની કોઈ પણ જેલમાં સ્માર્ટ સ્કૂલ નથી, ત્યારે આજે પહેલી સ્માર્ટ સ્કૂલનું ઉદ્દઘાટન લાજપોર જેલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું. જેલ પ્રશાસને કહ્યું કે, શાળા પાસે એક લાઈબ્રેરી પણ શરૂ કરવામાં આવી છે. સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ છે. તેમાં ઓડિયો-વીડિયોના માધ્યમથી કેદીઓ સરળતાથી અભ્યાસ કરી શકશે. આ સ્માર્ટ સ્કૂલ શરૂ કરવા પાછળ 16 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે.

લાજપોર જેલના અધિક્ષક જે.એન. દેસાઈએ કહ્યું કે, કેદીઓ પહેલાં બેરેકમાં ભણતા હતા, પરંતુ હવે તેઓ સ્માર્ટ સ્કૂલમાં ભણી શકશે. સ્માર્ટ સ્કૂલ કેદીઓને ભણવા માટેનું વાતાવરણ પુરું પાડે છે. તેથી કેદીઓની અભ્યાસ પ્રત્યે રૂચિ વધે છે. દેસાઈએ વધુમાં કહ્યું કે, હાલમાં લાજપોર જેલમાં 130થી વધુ કેદી ભણી રહ્યાં છે. અમે કેદી વિદ્યાર્થીઓ માટે ઓપન યુનિવર્સિટી અને વીર નર્મદ યુનિવર્સિટી સાથે વ્યવસ્થા ગોઠવી રહ્યાં છે.

Most Popular

To Top