Comments

સ્માર્ટ લોકોની સ્માર્ટનેસ અને સોશ્યલ મિડિયામાં ફેમસ થવાનાં ફાંફા…!

સ્માર્ટ લોકો વિદ્ઘાન હોય છે કે વિદ્ધાન લોકો સ્માર્ટ હોય છે એવું કહેવું સોશ્યલ મિડિયાના સૌથી વધુ સદુપયોગ કે દુરુપયોગ આ લોકો કરે છે એવું એક સર્વેક્ષણ કહે છે. ઘણાં લોકોમાં સોશ્યલ મિડિયા પર છવાઈ જવાની ઘેલછા જોવા મળે છે, જેની શરૂઆત કોરોના લોકડાઉનથી થઈ હતી. લોકજાગૃતિ માટે, સમાજની સભાનતા માટે આ પ્રકારની ઘેલછા કેટલેક અંશે વ્યાજબી છે પરંતુ તે વળગણ સુધી વિસ્તરે ત્યારે તેનું વ્યાજબીપણું ઘટે છે.

ઘણાં સ્માર્ટ લોકોને આપણે ફેસબુક પર કે યુ-ટયૂબ પર ઉગ્ર દલીલો કરતાં કે અંગત આક્ષેપો કરતાં સાંભળીએ છીએ ત્યારે વાણી સ્વાતંત્ર્ય જીવે છે એવું લાગે છે. તેઓ વાણી સ્વાતંત્ર્યનો દુરુપયોગ કરે છે એવું કહેવાનો આશય નથી પરંતુ તેમાં વિવેક જળવાતો નથી ત્યારે સામે પક્ષે કયારેક વાક્બાણ યુદ્ધ થઈ જાય છે. આપણો સમાજ વિવિધતાવાળો છે. જેમાં ભિન્ન-ભિન્ન વિચારધારાવાળાં લોકો રહે છે. તેઓ તેમના મત, તેમની વિચારધારા, તેમની કેટલીક માન્યતાને આધારે, કયારેક આધાર વિના રજૂ કરે છે. એમાં કશું ખોટું નથી, પરંતુ જયારે સંવાદને બદલે વિવાદ, મતને બદલે મત-મતાંતર ઊભા થાય ત્યારે આ પ્રકારની વિવિધતા કે ભિન્નતા અભિશાપ બની જાય છે.

વૈચારિક મતભેદ તો રહેવાના જ અને રહેવા પણ જોઇએ, પરંતુ તે હિંસક કે ઘાતક તો નહિ જ બનવા જોઇએ. કેટલાંક સ્માર્ટ લોકોમાં ભાવનાત્મક ચાતુર્ય (Emotional Intelligence) જોવા મળે છે, જેનો ઉપયોગ એક અસિંહક હથિયાર તરીકે કરે છે. તેમનું ભાવનાત્મક ચાતુર્ય છેતરપિંડીનું કારણ બને છે. સ્માર્ટ લોકોની મર્યાદા એ પણ છે કે તેઓ સામેની વ્યકિત સાથે સંવાદ- ચર્ચા- દલીલ કરીને અંતે તેને પોતાની વાત સાથે સંમત કરી દે છે. પોતાના દલીલપક્ષને મજબૂત કરી, પોતાની પંગતમાં બેસાડી દે છે. આવું કરવામાં જયારે તેઓ સફળ નથી થતાં ત્યારે સામેની વ્યકિત પર શાબ્દિક હુમલો કરે છે.

ઘણી વાર સામેની વ્યકિતનું ઇમોશનલ બ્લેક મેઇલિંગ કરીને પોતાને વિજેતા સાબિત કરે છે ! આવાં લોકોનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરતાં જોવા મળે છે કે સ્માર્ટ લોકો, સામેવાળી વ્યકિતના નબળા તર્ક કે વિચારને પકડી લઇને ખુદની શ્રેષ્ઠતા પુરવાર કરવાની તીવ્ર લાલસા ધરાવતા હોય છે. આ લાલસા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ અસંતોષની આગમાં જલતાં રહે છે ! તેમને હંમેશા એવું પુરવાર કરવાનું ગમતું હોય છે કે તેમની સાથે દલીલબાજી કરતાં લોકો તેમના કરતાં ઓછી બુદ્ધિવાળા છે ! આવી માનસિકતા તેમના અહમને પોષે છે તેથી ચર્ચાના મુખ્ય અને મહત્ત્વના મુદ્દાઓ બાજુ પર રહી જાય છે !

ઉપદેશકોને ઉપદેશ આપવાનું ગમે છે કેમ કે તે તેના અહમને સંતોષે છે. કથાકારનો અહમ કથા દ્વારા સંતોષાય છે. વકતાનો અહમ શ્રોતાઓની તાળીઓ અને વાહ-વાહ સંતોષે છે. અધ્યાપકોનો અહમ વિદ્યાર્થીઓનો આદર સંતોષે છે. રાજકારણીઓનો અહમ, પ્રજાની વાહ-વાહ સંતોષે છે. પતિનો અહમ, પત્નીનો વધુ પડતો પ્રેમ સંતોષે છે. ઘણી વાર તો વધુ પડતું જ્ઞાન, અહંકારનું કારણ બને છે ! ભોળાં-અજ્ઞાની લોકો કરતાં જ્ઞાની લોકો વધુ અહંકારી જણાય છે !

 સ્માર્ટ લોકો પોતાનાં ચાહકોનું, પ્રશંસકોનું, અનુયાયીઓનું એક જૂથ ઊભું કરે છે. આ એવાં ચાહકો હોય છે, જેને પેલા સ્માર્ટની મર્યાદા દેખાતી જ નથી ! તેથી હંમેશા તેનાં ગુણગાન ગાયા કરે છે. વિધિની વક્રતા એ છે કે જે લોકો સાચું નહીં, પણ સારું બોલે છે, જોરથી બોલે છે, પ્રભાવક રીતે બોલે છે તે જ આપણને પોષે છે ! આપણી પ્રશંસા આપણા છૂપા આનંદને પોષે છે! સ્માર્ટ લોકોને પોતાની પ્રશંસા વધુ પ્રિય છે. સોશ્યલ મિડિયા પર રજૂ કરેલ તેમના વિચારને કેટલી લાઇક્સ મળી એ જ સતત જોતાં રહે છે. વધુ લાઇક્સ તેમના અહંકારને પોષે છે. કોઇ નાનકડા સેમિનારમાં ભાગ લીધો હોય તેનાં પ્રમાણપત્રો, પ્રશસ્તિપત્રો, ખૂબ ક્ષુલ્લક કે બનાવટી એવોર્ડ સતત ફેસબુક પર મૂકયા કરે છે અને પોતે ઇચ્છેલી લાઇક્સનો આંક પૂરો ન થાય ત્યાં સુધી આ સીલસીલો ચાલુ રાખે છે!

ખરેખર તો રાષ્ટ્ર કક્ષાની કોઇ અદ્વિતીય સિદ્ધિ મળી હોય તો તે જણાવવું જોઇએ અને ચોક્કસ જણાવવું જોઇએ. પરંતુ કોઇ ધારાસભ્ય કે સંસદસભ્યના પ્રશસ્તિપત્રને વારંવાર ફેસબૂક પર મૂકવું એ ઘેલછા છે. તમે કાવ્ય લખો, ગઝલ લખો કે વાર્તા લખો એ તમારા નિજાનંદ માટે છે. કોઇની દાદ મેળવવા માટે કે પ્રશસ્તિપત્ર મેળવવા માટે નથી ! પ્રયાસ વિના, સહજ એ મળે તો સ્વીકાર છે. પ્રશસ્તિનો વધુ પડતો મોહાગ્રહ તમારા નિજાનંદને મંદ બનાવી દે છે. વધુ પડતી સફળતા કે લોકપ્રિયતા એ લાંબા ગાળાનું અંતિમ સત્ય નથી, ટૂંકા ગાળાનું અર્ધસત્ય છે. આ વાત દરેક સ્માર્ટ લોકોએ યાદ રાખવા જેવી છે.

આજકાલ સોશિયલ મિડિયા પર ફેમસ થવાનો ઘણા બધાને ચસ્કો લાગ્યો છે. તેમાં પણ સ્માર્ટ લોકોમાં આ ચસ્કો ચરમસીમાએ છે. જેને જુઓ એ વાનગીની રેસીપીઓ, તંદુરસ્ત જીવન જીવવાના નુસખાઓ કે ડાન્સ- શાયરીની ‘રીલ્સ’ કે ડહાપણના વાયડા વિડીઓ દિન-રાત મૂકે રાખે છે. કેટલાંક સિનિયર સિટીઝન્સને વણમાગી સલાહના ‘કોટેશન ડોઝ’ પીવડાવતાં રહે છે ! એક મિનિટમાં ફેમસ થવાના ચક્કરમાં લોકોએ જીવ ગુમાવ્યાના દાખલા છે!

તાજેતરમાં એક હિરોઇને પોતાના મૃત્યુના ખોટા સમાચાર સોશ્યલ મિડિયા પર મૂકયા ને રાતોરાત ફેમસ થઈ ગઈ ! ત્યાર બાદ ત્રીજા જ દિવસે જાહેર કર્યું, ‘હું મરી નથી, મેં તો ‘ગર્ભાશયના કેન્સર’ની જાહેરાત માટે આવું કરેલું ! ટૂંકમાં વારંવાર ડહાપણભર્યાં નિવેદનો કરવાં, વિધાનો કરવાં કે અકારણ વિવાદો ઊભા કરીને મશહૂર થવું એ પણ સમાજમાં ફેલાતું એક જાતનું કેન્સર જ છે ને ?! સ્માર્ટ લોકોને આ પ્રકારના કેન્સરને ફેલાવવામાં મઝા આવે છે. છાકટા થઈને સોશ્યલ મિડિયામાં છવાઇ જવું એ ‘માનસિક રોગ’નું લક્ષણ હોઇ શકે?

તમે સીધા-સાદા માણસ છો. તમારો વ્યવસાય એકંદરે ખૂબ પ્રામાણિકતાથી કરો છો. પરગજુ સ્વભાવના છો. ઉદાર વ્યકિત્વના માલિક છો, છતાં સમાજમાં તમને જોઇએ તેટલી પ્રસિદ્ધિ મળતી નથી કે તમારા કામની નોંધ લેવાતી નથી એવું જયારે તમને ફિલ થાય ત્યારે ચિંતા નહિ કરતાં, સ્માર્ટ લોકોનો સંપર્ક કરજો. તમને વિશ્વની શ્રેષ્ઠ વ્યકિતઓની યાદીમાં સામેલ કરવાની સ્ટ્રેટેજી આવાં સ્માર્ટ લોકો પાસે છે. જે પ્રોફેશનલી તમને વિશ્વગુરુ બનાવી શકે એટલાં સક્ષમ છે!
વિનોદ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top