આણંદ : કેન્દ્ર સરકાર દ્વારા વીજક્ષેત્રે આરડીએસએસ યોજના મુકવામાં આવી છે. જેમાં આગામી ત્રણ વર્ષમાં 3 લાખ કરોડનો ખર્ચ થશે. જોકે, આ યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં પણ વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે. જે અંગે સાંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં લો વોલ્ટેજ, નવા ટ્રાન્સફોર્મર, નવા બસ સ્ટેશન સહિતના મામલે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આગામી ત્રણ વર્ષમાં આણંદ ડિવિઝનને કુલ 144 કરોડ જેટલી રકમ ત્રણ તબક્કામાં મળશે.
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં લો વોલ્ટેજ જેવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય અને વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ થવાની સાથે બચત થાય તે હેતુસર ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા આરડીએસએસ નામની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો અસરકારક અને સુચારૂં અમલ થાય તે માટે મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં એમજીવીસીએલના અધિકારીએ આ યોજનાથી નવા ટ્રાન્સફોર્મર, નવા સબ સ્ટેશનો સહિત લો વોલ્ટેજના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેના સહિત સ્માર્ટ મીટર (પ્રિ-પેઇડ)ની યોજનાની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, કે, આગામી ત્રણ વર્ષમાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવશે.
જેમાં સૌપ્રથમ ઔદ્યોગિક-કોમર્શિયલ ક્ષેત્રમાં સ્માર્ટ મીટરની યોજના અમલમાં મૂકવામાં આવશે બાદમાં ગવર્નમેન્ટ સેકટરમાં યોજના દાખલ કરી ક્રમશ: તેમાં વધારો કરી સમગ્ર જિલ્લાને આવરી લેવામાં આવશે. આ બેઠકમાં સાંસદ મિતેશભાઈ ઉપરાંત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિભાઈ સોઢા પરમાર, નિરંજનભાઈ પટેલ ખાસ હાજર રહ્યાં હતાં અને તેઓએ પણ વિદ્યુત સેવાઓની ગુણવત્તા જળવાઇ રહે અને તેની વિશ્વસનિયતા વધે તેવી કામગીરી કરવાનું સુચન કરી જ્યાં ફિડરો મુકવામાં આવ્યાં છે અને ખુલ્લા છે. તેની યોગ્ય જાળવણી કરવા, માર્ગમાં નડતરરૂપ હોય તેવા વીજ થાંભલા દુર કરવા, જો આ શક્ય ન હોય તો અંડર ગ્રાઉન્ડ કેબલનું કામ કરવા સુચન કર્યું હતું. જેનો અધિકારીઓએ ઉકેલ લાવવામાં ખાતરી આપી હતી.
મુશ્કેલી પડે તો સંપર્ક કરવા સાંસદે વીજ કંપનીને બાહેંધરી આપી
આણંદમાં સ્માર્ટ મિટર મુકવા ઉપરાંત નવા બસ સ્ટેશન, નવા ટ્રાન્સફોર્મર, ફિડર ઉભા કરવાની કામગીરી આગામી પાંચ વર્ષમાં હાથ ધરવામાં આવશે. આ યોજનાનું અમલીકરણ કેવી રીતે કરાશે ? તેની જાણકારી સાંસદ મિતેષભાઈ પટેલે મેળવી હતી અને આ બાબતે કોઇ તકલીફ પડે તો સંપર્ક કરવા વીજ અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ પણ બેઠક દરમિયાન કેટલાંક મહત્વનાં સૂચનો કરી જિલ્લા પંચાયતમાં વીજને લગતી બાબતો અંગે રજૂઆત કરી હતી. જેનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવશે. તેવી ખાત્રી અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
આણંદમાં પાંચ વર્ષમાં રૂ.144 કરોડનો ખર્ચ કરવામાં આવશે: અધિક્ષક ઇજનેર
આ અંગે અધિક્ષક ઇજનેર એમ.ડી. રાઠવાએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાને કુલ ત્રણ તબક્કામાં 144 કરોડ ફાળવવામાં આવશે. જેમાં પ્રથમ 2022-23ના વર્ષમાં 38, 2023-24ના વર્ષમાં 35 અને 2024-25ના વર્ષમાં બાકીની રકમનો સમાવેશ થશે. પાંચ વર્ષ ચાલનારા આ પ્રોજેક્ટમાં લો વોલ્ટેજ, અંડર ગ્રાઉન્ડ વાયરીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. જોકે, સૌથી મહત્વની બાબત એ છે કે, દરેક ક્ષેત્રે સ્માર્ટ મિટર મુકવાનું આયોજન છે. પ્રથમ તબક્કામાં કોમર્શિયલ, ઔદ્યોગિક અને બીજા તબક્કામાં સરકારી કચેરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યાં દોઢ વર્ષમાં સ્માર્ટ મિટર ફિટ કરી દેવામાં આવશે. આ મિટરની ખાસીયત એ છે કે, ગ્રાહકોને વીજ બીલ ભરવા ધક્કા ખાવા નહીં પડે. જરૂરિયાત પુરતી જ વિજળી રિચાર્જ કરાવી વાપરી શકશે.