Charchapatra

‘‘સ્માર્ટ મીટર’’ કોઇના વાંકે કોઇને ડામ

આપણા દેશમાં જે પ્રમાણમાં વીજનો સપ્લાય આપવામાં આવી રહ્યો છે તેના પ્રમાણમાં રિકવરીનો આંક ઓછો છે, મોટી સંખ્યામાં વીજચોરી થઈ રહી છે અને મોટો લાઇન લોસ આવે છે. કેટલાંક લોકો તો લાખો રૂપિયાનું વીજ બિલ ભરતાં જ નથી. તેઓનું વીજ કનેકશન કપાઈ જવા છતાં પણ આ બિલ ભરવામાં આવતું નથી અને છેવટે વીજ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. આ સમસ્યા-પ્રશ્નના ઉકેલ અર્થે કડક, નક્કર અને અસરકારક પગલાંઓ લેવાને બદલે પ્રી-પેઇડ સ્માર્ટ મીટર લગાડવાનું પગલું ભરવામાં આવ્યું છે ! જેથી લોકોને પહેલાં નાણાં ભરવા પડશે અને પછી વીજળી વાપરવા મળશે! આ તો ‘કોઇના વાંકે કોઇને ડામ’ જેવું થયું ! જે લોકો વીજ બિલના નાણાં નિયમિત રીતે ભરી રહ્યા છે તેઓને સ્માર્ટ મીટરનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો છે. વીજ કંપનીઓએ સૌ પ્રથમ સરકારી કચેરીઓ અને ઔદ્યોગિક એકમોમાં આવાં સ્માર્ટ મીટર લગાડવાની જરૂર હતી જેથી લોકો જાણી શકે તે અંગે.

પરંતુ તેમ કરવાને બદલે લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાડી દીધાં, જેના પરિણામે જે લોકોને ત્યાં આવાં મીટર લગાડવામાં આવ્યાં તે લોકોનાં વીજ બિલ વધી ગયાં. જાણવા મુજબ સ્માર્ટ મીટરમાં ‘પીક અપ અર્વસ’ એટલે કે જયારે ગ્રાહકને વધુ વીજની જરૂરિયાત હશે તે દરમ્યાન યુનિટના વધુ ચાર્જ લેવાશે. ખરેખર તો ગ્રાહકને જયારે વધુ વીજની જરૂરિયાત હોય ત્યારે યુનિટના ચાર્જ ઓછા હોવા જોઇએ. આ વિસંગતતાના કારણે ગ્રાહકને બિલ વધારે આવશે. ગ્રાહકોમાં ઊહાપોહ આવી બાબતોને લઇને જ ઊભો થયો છે. સરકાર આમાં દરમ્યાનગીરી કરી તેનો યોગ્ય ઉકેલ લાવશે?
પાલનપુર          – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સસ્પેન્ડ નહીં, કાયમી ધોરણે નિલંબિત કરો
તાજેતરમાં બનેલી વિવિધ ઘટનાઓ અનુસાર સુરતના સારોલી પંથકની હદમાં મોનીટરીંગ સેલની ટીમ દ્વારા રેડ કરતા સાઈઠ હજારનો દારૂ કબજે લઈને પો.ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે  અન્ય સુરતની ડુમસની 2 હજાર કરોડની વિવાદિત જમીનમાં સસ્પેન્ડેડ પૂર્વ કલેક્ટરના કૌભાંડની ફરિયાદ આવી હતી તેમજ ભરૂચમાં કોન્ટ્રાક્ટર પાસેથી 40 હજારની લાંચ માંગનાર કસ્ટમ ઈન્સ્પેક્ટર ઝડપાયો હતો. જેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ સિવાય પણ નિયમિત રૂપે એસ.એમ.સી.ના કર્મચારી કે અધિકારી, તેમજ સરકારી કચેરીના મામલતદારો લાંચ લેતાં પકડાયા છે અને સજા રૂપે સસ્પેન્ડ કરવામાં આવે છે.પરંતુ આ રીતે સસ્પેન્ડ કરીને કૌભાંડો પર પૂર્ણવિરામ નહીં મુકાય.  આ માટે આવા દોષી વ્યક્તિઓને કાયમી ધોરણે નોકરીમાંથી નિલંબિત કરવાની જોગવાઈ હોવી જરૂરી છે ,જેથી ભવિષ્યમાં આવા જનઅહિત કૌભાંડો પર અંકુશ લગાડી શકાય.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top