સુરત: દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીનીઓનું રિઝલ્ટ ખૂબ સારું રહ્યું છે. દીકરીઓએ વિષમ પરિસ્થિતિઓમાં પણ નાસીપાસ થયા વિના સતત મહેનત કરીને ઉજળું પરિણામ મેળવી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે.
સૃષ્ટિ મુકેશભાઈ આરીવાલા
દાદીના મૃત્યુ બાદ નાસીપાસ થયા વિના પરીક્ષા આપી અડાજણની સૃષ્ટિ આરીવાલા A-1 ગ્રેડ સાથે પાસ થઈ
અડાજણની શ્રી સરસ્વતી વિદ્યાલયના ગુજરાતી માધ્યમમાં ભણતી સૃષ્ટિ મુકેશભાઈ આરીવાલા 96 ટકા અને 99.72 પર્સન્ટાઈલ સાથે એ-1 ગ્રેડથી પાસ થઈ છે. મધ્યમવર્ગીય પરિવારની સૃષ્ટિ પહેલાંથી જ ભણવામાં હોંશિયાર હોય તેને શાળાના શિક્ષકો તરફથી ખૂબ સપોર્ટ મળતો રહ્યો છે. તેના પિતા હીરાના કારખાનામાં કામ કરે છે, માતા હાઉસ વાઈફ છે. સૃષ્ટિ પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારે તેની દાદી ઈન્દિરાબેનનું લાંબી બિમારી બાદ મૃત્યુ થયું હતું. છતાં તે નાસીપાસ થઈ નહોતી અને રાત-દિવસ તૈયારી કરી સ્ટાન્ડર્ડ મેથ્સમાં 97 માર્કસ લાવી પાસ થઈ છે. સૃષ્ટિએ કહ્યું, પરિવાર અને શાળાના સપોર્ટના લીધે જ સારા ટકા લાવી શકી છું.
દિશા કલ્પેશભાઈ શાહ
ગુજલિશ મીડિયમને દિશા ચીંધતી ભૂલકાં ભવનની દિશા શાહ!
સિનિયર જર્નાલિસ્ટ કલ્પેશ શાહની નાની દીકરી દિશા શાહ પણ મોટી બહેન સ્તુતિની જેમ ધો.10માં 99.68 પર્સેન્ટાઈલ મેળવી ટોપર્સમાં સ્થાન મેળવ્યું છે. ભૂલકાંભવન શાળામાં ગુજલિશ મીડિયમમાં ભણતી દિશાએ ગુજરાતીમાં 96, અંગ્રેજીમાં 93 તેમજ મેથ્સ-સાયન્સમાં પણ અનુક્રમે 98-97 માર્ક્સ મેળવી ગુજલિશને મહત્વપૂર્ણ દિશા ચીંધી છે. શાળાના ગુજલિશ વર્ગના 24 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ મેળવ્યો છે. દિશા સાયન્સ એ ગ્રૂપ લઈને કેરિયર આગળ વધારવા માગે છે. તે આ સફળતાનો યશ ફેમિલી, ફ્રેન્ડ્સ ક્લાસીસ અને શાળાને આપે છે.
યાના નાકરાણી અને નિધિ વિકરોતર
વરાછાની યાનાને આઈટીમાં નિધિને એન્જિનિયરિંગમાં કેરિયર બનાવવું છે
ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી યાના નાકરાણી ને 95.16 ટકા આવ્યા છે. તેને આઈટી ફિલ્ડમાં કારકિર્દી બનાવવી છે. પિતા પરેશભાઈ એમ્બ્રોઈડરી મશીન ચલાવે છે. વિકરોતર નિધિ 01.89 ટકા સાથે પાસ થઈ છે. તેણીને પણ એન્જિનિયર બનવું છે.