સુરત: (Surat) એકબાજુ સુરત સ્માર્ટ સિટીમાં (Smart City) પાંચ પાંચ એવોર્ડ (Award) સાથે સમિટમાં છવાઇ ગયું છે. તો દબાણો સહિતનાં કાયમી ન્યૂસન્સમાં તંત્ર કાયમી ઉકેલમાં નિષ્ફળ રહ્યું હોય, સમિટના વિસ્તારમાં લારીગલ્લા હટાવી દેવાયા અને અમુક જગ્યાએ ગ્રીન આવરણથી ઢાંકી દેવાતાં આ ધંધાર્થીઓની રોજગારી બે-ચાર દિવસ માટે બંધ રહેનાર હોવાથી નારાજગી જોવા મળી રહી છે. એટલું જ નહીં કાયમી ધોરણે દબાણો હટાવવામાં નિષ્ફળ તંત્રવાહકો સુરતને સ્માર્ટ બનાવવા માંગે છે કે દેખાડવા માંગે છે. તેવા સવાલો જે-તે વિસ્તારના લોકો પૂછી રહ્યા છે. જો ખરેખર દબાણો હટાવવા જ હોય તો માત્ર સમિટના સમય દરમિયાન જ શા માટે ? કાયમી ધોરણે કેમ નહીં? શું આ દબાણો માત્ર સ્થાનિક અધિકારીઓના મેળાપીપણાના કારણે જ થઇ રહ્યાં છે ? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ સમિટને લઇ અઠવા ઝોનમાં ડેલિગેટના રૂટો પરથી દબાણો રાતોરાત હટાવી દેવાયાં છે.
છેલ્લી ઘડીએ તમામ નગરસેવકોને પણ આમંત્રણ, જો કે વિપક્ષના સભ્યોની સૂચક ગેરહાજરી
સુરત: શહેરના આંગણે મનપાના જ સ્માર્ટ સિટી કંપનીના યજમાન પદે યોજાયેલી ‘સ્માર્ટ સિટી સમિટ’ (Smart City Summit) ના કાર્યક્રમમાં પહેલા માત્ર પદાધિકારીઓ અને જે-તે સમિતિના ચેરમેન-ઉપ ચેરમેન જ અપેક્ષિત હોય તેવું નક્કી કરાયું હતું. જો કે, બાદમાં નગરસેવકોમાં કચવાટ ફેલાવાની શક્યતા ધ્યાને રાખી તમામ નગરસેવકોને આમંત્રણ અપાયાં હતાં. પરંતુ વિપક્ષ આમ આદમી પાર્ટીના નગરસેવકો આવા કાર્યક્રમમાં પણ જાણે રાજકારણ હોય તેમ ગેરહાજર રહ્યા હતા.
સુરતના લોકોએ સીસીટીવી કેમેરા માટે 80 કરોડનું યોગદાન આપ્યું : સી.આર.પાટીલ
ભાજપના પ્રદેશ પ્રમુખ સાંસદ સી.આર.પાટીલે કહ્યું કે, પ્રધાનમંત્રી દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટની જાહેરાત થઈ ત્યારે લોકોને આ પ્રોજેક્ટ સપના સમાન અને અશક્ય લાગતો હતો, પરંતુ દેશનાં ૧૦૦ શહેરે સખત પરિશ્રમથી આ સપનું સાકાર કરી બતાવ્યું છે. સુરત સમગ્ર દેશને રાહ ચીંધી શકે તેવી ક્ષમતા ધરાવે છે. સુરતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે, અને શાસકો હંમેશાં વહીવટી તંત્ર સાથે સહકારની નીતિ રાખી તેથી વિકાસ થયો છે, તેણે સુરતના પૂર્વ અને વર્તમાન કમિશનરના યોગદાનને પણ બિરદાવ્યું હતું. પાટીલે ઉમેર્યું હતું કે, ગુજરાતીઓ હંમેશાં આપવા માટે જ હાથ લાંબો કરે છે, લેવા માટે નહીં. લોકોના સહકારથી સુરતમાં 80 કરોડના ખર્ચે સી.સી.ટી.વી. પ્રોજેક્ટ સાકારિત થવાથી ટ્રાફિક નિયમનની સાથે લોકોની સુરક્ષામાં પણ વધારો થયો છે.