Charchapatra

સ્માર્ટ સિટી કે સિઝનલ સિટી? પુરથી પીડાતા સુરતનો અવાજ

દર વર્ષે વરસાદ આવે તેના સાથે સુરતનાં દરજ્જાઓ વહી જાય છે. વહી જાય છે ઘરો, દુકાનો, વાહનો, અને સૌથી ભયાનક રીતે વહી જાય છે આપણું રોજીંદુ જીવન. આ પૂર કુદરતી નહિ પરંતુ તંત્રની બેદરકારીનું જીવતું ઉદાહરણ છે. દિવસેનેદિવસે માલદાર બનતી  જાય છે સુરત મહાનગરપાલિકા. દેશના સૌથી વધારે ટેક્સ ભરનારા નાગરિકોનાં શહેરમાં આવું તંત્ર શોભે? શું મ્યુનિસિપલ કોર્પોરેશન ફક્ત ગગનચુંબી ઇમારતો અને ફ્લાયઓવરની જ દાદ લે છે? નાગરિકોની જાનમાલ  નુકસાની માટે કોણ જવાબદાર? સુરતમાં સૌથી વધુ ફ્લાયઓવર છે અને છતાંય માત્ર એક-બે કલાકના વરસાદમાં શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામ અને પાણી ભરાઈ જાય છે.

અમે નાગરિકો  નિયમો  પાલન કરીએ છીએ, તો શું અમારી પણ  માંગ વ્યાજબી  નથી કે રોડ પરથી તરત પાણી નિકાલ થાય? શું તંત્ર પર એટલો પણ હક્ક નથી? દરેક જવાબદાર નાગરિક  મહેનત કરી મ્યુનિસિપલ ટેક્સ ભરે છે. ત્યારે તેઓને મળે શું? પાણીમાં તણાતી કાર, ગંદકી, બીમારીઓ, અને તંત્રની બેદરકારી!  મ્યુનિસિપલ ખાતામાં એન્જીનીયરોના લાખોનાં પગાર લેવા છતાં આયોજન શૂન્ય કામગીરી  શરમજનક છે.
પર્વતગામ, સુરત  – આશિષ ટેલર.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ટ્રમ્પ નોબેલને લાયક ખરો?
હમણાં પાકિસ્તાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલનો શાંતિ પુરસ્કાર આપવા માટે ભલામણ કરી છે. ત્યાર બાદ એક મેસેજ વાંચવામાં આવ્યો, જેમાં એવું લખ્યું હતું કે ટ્રમ્પને નોબેલનો શાંતિ નહી પણ અશાંતિ પુરસ્કાર આપવો જોઈએ. જો કે આવું શક્ય બની શકે નહી તો પણ વાત સાચી છે એવું લાગ્યા વગર રહેતું નથી. કોઈકે તો વળી એવું કહ્યું કે જો ટ્રમ્પને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવે તો તે નોબેલના શાંતિ પુરસ્કારનું અપમાન કરવા બરાબર છે. આ વાત પણ સાચી લાગી રહી છે એવું નથી લાગતું?
નાનપુરા, સુરત    – સુરેન્દ્ર દલાલ .– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top