Columns

નાની વાત, નાનું નુકસાન

રવિવારની વહેલી સવાર હતી.સોમેશની આંખ વહેલી ખુલી ગઈ એટલે જાતે ચા બનાવી તે ગરમ ચાનો કપ લઈને ગેલેરીમાં ગયો.આખી રાત વરસાદ પડ્યો હતો.ગેલેરી ભીની હતી. હજી ઝરમર વરસાદ પડી રહ્યો હતો.ઠંડા આહ્લાદક વાતાવરણમાં સોમેશે ગરમ ચા નો પહેલો ઘૂંટ ભર્યો અને મોબાઈલની રીંગ વાગી.વહેલી સવારે કોનો ફોન હશે તેમ વિચારતાં સોમેશ હાથમાં ગરમ ચાના કપ સાથે જ ફોન લેવા ઝડપથી અંદર જવા ગયો ત્યાં ભીની ગેલેરીની લાદીમાં તેનો પગ લપસ્યો અને સમતુલન ખોરવાયું.

હાથમાં ગરમ ચાના કપ સાથે સોમેશે જેમ તેમ પોતાનું સમતુલન જાળવવાનો પ્રયત્ન કર્યો.એક સાથે હાથમાં રહેલા ચાના કપમાંથી ચા ઢોળાય નહિ …કપ ફૂટે નહિ …તેનું પણ ધ્યાન રાખવામાં અંતે તે સમતુલન ન જાળવી શક્યો…ચા ઢોળાઈ …કપ ફૂટ્યો …સોમેશ નીચે પડ્યો અને ફૂટેલા કપનો કાચ હાથમાં વાગ્યો. વહેલી સવારે ચાની મજા લેવાને સ્થાને સવાર બગડી…નુકસાન થયું અને ચા ઢોળાતી બચાવવા જતાં કપ ફૂટ્યો અને કપ ન તૂટે તેનું વધુ ધ્યાન રાખવામાં સમતુલન સાવ ગયું અને સોમેશ નીચે પડ્યો અને તૂટેલો કપ હાથમાં વાગ્યો.નાનું નુકસાન બચાવવાના પ્રયત્નમાં મોટું નુકસાન થયું.જમણા હાથમાં વાગ્યું.લોહી નીકળ્યું.પાટાપીંડી કરવી પડી અને હવે ત્રણ ચાર દિવસ કામ કેમ કરવું તે પ્રશ્ન મૂંઝવવા લાગ્યો.

હવે વિચારીએ કે; જો સોમેશે કપમાંથી ચા ઢોળાય નહિ કે કપ ફૂટે નહિ તેનો વિચાર કર્યા વિના કપનો મોહ છોડી દઈને કપ ભલે ફૂટે એમ વિચારી કપ છોડી દઈને પોતાનું સમતુલન જાળવ્યું હોત તો કદાચ નાનું નુકસાન થાત; ચા ઢોળાઈ જાત અને કપ ફૂટી જાત.પણ પોતે પડત નહિ અને હાથમાં ફૂટેલા ક્પનો કાચ વાગત નહિ.આપણા જીવનમાં આવું થતું જ રહે છે. નાના નુકસાન બચાવવા જતાં મોટું નુકસાન જીરવવું પડે છે.અમુક સમયે આપને ત્વરિત નિર્ણય લઈને અમુક વસ્તુનો મોહ છોડી તેને છોડી દેવી પડે છે. જેમ અહીં જો સોમેશે કપ છોડીને પોતાને બચાવ્યો હોત તો સોમેશ પડત નહિ અને હાથમાં વાગત નહિ, પણ આ નાની નાની બાબતો અને વસ્તુઓનો મોહ આપણાથી છૂટતો નથી અને તે મોહને કારણે નાના નુકસાનને બદલે મોટું નુકસાન થઈ જાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top