Columns

નાનકડું નટ બોલ્ટ

નદી ઉપર એક નવો લોખંડનો બ્રિજ બનાવવામાં આવ્યો. બ્રિજની ખાસિયત હતી કે તે ત્રણ ભાગમાં વહેંચાયેલો હતો.એક ભાગ પાર્ટી રાહદારીઓ ચાલીને અને નાનાં વાહનો સામે પાર જઈ શકતાં. બીજા ભાગ પરથી મોટાં વાહનો પસાર થતાં અને ત્રીજા ભાગ પરથી ટ્રેન પસાર થતી હતી.આ નવા બ્રિજની ખાસ મુલાકાત લેવા આવતાં અને  બ્રિજને જોઇને તેના બાંધકામના અચૂક વખાણ કરતાં.

બ્રિજનાં વખાણ સાંભળીને બ્રિજ જે લોખંડના સળિયાઓ અને થાંભલાઓથી બનેલો હતો તે એકદમ હરખાતા પણ તે થાંભલાઓ અને સળિયાઓને જોડવાનું કામ કરતા નાના નટ બોલ્ટ બિલકુલ ખુશ થતા નહિ. લોખંડના થાંભલા દુઃખી નટ બોલ્ટને પૂછ્યું, ‘બધા આપણે ભેગા મળીને જે બ્રિજ બનાવ્યો છે તેનાં વખાણ કરે છે…ઉપયોગ કરીને અને જોઇને ખુશ થાય છે આપના વખાણ સાંભળીને અમે તો આનંદથી ઉભરાઈ જઈએ છીએ અને તું તો બિલકુલ ખુશ થતું નથી.કેમ?’ નટ બોલ્ટ બોલ્યું, ‘તમે ખુશ થાવ… કારણ કે બધાને તમે દેખાવ છો, તમે કેટલા મોટા અને ભવ્ય છો.શક્તિશાળી છો.

આ બધો ભાર તમે જ તો ઝીલો છો અને તમારાં વખાણ સાંભળીને તમે ખુશ થાવ.હું તો સાવ નાનકડું છું. કોઈને દેખાતું પણ નથી. જાણે મારું કોઈ અસ્તિત્વ જ નથી તો હું શું કામ ખુશ થાઉં?’  લોખંડના થાંભલાએ કહ્યું, ‘તું પણ આ બ્રિજનો જ એક ભાગ છે તો રાજી થા.’ આ વાતો થતી હતી ત્યાં જ  યુવાન એન્જિનિયરીંગ ભણતાં વિદ્યાર્થીઓને લઈને એક પ્રોફેસર આવ્યા અને યુવાનોને બ્રિજના બાંધકામ અને ખાસિયતો વિષે સમજાવવા લાગ્યા.પછી પ્રોફેસરે વિદ્યાર્થીઓને પૂછ્યું, ‘આ બ્રિજમાં તમારા માટે સૌથી મહત્ત્વનો ભાગ કયો છે?’ લગભગ બધાં વિદ્યાર્થીઓ બોલ્યાં, ‘આ મોટા લોખંડના થાંભલાઓ કારણ તેમના આધારે તો બ્રિજ ભાર સહન કરે છે.’

પ્રોફેસરે કહ્યું, ‘તમારો જવાબ ખોટો છે તેમ નહિ કહું પણ મારા મતે સૌથી મહત્ત્વની ભૂમિકા આ લોખંડના થાંભલાઓ અને સળિયાઓને જોડીને રાખતા નટ બોલ્ટ ભજવે છે કારણ કે તેમના લીધે લોખંડના થાંભલાઓ અને સળિયાઓ એકબીજા સાથે જોડાયેલા રહીને એકજુટ તાકાત મેળવે છે,તે બધાને જોડીને રાખે છે અને આધાર આપે છે.’ વિદ્યાર્થીઓને સમજાવતા પ્રોફેસરનો જવાબ સાંભળીને નટ બોલ્ટના મોઢા પર પહેલી વાર સ્મિત ચમક્યું.બાજુના થાંભલાએ કહ્યું, ‘સાંભળ્યું, હવે તો ખુશ થા, તું નાનું છે ,તારો આકાર નાનો છે પણ તારું કામ મહત્ત્વનું છે.

તું અમને જોડીને રાખે છે, આકાર અને આધાર આપે છે.ભારેખમ વાહનો કે ટ્રેન પસાર થાય છે ત્યારે તારે કારણે જ અમે ધ્રૂજતાં નથી અને જુદાં પડતાં નથી.’  આપણા ઘરમાં , કાર્યસ્થળે કે જીવનમાં ક્યાંય પણ આવી નટ બોલ્ટ સમાન માહિતી, તક,ઘટનાઓ કે વિચારો હોય છે જે આપણને જોડીને રાખે છે,જીવનને આકાર અને આધાર આપે છે માટે દરેક નાની નાની બાબતો પર ધ્યાન આપો ,દરેક નાના વિચારો પર તુરંત અમલ કરો, દરેક નાના નિર્ણયો પણ ધ્યાનથી લો.દરેક નાની વિગતો નોંધીને અમલમાં મૂકો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top