તંત્રી લેખમાં ડાયાબિટીસને ધીમું ઝેર કહીને એ ઝેરથી સાવચેત રહેવા માટે ઘણી સૂચનાઓ આપવામાં આવી છે. જરૂર કરતાં લોહીમાં સુગરનું પ્રમાણ વધુ હોય એને સાદી ભાષામાં મીઠી પેશાબ અથવા ડાયાબિટીઝનો રોગ કહેવામાં આવે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, એનું પાચન થતાં આપણાં તમામ અંગોને એનર્જી મળે છે અને આપણને વિવિધ કામો કરવાની તાકાત પ્રદાન થાય છે. આપણે જે પ્રમાણ ખોરાક ખાતા હોઇએ, એના હિસાબે શારીરિક કામો ના કરીએ તો પછી શરીર જાડું બનતું જાય છે. જમા થયેલી એ ચરબીને કારણે જતે દહાડે, આપણા લોહીમાં સુગર વધતી જાય છે.
જો કે ડાયાબિટીસની તકલીફ જાડી વ્યક્તિને જ નહિ, પણ ઘણી વખત પાતળી વ્યક્તિને પણ થતી હોય છે. પરંતુ જાડી વ્યક્તિને ડાયાબિટીસ થવાની શકયતા વધુ રહેલી હોય છે. એટલે જો ડાયાબિટીસથી બચવું હોય તો થોડીક સાદી વાતો ધ્યાનામાં લેવી જોઈએ. આપણી ઊંચાઈના ઇંચની સંખ્યા જેટલા કીલો આપણું વજન હોવું જોઈએ. દા.ત. જે વ્યક્તિની ઊંચાઈ સાડા પાંચ ફૂટ અર્થાત્ છાસઠ ઇંચ છે એનું વજન સામાન્ય રીતે છાસઠ કિલો હોવું જોઈએ. એટલે ડાયાબિટીસથી દૂર રહેવા માટે શરીરનું વજન કન્ટ્રોલમાં રાખવું જરૂરી છે. વજનને કન્ટ્રોલમાં રાખવા માટે માફકસરનો ખોરાક લેવો.
ચીકાશવાળા પદાર્થો ખૂબ ઓછા ખાવા. ગળ્યા પદાર્થો પણ વધુ ખાવા જોઈએ નહિ. આથાવાળી ચીજોને હાથ ના લગાડાય તો સારું. ચાલવાનો વ્યાયામ સારો છે. સમયની ખેંચ ના હોય ત્યાં ચાલતાં જવું-આવવું જરૂરી લેખાયું છે.ઘૂંટણ સારા હોય તો, ટેબલ ખુરશી ઉપર જમવા કરતાં જમીન ઉપર પલાંઠી વાળીને બેસીને જમવું ખૂબ હિતાવહ છે. નાનું મોટું ઘરકામ, દરેક ઉંમરની વ્યકિતએ કંટાળ્યા વગર કરવું જોઇએ. આમ કરતાં રહેવાથી વજન કન્ટ્રોલમાં રહેશે અને સુગર લોહીમાં આવશે નહિ. પરિણામે ડાયાબિટીઝથી બચી શકાશે. સાઈઠ વર્ષ પછી ઉંમર ભલે વધે, પણ ખોરાક ઓછો કરતાં રહેવું જોઈએ. વધુ જાડા હોવું અને વધુ ખાવું એ બધા જ રોગોનું મૂળ છે. એમાં પેલું ધીમું ઝેર કહેવાતો ડાયાબિટીસ પણ આવી જાય છે. માટે કમ ખાવો સૂત્ર સૌએ અપનાવવું જોઈએ.
સુરત – બાબુભાઈ નાઇ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.