Charchapatra

પર્યાવરણ બચાવવાના નારા

વિશ્વ પર્યાવરણ દિન, ‘‘પર્યાવરણ બચાવો’’ ના નારાથી ગૂંજી ઊઠશે. પર્યાવરણ ‘એક દિન કા સુલતાન’ બની રહેશે. ઠેર ઠેર વૃક્ષો રોપાશે (ભલે આખું વર્ષ એ વૃક્ષ કાળજી ન પામે) અન્ય દૃષ્ટિકોણથી વિચારીશું તો આપણે (માનવીએ) નિજી સ્વાર્થ ખાતર પ્રકૃતિને કેટલી હદ સુધી દૂષિત કરી છે એ વિચારતાં મસ્તક શરમથી ઝૂકી શકે ખરું. આડેધડ જંગલોના વૃક્ષની કાપણી, પશુ-પક્ષીના રહેઠાણ ખૂંચવી લીધાં. વન્ય પ્રાણીઓ માનવવસ્તીમાં ખોરાકની શોધમાં આવી ગયાં. પ્લાસ્ટીકના બહોળા પ્રમાણમાં ઉપયોગથી પ્રદૂષણ વધ્યું, ધ્વનિ પ્રદૂષણનો પાર નહીં, નદીઓને રાસાયણિક કચરાથી, ગટરનાં પાણીથી દૂષિત કરી, ફેક્ટરીઓના દૂષિત ધુમાડાથી હવા પ્રદૂષિત કરી, અનાજ, શાકભાજી ફળફળાદિ પર અનહદ દવાનો છંટકાવ કરી એનું સત્ય નષ્ટ કર્યું.

વસ્તીવધારાને કારણે રહેણાંક વિસ્તાર બનાવવા જમીન પર સિમેન્ટ ક્રોકીંટનાં જંગલો (હાઈરાઈડ્સ) બનાવ્યાં. વિ.અનેક બાબતો પર્યાવરણને નુકસાનકર્તા આપણે અમલમાં મૂકી પછી જ્યારે કુદરત કોપે ત્યારે એના કોપને નત મસ્તકે સ્વીકારવો જ પડે! એક દિવસ પર્યાવરણ દિન ઉજવવા કરતાં સદાને માટે પર્યાવરણ બચાવવાનો નિર્ણય માનવી માટે વધુ ફાયદાકારક રહેશે. શરૂઆત સ્વયંથી જ કરવી, સ્વચ્છતાને વધુ પ્રાધાન્ય અર્પણ કરીને આવનારી પેઢી માટે પણ પર્યાવરણની રક્ષા કરવી જરૂરી. તંદુરસ્તી કાજે પણ પર્યાવરણ સુરક્ષા આવશ્યક.
સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top