Vadodara

બેરોજગારી-કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર-આવેદન

વડોદરા: ઓલ ઈન્ડિયા બેરોજગાર યુવા સંઘર્ષ કમિટી દ્વારા દેશમાં બેરોજગારી દૂર કરવા સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓની ભરતી કરવા સહિત કોન્ટ્રાક્ટ પધ્ધતિ રદ્દ કરી કાયમી નોકરી આપવાની માંગ સાથે વડોદરા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ભારતમાં બેરોજગારી નો દર 8 ટકા છે. જ્યારે શહેરોમાં બેરોજગારી દર 10 ટકા છે. દેશમાં બેરોજગારીમાં દિનપ્રતિદિન વૃધ્ધિ થઈ છે. તેમાંય વારંવાર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરલીક કાંડને કારણે લાખો યુવાનો રોજગારીથી વંચિત રહી જાય છે. એક તરફ બેરોજગાર યુવાનો તથા તેમનો પરિવાર ઘણી આશાઓ સેવતા હોય છે. પરંતુ આવા પેપરલીક કાંડ તથા નોકરી ભરતીમાં ભ્રષ્ટાચાર, લાગવગશાહીને કારણે યોગ્ય અને લાયકાત ધરાવતા યુવા-યુવતીઓ બેરોજગાર રહી જાય છે.

નોકરીઓથી વંચિત રહી જાય છે અને ઘણીવાર હતાશાના ગરકાવમા આત્મહત્યા જેવાં પગલાં ભરી બેસતા હોય છે. ઘણીવાર રોજગાર ન મળતાં અવળા રસ્તે ચઢી જઈ ગુનાખોરીના રવાડે ચઢી જાય છે. તેની પાછળનું કારણ રોજગારીની તકોના સર્જન અને સલામતી વિના રાજ્યનો વિકાસ એ માત્ર મુઠ્ઠીભર કોર્પોરેટર ઉધોગોના ફાયદા માટે થયો છે. ત્યારે સરકારી ખાલી જગ્યાઓમાં સરકાર ભરતી કરે સાથે સાથે પાલિકા કચેરીઓમાં પણ ભરતી કરે તથા કોન્ટ્રાક્ટ પધ્ધતિ નાબૂદ કરી કર્મચારીઓને કાયમ કરે અને સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરોને સરકારી છાપખાનામાં દેખરેખ હેઠળ છાપવામાં આવે તેવી માંગ સાથે ઓલ ઈન્ડિયા બેરોજગાર સંઘર્ષ કમિટી દ્વારા કન્વીનર ઈન્દ્રજીત ગ્રોવરની અધ્યક્ષતામાં વડોદરા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top