રાજ્યમાં કોરોનાના કેસોમાં નજીવો વધારો નોંધાયો છે. શનિવારે કોરોનાના 16 કેસ હતાં તે વધીને આજે રવિવારે 21 થયા છે. જો કે રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા વધીને 8,25,851 સુધી પહોંચી ગઈ છે. રવિવારે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં નવા 21 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 7, સુરત મનપામાં 5, વડોદરા મનપામાં 4, અમરેલીમાં 1, ભાવનગર મનપામાં 1, ખેડામાં 1, સુરત જિ.માં 1, વલસાડમાં 1 કેસ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 દર્દીઓને સાજા થઈ જતાં રજા આપી દેવાઈ છે. હાલમાં રાજ્યમાં 151 દર્દીઓ સારવાર હેઠળ છે, જે પૈકી 3 વેન્ટિલેટર પર છે. જ્યારે 148 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. રાજ્યમાં 8,15,618 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત રાજયમાં 10082 દર્દીઓનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં રવિવારે દિવસ દરમ્યાન 1.44 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 45 વર્ષથી વધુ ઉમરના 21925 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 16203 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18થી 45 વર્ષના 59958 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 45445 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5,95,24,459 લોકોને રસી આપવામાં આવી છે.