આપણું શરીર કુદરતની અનેક કમાલોનું અદ્ભુત સ્થાયી પ્રદર્શન છે. બ્રહ્માંડની જેમ, માનવદેહનાં કેટલાંય આશ્ચર્યો આજેય વિજ્ઞાનીઓ માટે અણઉકલ્યાં રહ્યાં છે. જીવનની એવી અનેક આશ્ચર્યકારક કમાલોમાં એક અદ્ભુત કમાલ છે ઊંઘ !જીવનની પાયાની જરૂરિયાતોમાં હવા, પાણી, ખોરાક ગણવામાં આવે છે. પરંતુ તબીબોના મતે જીવનની સૌથી મોટી જરૂરીયાંત હવા-પાણી-ખોરાક ઉપરાંત ઊંઘ છે ! આજે આપણે ઊંઘની (Sleep) વાત એટલા માટે કરી રહ્યાં છીએ કેમકે આજે છે વર્લ્ડ સ્લીપ ડે!!!! આથી આજે આપણે કેટલાક એવા સુરતીઓને મળીશું અને તેમની પાસેથી જાણીશું તેમની ઊંઘમાં બોલવાની ચાલવાની કે વધારે પડતાં સુવાની અનોખી ટેવના (Habit) નોખા અનોખા રમૂજી કિસ્સાઓ…
ટ્રેનમાં ઊંઘ આવી જતાં વલસાડને બદલે વાપી પોહચી ગયો !!: કિર્તન ધામેલિયા
કિર્તન જણાવે છે કે ‘હું વલસાડ એન્જીનિયરીંગ કરતો હતો. મને વધારે સુવાની આદત હતી. સુરતથી વલસાડ ટ્રેનમાં જવાનું હોય આથી કોલેજના સમય પહેલા 4 ક્લાકનો સમય કાઢવો પડતો, બપોરની કોલેજ હતી એટલે વાંધો નહીં આવતો પણ એક્ઝામ સમયે વહેલું ઊઠવું પડે. એક તો આખી રાત્ર વાંચતો હતો અને વહેલી ટ્રેન પકડવાની. એમાં એક વાર બન્યું એવું કે મારે સવારે 7 વાગ્યે પ્રેક્ટિકલની એક્ઝામ હતી, આથી 4 વાગ્યે ઘરેથી નીકળીને ટ્રેનમાં બેઠો, આખી રાતનો ઉજાગરો હતો આથી મને ટ્રેનમાં નિંદર આવી ગઈ, અચાનક આંખ ખોલી તો ખબર પડી કે વલસાડ તો આવીને જતું રહ્યું! હું તો એટલો ગભરાઈ ગયો એક તો સ્ટેશન તો જતું રહ્યું ઉપરથી મારી એક્ઝામ એટ્લે ટેન્શન વધુ હતું. વાપીનું સ્ટેશન આવતા ત્યાં ઉતરી ગયો, અને સરને ફોન કરી આજીજી કરી અને નસીબજોગે પ્રિન્સિપલે મને બીજા દિવસે એક્ઝામ આપવા કહેલું.
કજિનને ઊંઘમાને ઊંઘમાં ચાલતા જોઈ અમે ડરી ગયેલા : સેજુ જિકાદરા
સેજુબેન જણાવે છે કે ‘મારા કાકાના દીકરાને ઊંઘમાં ચાલવાની ટેવ છે. એક વાર બન્યું એમ કે અમે દરેક જમીને ટીવી જોતા હતા, મારા અંકલ આંટીને રાત્રે કોઈ બર્થ ડે પાર્ટીમાં જવાનું હતું આથી કઝિન બ્રધરને અમારી પાસે મૂકતાં ગયા હતા, અમે લોકો લેટ સુધી ટીવી જોતાં હતા, પણ તેને ટીવી જોતાં જોતાં ઊંઘ આવી ગઈ અને તે સૂઈ ગયો, અમને તેની ઊંઘમાં ચાલવાની આદત વિષે ખબર જ નહીં હતી! અને તે અચાનક ઊંઘમાંથી ઊઠીને ઘરમાં ગોળગોળ ફરવા લાગ્યો તેની આંખ બંધ હતી તેને જોઈને અમે તો એક્દમ જ ડરી ગયા, એ સમયે તો અમે ઘણા નાના હતા, તરત જ મે અંકલને ફોન કર્યો અને કીધું તો એમણે કીધું ડરીશ નહીં એને પકડીને જગ્યાએ સુવડાવી ડે!! હજુ પણ અમે જ્યારે ભેગા થઈએ ત્યારે આ બનાવ યાદ કરી ખૂબ જ હસીએ.
આપણો સમાજ હજુ સ્લીપ ડીવોર્સ કલ્ચરને અપનાવી શક્યું નથી : દીના સાવલિયા
દીના જણાવે છે કે ‘મારા હસબન્ડને ઊંધમાં નસકોરાં બોલાવવાની આદત છે. અને કોઈ કોઈ વાર તો બડબડ પણ કરે. જેને લીધે મારી ઊંઘ બગડે. આવું દરરોજ થાય ત્યારે અપૂરતી ઊંઘને કારણે હેલ્થ બગડે. કેમ કે સવારે ટિફિન હોય ઘરના કામ અને છોકરાઓનું ભણતર. આથી સારી ઊંઘ થકી હેલ્થ સચવાઈ રહે એ માટે અમે બન્ને જણ સમજૂતીથી અલગ-અલગ રૂમમાં સૂએ છીએ જો કે આ વાતની જાણ કે ખબરસુધ્ધાં અમે કોઈને થવા દીધી નથી કેમ કે આપણો સમાજ હજુ આ કલ્ચરને અપનાવી શક્યું નથી.
રૂમ પાર્ટનરની સૂતી વખતે આંખ ખૂલી રહેતી : ગૌતમ ગામિત
ગૌતમ ગામિત જણાવે છે કે ‘હું કોલેજ કરતો ત્યારે હોસ્ટેલમાં રહેતો, મારી રૂમમાં મારા બીજા બે મિત્રો રહેતા, જેમાનો એક મારો ક્લાસમેટ જ હતો, જેને રાત્રે ઊંઘમાં આંખ ખૂલી રાખીને સુવાની આદત હતી. ઘણીવાર આજુબાજુની રૂમમાંથી છોકરાઓના પૈસા કે વસ્તુઓ ચોરાઇ જવાની બૂમો સંભળાતી પણ અમારી રૂમમાં ક્યારેય ચોરી નહીં થતી, કેમ કે મારો ફ્રેન્ડ સૂતો હોય પણ કોઈ અંદર આવે અને તેને જોવે તો એમ જ લાગે કે તે જાગે છે તેની આ આદત અમને ઘણો ફાયદો કરાવતી.’
સ્લીપ ડિવોર્સ એટલે શું ?
સામાન્ય રીતે પતિ-પત્નીને એકસાથે સૂવામાં ઘણા પ્રૉબ્લેમ નડતા હોય છે જેમ કે એકને પંખો ધીરો જોઈતો હોય તો બીજાને એકદમ ફાસ્ટ, એકને ડિમ લાઇટમાં સૂવાની આદત હોય તો બીજાને સાવ અંધારું હોય તો જ ઊંઘ આવે, એકને રાત્રે વહેલું સૂવું હોય તો બીજાને બેડરૂમમાં ટીવી જોવું હોય અથવા ઑફિસનું પેન્ડિંગ કામ કરવું હોય. આ સામાન્ય દેખાતા પ્રૉબ્લેમ્સ પણ વ્યક્તિની ઊંઘને ઘણા મોટા પાયે અસર કરતા હોય છે. આ ઉપરાંત પણ એક પાર્ટનરની નસકોરાં બોલાવવાની આદત, ઊંઘમાં બોલવાની આદત, અડધી રાત્રે ઊઠી જવાની આદત કે અપૂરતી ઊંઘ જેવી કોઈ પણ પ્રકારની ઊંઘને લગતી બીમારીઓને કારણે બીજા પાર્ટનરની ઊંઘ બગડે છે. વળી આ પ્રૉબ્લેમ્સ દરરોજના જ છે. તેથી ઘણી વાર સાથે સૂવું જાણે એક સજા લાગવા માંડે છે. આવાં કોઈ પણ કારણોસર જ્યારે પતિ-પત્ની સાથે એક રૂમમાં સૂવાનું બંધ કરે ત્યારે એને સ્લીપ ડિવૉર્સ કહે છે. આ એક એવા ડિવૉર્સ છે જે કપલ્સ એકબીજાની હેલ્થ સારી રાખવા માટે લે છે જેનાથી બન્ને જણ પરસ્પર ખુશ પણ રહે છે.