આપણો દેશ ૧૯૪૭માં આઝાદ થયો.અંગ્રેજોથી આપણને આઝાદી મળી.પરંતુ,ખરેખર આઝાદી કોઈ વ્યક્તિથી લેવાની હતી? અંગ્રેજોથી આઝાદીની જરૂર હતી કે પછી અંગ્રેજોના ઝુલમ,અત્યાચાર કે ખોટી વિચારધારાથી આઝાદીની જરૂર હતી.આઝાદી કોઈ વ્યક્તિ પાસેથી મેળવવાની હોતી નથી.પરંતુ,આઝાદી ખોટી વિચારધારાથી અને ખોટી માનસિકતાથી મેળવવાની હોય છે.આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે,દેશના સામાન્ય માનવી રોજેરોજ ઝેરના કડવા ઘૂંટડા પી ને પોતાનું જીવન જીવી રહ્યા છે.
ગરીબ, કમજોર,શોષિત,વંચિત અને સમાજના છેવાડાના માનવીના જીવનમાં સુખ, શાંતિ,સલામતી આવે એવી આઝાદી જોઈએ.જ્યારે અહીં તો હંમેશા જે જેટલો ગરીબ છે એનું એટલું જ વધારે શોષણ થઈ રહ્યું છે.આજે પણ સમાજમાં અન્યાય સામે લડવાની તાકાત ઘણા ઓછા લોકો ધરાવે છે.મારું માનવું છે કે સાચા અર્થમાં આઝાદી ત્યારે મળશે જ્યારે દરેક ક્ષેત્રમાંથી અપરાધ,ગુનાખોરી અને કમજોર પર અત્યાચાર કરવાની આપણી માનસિકતા બદલાશે.બાકી,રાજા મહારાજાઓની ગુલામી પછી અંગ્રેજોની ગુલામી અને ત્યાર બાદ નેતાઓ,ગુંડાઓ,અસામાજિક તત્ત્વો દ્વારા આપણો સામાન્ય નાગરિક આજે પણ ગુલામ જ છે.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.