પાછલા અંકમાં આપણે ત્વચા કઈ રીતે આંતરડાં(ગટ)નું પ્રતિનિધિત્વ કરે છે અર્થાત્ કેવી રીતે સ્કીન તમારા ગટને રીપ્રેઝન્ટ કરે છે તે સમજવાની શરૂઆત કરી અને સમગ્ર ચિત્રમાં જે મધ્યમાં છે એવા સારા બેક્ટેરિયા અર્થાત માઇક્રોબાયોટા વિશે સમજ્યુ.હવે પ્રશ્ન એ થાય કે આ જે સ્કિન અને ગટનું એક્સિસ એટલે કે સીધો સંબંધ છે એમાં મુખ્ય ભૂમિકા કોની છે?
માઇક્રોબાયોટા કંઈ રીતે શરીરને મદદરૂપ છે?
જે રેગ્યુલેટર/નિયામક છે,સ્કિન અને ગટ એક્સિસમાં એ માઇક્રોબાયોટા. કઈ રીતે આ માઇક્રોબાયોટા સ્કિન સાથે સીધો પરિચય ધરાવે છે તો આ મુખ્યત્વે રોગપ્રતિકારક તંત્ર સાથે વિવિધ ક્રિયા-પ્રતિક્રિયાને આધારે ઇન્ફ્લામેશનને નિયંત્રિત કરે છે. સરળ ભાષામાં સમજાવું તો માઇક્રોબાયોટા રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરે છે. આ ઉપરાંત,અમુક સંભવિત ઝેરી ખોરાકના સંયોજનોને તોડે છે અને વિટામિન B તથા વિટામિન K જેવા વિટામિન અને એમિનો એસિડસ સંશ્લેષણ કરે છે.જેમકે B12 બનાવવા માટે જરૂરી એન્ઝાઇમ ફક્ત બેક્ટેરિયામાંથી જ મળે છે નહીં કે છોડ કે કોઈ પ્રાણીમાંથી.. તો વળી ખાંડ અને દૂધમાં રહેલી શર્કરા લેક્ટોસ, નાના આંતરડાના ઉપરના ભાગમાં ઝડપથી શોષાય છે પરંતુ વધુ જટિલ કાર્બોહાઇડ્રેટ્સ જેમ કે સ્ટાર્ચ સરળતાથી પચી નથી શકતા અને મોટા આંતરડામાં નીચેના ભાગમાં જઈ શકે છે.જ્યાં માઇક્રોબાયોટા પાચનતંત્રના એન્ઝાઇમની મદદથી આ જટિલ પદાર્થો/સંયોજનોને તોડવામાં મદદ કરે છે.
હેલ્ધી ગટ કેવી રીતે જાળવીશું? શું ન કરવું એ લગભગ આપણને સૌ કોઈ કહી જાય છે પણ શું કરવું એના પર ભાર ઓછો મુકાઈ છે.ડાયટ એ ત્રણ અક્ષરનો નાનો શબ્દ છે પરંતુ વ્યક્તિથી વ્યક્તિ આ શબ્દનો અર્થ અલગ છે અને અમલીકરણ પણ.તો શું કરીશું જેથી આંતરડાને સ્વસ્થ રાખી શકીએ?
# છોડ આધારિત ખોરાક વધુ લો, વધુ ફાઇબરયુક્ત આહાર લો, ફળો શાકભાજી કઠોળ વગેરે તંદુરસ્ત અને સારા બેક્ટેરિયા માટે ઉપયોગી છે.
# ખૂબ જ વધુ પ્રોસેસ થયેલો ખોરાક ટાળો,હાઇ પ્રોસેસ્ડ ફૂડમાં કોનો સમાવેશ થાય એવું જો પૂછો તો જેમાં સુગર, સૉલ્ટ/મીઠું અને કૃત્રિમ પ્રવાહી તથા પ્રિઝર્વેટિવ નાંખી લાંબા સમય જાળવી રાખવા પેક કરવામાં આવે છે જેમાં મોટા ભાગના કોલ્ડ ડ્રિન્ક,ચોકલેટ કેન્ડી,ફ્રોઝન ડેઝર્ટ,ફ્રેન્ચ ફ્રાય,બર્ગર,પિત્ઝા,બેકરીના ખાદ્ય પદાર્થો મફિન,કેક વગેરેનો સમાવેશ થાય છે. આ એટલા માટે કે એમાં રહેલા પદાર્થો સારા બેક્ટેરિયાને દબાવી દે છે. અથવા ખરાબ બેક્ટેરિયાને વધારે છે.
# એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ,ડૂંગળી,લસણ લેટેસ,ચિકોરી વગેરે આંતરડાના બેકટેરિયા માટે મદદરૂપ છે.
# હાનિકારક વાતાવરણના સંપર્કમાં આવવાથી, વધુ તાણ લેવાથી, ચિંતા કરવાથી પણ આંતરડાના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.
# વ્યાયામ/કસરત કરવાથી આંતરડાની અંદરની મુવમેન્ટ/ગતિને વેગ મળે છે. સૌથી શ્રેષ્ઠ રસ્તો છે આ હેલ્ધી ગટ જાળવી રાખવાનો.
# પ્રોબાયોટિક ખોરાક જેમ કે દહીં/યોગર્ટ એ સારા બેક્ટેરિયાને વધવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.
પ્રોબાયોટિક્સ:
આટલું બધું સમજી લીધા બાદ કે માઇક્રોબાયોટા ખૂબ જરૂરી છે. પરંતુ કેવી રીતે નિશ્ચિત કરીએ કે આપણા શરીરમાં જરૂરી એવા બેક્ટેરિયા છે? એન્ડ હીયર કમ્સ, પ્રોબાયોટીક્સ! યસ… પ્રોબાયોટિક એ જીવંત બેક્ટેરિયા અને યીસ્ટ છે જે તમારા સ્વાસ્થ્ય ખાસ કરીને પાચનતંત્ર માટે સારા છે. જેને ઘણીવાર સારા અથવા મદદરૂપ બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે કેમકે એ આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. આ કાં તો કુદરતી રીતે ખોરાકમાં હોય છે અથવા સપ્લિમેન્ટ્સ ગોળીઓ તરીકે હોય છે જેમાં જીવંત સક્રિય બેક્ટેરિયા હોય છે. તાજેતરના સંશોધન સૂચવે છે કે પ્રોબાયોટિક સપ્લીમેન્ટેશન ત્વચાના વિવિધ રોગોના નિવારણ માટે અને મેનેજમેન્ટમાં આશાસ્પદ શક્યતા દર્શાવે છે.
ઉદાહરણ તરીકે ખીલના કિસ્સામાં, પ્રોપિયોનીબેક્ટેરિયમ-નામના બેકટેરીયા ખીલ નીકળવા માટે જવાબદાર છે. પ્રોબાયોટીક્સ એન્ટીબેક્ટેરિયલ પ્રોટીનનો સ્ત્રાવ કરી વિકસતા ખીલને અટકાવે છે. હાલની અમુક સ્ટડી સૂચવે છે કે આ સપ્લિમેંટ સ્કિનના એપિડર્મિસ પરથી વોટર લોસ થતો ઘટાડે છે અને ત્વચાને હાઈડ્રેટ રાખવામાં મદદરૂપ છે. તો વળી અન્ય એક સ્ટડી ત્વચાની સ્થિતિસ્થાપકતા/ઇલાસ્ટિસિટીમાં નોંધપાત્ર સુધારો સૂચવે છે. વિશ્વાસ કરો કે ના કરો પ્રોબાયોટિકનું વેચાણ 2015માં 35 બિલિયન ડોલરને વટાવી ગયું છે અને 2024 સુધીમાં 65 બિલિયન ડોલરને આંબી જવાનો અંદાજ છે. ગટ હેલ્થ, આંતરડાની તંદુરસ્તી પર કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી દ્વારા જ્યારે ન્યુટ્રિશનલ હસ્તક્ષેપના ભાગરૂપે અને ત્વચાની તંદુરસ્તી માટે પુષ્કળ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે ત્યારે એક સિક્રેટ કહું?? કોસ્મેટિક રીતે કંઈ જ વધારે કરવાની જરૂર નથી. તમારા આંતરડાના માઇક્રોબાયોટાનું ધ્યાન રાખો અને તમારી ત્વચા-સ્કિન ખીલી ઊઠશે. ઇટ વિલ ફ્લરિશ!!
…ઇત્તેફાક્…
વૈસે તો મોસમ ગુજરે હૈ
જિંદગી મેં કઈ,પર અબ ના જાને ક્યું મુજે વો
લગ રહે હૈ હસીન!
તેરે આને પર જાના મૈને
કહી ના કહી ઝિંદા હૂં મેં!!
– સઇદ કાદરી.