સિયાલજ પાટિયા નજીક હાઈવેની બાજુમાં એક કંપાઉન્ડમાંથી ગેરકાયદે 1600 લીટર જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર સાથે ચાર શખ્સોને પાલોદ પોલીસે ઝડપી પાડ્યા હતા. પાલોદ પોલીસને બાતમીદારે બાતમી આપી હતી કે સિયાલજ ગામની હદમાં હાઈવેની બાજુમાં આવેલા એક કમ્પાઉન્ડમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર છે. ત્યાંથી ગેરકાયદેસર રીતે આ જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી મોટી દુર્ઘટનાની દહેશત લોકોમાં વ્યાપી ગઈ છે.
જેથી પાલોદ પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતાં જી.જે. 19. એક્ષ. 1970 નંબરના ટેન્કરમાં 1600 લીટર ગેરકાયદે જ્વલનશીલ પ્રવાહી ભરેલું મળી આવ્યું હતું. પોલીસે ૧ લાખ ૧૭ હજારનું જ્વલનશીલ પ્રવાહી તેમજ રૂપિયા પાંચ લાખનો ટેન્કર મળી સવા છ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી અને ઘટના સ્થળેથી ચાર કામદારો મુકેશભાઈ શંકરલાલ સેન, શરાદિન હુસેનખાન, ધાનસીંગ હુકમ સિંગ રાજપૂત અને બિલાલ ઝાકીર શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.