આણંદ: આણંદ જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. આમ છતાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર કરવામાં પેટલાદ બેઠક પર છાસ ફૂંકી ફૂંકીને પીવી પડી હતી. પેટલાદમાં છ ટર્મના વિજેતા નિરંજનભાઇ પટેલને પડતા મુકી નવોદીત ડો. પ્રકાશ પરમારને ટિકીટ આપવામાં આવી છે. આ પહેલાં આ બેઠક પર ભરતસિંહ સોલંકી ઉમેદવારી કરે તેવી અટકળો હતી. જેનો અંત આવ્યો છે. આણંદ જિલ્લામાં વિધાનસભાની સાત બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવાનો ગુરૂવારના રોજ છેલ્લો દિવસ છે. આમ છતાં કોંગ્રેસના ગઢ એવી પેટલાદ બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવામાં ભારે અવઢવ સર્જાયો હતો. આ બેઠક પર છેલ્લા કેટલાક સમયથી પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડે તેવી અટકળો હતી.
જેના પગલે સીટીંગ ધારાસભ્ય અને છેલ્લી છ ટર્મથી સતત ચૂંટાતા આવતા િનરંજન પટેલ નારાજ થયા હતા. એક તબક્કે એવી અટકળો ચાલતી હતી કે કોંગ્રેસ ટિકીટ નહીં આપે તો ભાજપમાં જોડાશે. છેલ્લા એક સપ્તાહથી આ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે ? તે સંદર્ભે હાઇ ડ્રામા સર્જાયો હતો. આખરે બુધવારની મોડી સાંજે કોંગ્રેસે જાહેર કરેલા નામમાં નવોદિત ડો. પ્રકાશ પરમારના નામ પર કળશ ઢોળાયો છે. તેઓ બામરોલીમાં લક્વા સારવાર કેન્દ્ર ચલાવે છે. તેમના પિતા ડૉ. બુધાભાઇ પરમાર પેટલાદ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જ્યારે તેમના માતા કોકીલાબેન પરમાર જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ બીએચએમએસની ડીગ્રી ધરાવે છે.આ ઉપરાંત ખેડા જિલ્લામાં કેટલીક બેઠક પર કોંગ્રેસ અવઢવમાં હતી. જેમાં પણ થોડા ફેરફારો કરાયા છે.
આણંદ જિલ્લામાં વધુ 30 ફોર્મ ભરાયાં
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં 5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભાની બેઠકો માટે 10મી નવેમ્બર,22થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે. જેમાં બુધવાર સુધીમાં કુલ 74 ઉમેદવારીપત્રો ભરાયાં છે. ગુરૂવાર ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ છે, જ્યારે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી 18મીના રોજ કરવામાં આવશે.
આણંદ જિલ્લાની સાત વિધાનસભામાં બુધવારના રોજ વધુ 30 ઉમેદવારોએ કુલ 36 ઉમેદવારી પત્રો ભર્યાં હતાં. જે પૈકી ખંભાત વિધાનસભા બેઠક પર કુલ 2 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે ભાઇલાલભાઇ કાળુભાઇ પાંડવ તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિન્હ મહોબતસિન્હ સિન્ધાએ ઉમેદવારી નોંધાવી હતી. બોરસદ વિધાનસભા બેઠક પર કુલ 3 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હિતેશભાઇ રમેશભાઇ પટેલ તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે કેશરીસિંહ ભારતસિંહ પરમાર અને વજેસિંહ ઉદેસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી હતી. આંકલાવ વિધાનસભા બેઠક પર 3 ઉમેદવારોએ કુલ 7 ઉમેદવારી પત્રો ભર્યા હતા.
જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રતનસિંહ પઢિયારે 4 ઉમેદવારી પત્રો અને સંજયભાઇ હસમુખભાઇ પટેલે 2 ઉમેદવારી પત્રો ઉમેદવારી નોંધાવી હતી. ઉમરેઠ વિધાનસભા બેઠક પર કુલ 6 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગોવિંદભાઇ રઇજીભાઇ પરમાર અને ભરતભાઇ સુરેશભાઇ પટેલે 1-1 ઉમેદવારી પત્ર તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે હર્ષિતકુમાર ઘનશ્યામભાઇ પટેલ, જગદિશભાઇ રાવજીભાઇ ઠાકોર અને ઘનશ્યામભાઇ નટવરભાઇ દરજીએ 1-1 ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.
આણંદ વિધાનસભા બેઠક પર 12 ઉમેદવારોએ કુલ 14 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાંતિભાઇ મણીભાઇ સોઢા પરમાર અને મહેન્દ્રભાઇ કાંતિભાઇ સોઢા પરમારે 2-2 ઉમેદવારી પત્રો, ભારતીય નેશનલ જનતા દળના ઉમેદવાર તરીકે મૌલિકકુમાર વિનોદચંદ શાહે ઉમેદવારી પત્ર, રાષ્ટ્રીય હિન્દ એકતા દળના ઉમેદવાર તરીકે અરવિંદકુમાર અમરશીભાઇ ગોલ, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે અલ્પેશકુમાર જયંતીભાઇ મકવાણા અને અપક્ષ ઉમેદવાર તરીકે તૌફીકમીયા ફકરુમીયા મલેક, તોસીફભાઇ મુસ્તફાભાઇ વ્હોરા, યામીનભાઇ ઇબ્રાહીમભાઇ વ્હોરા, વિપુલકુમાર બિપીનભાઇ મેકવાન, વિજયભાઇ શાંતિલાલ જાદવ, જાનકીબેન દિનેશભાઇ પટેલ અને અલ્લારખા નસીબખાન પઠાણએ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.
પેટલાદ વિધાનસભા બેઠક પર કુલ 2 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે હર્ષદભાઇ ઇશ્વરભાઇ ગોહેલે ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી. સોજીત્રા વિધાનસભા બેઠક પર આજે કુલ 2 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં અપક્ષ ઉમેદવાર તરીકે દેવાંગકુમાર નરહરીલાલ શેલત અને યુવરાજસિંહ મહિપતસિંહ ગોહિલે 1-1 ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.