National

યૌન શોષણ કેસમાં એચડી રેવન્ના અને પ્રજ્વલને SITએ પૂછપરછ માટે બોલાવ્યા

નવી દિલ્હી: જનતા દળ (સેક્યુલર)ના (Janata Dal Secular) ધારાસભ્ય એચડી રેવન્ના (HD Revanna), તેમના પુત્ર અને હસનના સાંસદ પ્રજ્વલ રેવન્નાની (Prajwal Revanna) મુશ્કેલીઓ વધી ગઇ છે. આ બંને નેતાઓને મંગળવારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી. આ નોટિસ કથિત જાતીય સતામણીના (Sexual harassment) મામલામાં મોકલવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેને તપાસ માટે SIT સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ હાજર થવાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. અગાવ પ્રજ્વલના 200થી વધુ વીડિયો વાયરલ થયા હતા. તેમજ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વાયરલ વીડિયોમાં દેખાતી મહિલાઓ રડી રહી છે અને તેને બચાવવા માટે વિનંતી કરી રહી છે અને પ્રજ્વલ વીડિયો શૂટ કરી રહ્યો છે.

મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો
રેવન્નાના ઘરમાં કામ કરતી એક મહિલાની ફરિયાદ પર રવિવારે હાસન જિલ્લાના હોલેનરસીપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ પિતા અને પુત્ર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 354A (જાતીય સતામણી), 354D (પીછો કરવો), 506 (ધમકાવવી) અને 509 (મહિલાની ગરીમાનું અપમાન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે
પ્રજ્વલના ઘણા વીડિયો વાયરલ થયા પછી પ્રજ્વલ રેવન્ના સાથે સંકળાયેલા કથિત સેક્સ સ્કેન્ડલની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. તેમજ તપાસની જવાબદારી ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADG) BK સિંહને સોંપવામાં આવી હતી.

પ્રજ્વલ રેવન્ના દેશમાં નથી
પ્રાપ્ત વિગતો મુજબ પ્રજ્વલ રેવન્ના હાલ દેશમાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે 26 એપ્રિલે કર્ણાટકમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા બાદ તેઓ વિદેશ ભાગી ગયા હતા. તેમજ પ્રજ્વલ રેવન્ના હાસન લોકસભા મતવિસ્તારમાંથી BJP-JD(S) ગઠબંધનના ઉમેદવાર છે.

પ્રજ્વલની મુસીબતો વધી
સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા હાસન સાંસદ પ્રજ્વલ રેવન્નાને JDSએ સસ્પેન્ડ કર્યા હતા. તેમને કારણ બતાવો નોટિસ પણ મોકલવામાં આવી હતી. હુબલીમાં પાર્ટીની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ આ મામલાની તપાસ માટે રચાયેલી SITએ પણ ગઇકાલે મંગળવારે તપાસ શરૂ કરી હતી. એચડી રેવન્ના અને તેમના પુત્ર પ્રજ્વલ રેવન્ના આજે SIT સમક્ષ પુછપરછના ભાગ રૂપે હાજર થવા જણાવ્યું હતું.

Most Popular

To Top