Comments

બિહારમાં માઈ બહિન યોજના

બિહારમાં ચૂંટણી નજીક છે અને બધા પક્ષોએ મતદારોને પોતાની તરફ ખેંચવાના ત્રાગડા શરૂ કરી દીધા છે. નરેન્દ્ર મોદી બિહારમાં સભા કરી ચૂક્યા છે અને એમાં પાકિસ્તાનને પાઠ ભણાવવાની વાત કરી હતી. ભાજપ અને જેડીયુ સાથે ચૂંટણી લડવાના છે. સામે પક્ષે રાજદ અને કોંગ્રેસ વચ્ચે બધું સારું ચાલતું હોય એવું લાગતું નથી. કારણ કે, રાજદના તેજસ્વી યાદવે બહેનો માટે એક યોજનાની જાહેરાત કરી હતી પણ હવે કોંગ્રેસે તો આ યોજના માટે નોંધણી નંબર જાહેર કરી દીધા છે. બિહાર કોન્ગ્રેસના પ્રમુખ અને મહિલા કોન્ગ્રેસના પ્રમુખ અલકા લાંબાએ આ જાહેરાત કરી છે.

માઈ બહીન યોજના એટલે રૂ. ૨૫૦૦ દર મહિને આપવાની વાત છે. કોંગ્રેસે કહ્યું છે કે, કર્નાટક અને હિમાચલમાં આવી યોજના ચાલે છે અને છતીસગઢમાં સોરેન સરકારમાં પણ આવી યોજના ચાલે છે. ભાજપ વાતો કરે છે. અમે અમલ કર્યો છે એ બિહારમાં પણ થશે. મહિલાઓને દર મહિને અમુક રકમ અપાવાની યોજના મોટા ભાગની સરકારોએ અમલમાં મૂકી છે. એમાં ભાજપ પણ સામેલ છે. મહિલાઓના મત સૌથી વધુ મહત્ત્વના બન્યા છે અને એની માટે સરકારની તિજોરી પર બોજ આવે તો ભલે આવે પણ આવી યોજના માટે વાયદા થાય છે અને સત્તા પર આવ્યા બાદ જ તે પક્ષ એનો અમલ પણ કરે છે.

મહારાષ્ટ્રમાં દાગદાર છગન ભુજબળ ફરી મંત્રી
મહારાષ્ટ્રમાં એનડીએ સરકાર છે પણ એના ભાગીદાર ભાજપ સાથે શિંદે અને અજીત પવાર છે અને એમાં બધું સમુંસુતરું ચાલતું નથી. સત્તા માટે આ ભાગીદારી છે બાકી વિચારધારા બધાની અલગ અલગ છે. શિવસેના અને એનસીપીમાં ઊભા ફાડિયા પાડવામાં ભાજપ સફળ રહ્યો પણ ફડણવીસ સરકારે કેટલાંક સમાધાન કરવાં પડ્યાં છે. જેમની સામે જાહેરમાં ભાજપનાં નેતાઓ આક્ષેપ કરતાં આવ્યાં છે અને ભ્રષ્ટાચારના ગમ્ભીર આક્ષેપો થયા છે એવા નેતાઓ આજે ભાજપની આગેવાનીમાં ચાલતી સરકારમાં સામેલ છે અને એમાં તાજો કિસ્સો છગન ભુજબળનો બન્યો છે.

ભુજબળ મંત્રીમંડળમાં સામેલ નહોતા અને એનું કારણ પણ એ દાગદાર છે એ જ હતું. પણ એક કેસના કારણે ધનંજય મુંડેએ રાજીનામું આપવું પડ્યું અને એમની જગ્યાએ છગન ભુજબળને લોટરી લાગી છે. એ ઘણા સમયથી નારાજ ચાલતા હતા. અજીત પવાર સાથે એમને અનબન ચાલે છે. પણ એ વાતને બાજુએ રાખી મુખ્યમંત્રી દેવેન્દ્રે ભુજબળને સામેલ કર્યા છે. ભુજબળની આ નિમણૂકને આગામી નગરપાલિકા ચૂંટણીઓ પહેલાં રાજકીય રીતે મહત્ત્વની અને ઓબીસી સમુદાયના સમર્થનને મજબૂત કરવાની રણનીતિ તરીકે જોવામાં આવે છે.

તેમને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ખાતું સોંપવામાં આવે તેવી શક્યતા છે.ભૂજબળે શપથ લીધા બાદ કહ્યું, “અંત ભલા તો સબ ભલા,”અને તેમણે જણાવ્યું કે તેઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સોંપવામાં આવેલ કોઈ પણ જવાબદારી સ્વીકારશે. 2022-23માં જ્યારે તેમને શિવસેના-ભાજપ-NCP (અજિત પવાર જૂથ) ગઠબંધનમાં મંત્રીપદ ન મળ્યું હતું. ભુજબળે જાહેરમાં ઓબીસી અનામત અને મરાઠા અનામતના મુદ્દે પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, જેનાથી તેમની નારાજગીની અટકળોને વેગ મળ્યો હતો.

છગન ભુજબળ પહોંચેલી માયા છે. એમની સામે ભૂતકાળમાં ગંભીર આરોપો નોંધાયા છે. ખાસ કરીને 2014-15 દરમિયાન જ્યારે તેઓ શિવસેના-NCP-કોંગ્રેસની સરકારમાં મંત્રી હતા. તેમની સામે મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને એન્ટી-કરપ્શન બ્યુરો (ACB) દ્વારા તપાસ થઈ હતી. આ કેસો મુખ્યત્વે મુંબઈમાં મહારાષ્ટ્ર સદ અને કલીના લેન્ડ ડીલ સાથે સંબંધિત હતા, જેમાં ભુજબળ અને તેમના પરિવાર પર નાણાંકીય ગેરરીતિના આરોપો હતા. 2016માં, ભુજબળને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ 2018માં તેમને જામીન મળ્યા હતા.

આ કેસો હજુ પણ ન્યાયાલયમાં ચાલી રહ્યા છે, પરંતુ તેમની સામે કોઈ નિર્ણાયક સજા થઈ નથી. હા, એ જેલ જરૂર જઈ આવ્યા છે. આવા જ કેટલાક નેતાઓ સામે નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ જાહેરમાં આક્ષેપો કર્યા હતા અને આજે એ ભાજપ સાથે સરકારમાં સામેલ છે. એમાં ભુજબળનો ઉમેરો થયો છે. 2022માં ADRના એક રિપોર્ટમાં જણાવાયું હતું કે તત્કાલીન એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ સરકારના 75% મંત્રીઓ (એટલે કે, 20માંથી 15 મંત્રીઓ) સામે ગુનાહિત કેસ નોંધાયેલા હતા, જેમાંથી 13 (65%) ગંભીર ગુનાહિત કેસ ધરાવતા હતા.

આ ગંભીર કેસોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ અને ભ્રષ્ટાચાર જેવા આરોપો હતા. હાલના કેબિનેટના 42 મંત્રીઓ (મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી સહિત)છે એમાંથી કેટલા સામે કેસ છે? એડીઆરનો કોઈ અહેવાલ નથી પણ ૬૦ ટકાથી વધુ મંત્રીઓ સામે કેસ હોઈ શકે છે. ઉદ્ધવની શિવસેનાએ કેટલાક તીખા સવાલો કર્યા છે. કોંગ્રેસે પણ ટીકાઓ કરી છે પણ એની દેવેન્દ્ર સરકારને પરવા નથી. આજના રાજકારણમાં આવું બધું ચાલતું રહે છે. સિદ્ધાંતોને નેવે મુકાય છે, સત્તા આખરી લક્ષ્ય હોય છે.

ઓપરેશન સિંદૂર : અભ્યાસક્રમ બનશે
ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની કેડ ભાંગી નાખી છે. ભારતની સેનાએ પરાક્રમ કર્યું અને એની ચોતરફ પ્રશંસા થાય એ સ્વાભાવિક છે પણ એ મુદે્ રાજકારણ પણ શરૂ થયું છે. પાકિસ્તાનને ખુલ્લું પાડવા મોદી સરકારે સર્વપક્ષી પ્રતિનિધિમંડળ બનાવ્યું એમાં વિવાદ થયો. રાજકારણ બંને પક્ષે રમાયું. ઉપરાંત કેટલાક સવાલો પુછાઈ રહ્યા છે. બંને પક્ષે એકબીજાને નીચા દેખાડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. ભાજપ દ્વારા સેનાના પરાક્રમને રાજકીય વટાવી ખાવાના પ્રયત્નો થયા છે એવા આક્ષેપો પણ છે. એમાં ઉત્તરાખંડે ઉમેરો કર્યો છે.

ઓપરેશન સિંદૂરને મદ્રેસાઓમાં અભ્સયાક્રમમાં સામેલ કરવામાં આવશે. મદ્રેસા બોર્ડના અધ્યક્ષ શમુન કાસમીએ જાહેરાત કરી છે. આ સારી વાત છે પણ માત્ર મદ્રેસાઓમાં જ શા માટે? સામાન્ય શાળાઓમાં કેમ નહિ? મધ્યપ્રદેશે આવી વાત કરી હતી પણ સત્તાવાર જાહેરાત થઇ નથી અને ઓપરેશન સિંદૂર શા માટે? સેના દ્વારા અત્યાર સુધીમાં જે પરાક્રમો થયાં છે એ બધાનો કોઈ પક્ષપાત વિના શાળા અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. કોઈ એકાદ વાતને લઇ આવા નિર્ણય થાય ત્યારે વિવાદ થાય છે.
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top