ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધવા રાજ્ય સરકારે વિકટ પરિસ્થિતિને પહોંચવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે. ઠેરઠેર મોરચા પોઈન્ટ બનાવી દેવાયા છે. સોમનાથના દરિયા કાંઠે ચોકીઓ ઉભી કરી દેવાઈ છે. સરકારી કર્મચારી-અધિકારીઓની રજા રદ કરી દેવાઈ છે. ઈમરજન્સીને પહોંચી વળવા એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખી દેવાયા છે.
રાજ્યની હોસ્પિટલોમાં દવાથી લઈ જનરેટર સહિતની સુવિધા ગોઠવી દેવાઈ છે. મુખ્યમંત્રી અધિકારીઓ સાથે સતત બેઠક કરી રહ્યાં છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ચર્ચા કરી છે. દરમિયાન રાજ્યમાં 15 મે સુધી ફટકડા અને ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દેવાયો છે.
આ ઉપરાંત ગુજરાતના 8 એરપોર્ટને 14 મે સુધી બંધ કરવાની સૂચના જાહેર કરાઈ છે, જેમાં ભુજ, નલિયા, કંડલા, મુંદ્રા, કેશોદ, હીરાસર (રાજકોટ), જામનગર અને પોરબંદર એરપોર્ટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત બપોરના 3 વાગ્યાથી દિનદયાળ પોર્ટ કંડલાની તમામ કામગીરી બંધ કરાઈ છે. મુંદ્રા અદાણી પોર્ટ પણ બંધ કરાયો છે.
દરમિયાન સાતંલપુર તાલુકાના 71 ગામોમાં આજે બ્લેકઆઉટની સૂચના કલેક્ટર દ્વારા આપવામાં આવી છે. તમામ નાગરિકોને અફવાથી દૂર રહેવા વહીવટી તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.
એરફોર્સ સ્ટેશન જામનગર તરફથી વોર્નિંગ મળતા જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા શહેર અને જિલ્લામાં ઈમરજન્સી સાઈરન વગાડવામાં આવ્યું છે. આ સાથે નાગરિકોને અપીલ કરાઈ છે કે તેઓ સુરક્ષિત સ્થળે રહે. ઘરની બહાર ન નીકળે. વેપાર-ધંધા બંધ રાખે.
આ સાથે જ 24 મે સુધી જામનગર જિલ્લાને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે. જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ 154 ક્રિટિકલ-સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન કે યલો ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી રેડ ઝોનમાં 112 તથા યલો ઝોનમાં 42 ઈન્સ્ટોલેશન્સ આવેલા છે. આ વિસ્તારોની આસપાસ ડ્રોન ઉડાડી સંવેદનશીલ જગ્યાઓની ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી કરી દેશ વિરોધી પ્રવૃત્તિઓ થવાની શક્યતાઓ રહેલી છે.