ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે અંતિમ ઇલેવનમાં કોનો સમાવેશ કરવો તે અંગે ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે મૂંઝવણ ઊભી થઇ છે. તેમાં પણ અહીં ચેપોકની સ્પિનર ફ્રેન્ડલી વિકેટ પર ભારતીય ટીમ માત્ર બે ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરશે અને તેમાં બીજા ઝડપી બોલર તરીકે અનુભવી ઇશાંત શર્મા અને નવોદિત મહંમદ સિરાજમાંથી કોને સામેલ કરવો તેની મૂંઝવણ છે.
ભારતીય ટીમ પાંચમી ફેબ્રુઆરીથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં બે ઝડપી બોલર અને ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે. બીસીસીઆઇના સૂત્રએ કહ્યું હતું કે ચેપોકની પીચમાં કોઇ ઇંગ્લીશ ફીલ કે અન્ય કંઇ નથી અને તે પરંપરાગત ભારતીય વિકેટ જેવી છે. આ વિકેટ જેમ હંમેશા બને છે તેમ સ્પિનરને મદદરૂપ થશે.
આ સ્થિતિમાં બધાની નજર મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ અને કેપ્ટન વિરાટ કોહલી પર મંડાઇ છે કે તેઓ જસપ્રીત બુમરાહની સાથે બીજા ઝડપી બોલર તરીકે કોને ટીમમાં સમાવશે. માત્ર ઝડપી બોલરની પસંદગીમાં જ નહીં પણ ત્રીજા સ્પિનર તરીકે કોને સમાવવો તે પણ તેમના માટે મૂંઝવણનો વિષય છે. રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવ અંતિમ ઇલેવનમાં સ્થાન મેળવશે એ નક્કી છે ત્યારે ત્રીજા સ્પિનર તરીકે વોશિંગ્ટન સુંદર કે અક્ષર પટેલમાંથી એકની પસંદગી કરવાની રહેશે.