ચેન્નઇમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના 2 ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સ્પિનર કુલદીપ યાદવને ડોક પકડતો નજરે પડે છે. સિરાજ ખૂબ ગુસ્સામાં હોય એ રીતે જોવા મળી રહ્યો છે અને તેની એક્શન જોઇને ચાહકો ખૂબ ગુસ્સે થયા છે. સોશિયલ મીડિયા પર ચાહકો મોહમ્મદ સિરાજની ટિકા કરી રહ્યા છે. ઘણા ચાહકોએ આ મામલે બીસીસીઆઈ પાસે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.
મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ બંને ચેન્નઈ ટેસ્ટના પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર છે. સિરાજના સ્થાને ઇશાંત અને કુલદીપ યાદવના બદલે ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમને ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે આ બંને વચ્ચે ડ્રેસિંગ રૂમની બહાર કંઈક બન્યું હતું, ત્યારબાદ સિરાજે કુલદીપની ગળેથી પકડી લીધો હતો.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સૌથી વધુ 13 વિકેટ લેનાર મોહમ્મદ સિરાજ રાતોરાત હીરો બન્યો હતો પરંતુ હવે તેના ચાહકો તેના વલણ ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે. ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે મોહમ્મદ સિરાજ કુલદીપ યાદવનું ગળુ પકડતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સિરાજ ખૂબ ગુસ્સે જોવા મળી રહ્યો છે. સિરાજ અને કુલદીપ વચ્ચેની મજાકમાં એવું બન્યું હતું કે આ બનવાની શક્યતા ભાગ્યે જ જોવા મળે છે. હવે આ મામલો શું છે તે આગળ જાહેર કરવામાં આવશે, પરંતુ સવાલ એ છે કે આ વીડિયો જોયા પછી ટીમ મેનેજમેન્ટ કોઈ પગલાં લેશે?