શાળા, શિક્ષણ કે શિક્ષણપદ્ધતિ વિશે હાલ ઘણાં વિવેચકો અને સમાજનો અભિપ્રાય તંદુરસ્ત નથી. બાળક ઘર છોડીને ભાગી જાય, શાળામાં ગુલ્લી મારે, નાપાસ થવાના ડરે કે શિક્ષકની ટકોરને કારણે આપઘાત કરે ત્યારે દોષનો ટોપલો શાળા અને શિક્ષકો પર આવે છે. પરિણામે કેટલીક મેનેજમેન્ટ આવી ઝંઝટમાં પડવાને બદલે સીધેસીધું શૈક્ષણિક કાર્ય કરતાં રહોની પીપૂડી વગાડતા હોય છે. શિક્ષકો પણ અભ્યાસક્રમ પ્રમાણે કાર્ય કરતાં રહે છે.
પણ એક મહત્ત્વની બાબત એ છે કે દરેક કિસ્સામાં શિક્ષકો જવાબદાર કેવી રીતે? શિક્ષકો તો માતાપિતા પછીના બીજા હિતેચ્છુ છે જે બાળકને વિશેષ આપવા ઈચ્છે છે અને તે પણ નિ:સ્વાર્થ! અપવાદરૂપ શિક્ષકોને બાદ કરતાં બાકીનાં શિક્ષકો બાળકો સાથે લાગણીથી જોડાયેલાં હોય છે. બાળકોને સમજે છે. તેમનાં રસ, રુચિ, વલણ અને પારિવારિક સ્થિતિથી પણ જ્ઞાત હોય છે. અલબત્ત કેટલાક કડક, ઠોકી બેસાડેલા શિસ્તનાં આગ્રહીઓ બાળકનાં જે તે દિવસનાં અશિષ્ટ કે અનિયમિતતાને પણ સમજવા, સાંભળવા કે સ્વીકારવા તૈયાર નથી હોતાં.
બાળક સાચું કારણ દર્શાવે પણ એ બાળકની ભૂતકાળની છાપ કે પછી શિક્ષક, આચાર્યે ફીટ કરેલી પોતાની માનસિકતા (બધા જ જુઠું બોલે છે)ને કારણે બાળક શિક્ષાને પાત્ર ઠરે છે. ત્યારે બાળક વિશ્વાસ ગુમાવે છે. એ મનોમન પોકારે છે, ‘સર, મને સાંભળો તો ખરા!’ પણ ડરને કારણે બોલતું નથી. સામે પક્ષે સાંભળવામાં ઓછો રસ ધરાવતાં શિક્ષકો સંભળાવવામાં જ માને છે અને ત્યારે બાળકને શાળા, શિક્ષકો અને શિક્ષણ પ્રત્યે અરુચિ પેદા થાય છે. બાળકની વાત કયારેક નહીં, હંમેશા સાંભળીએ તો ઘણી સમસ્યા હલ થઈ જાય.
સુરત – અરુણ પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.