National

બંગાળમાં SIR મામલે બબાલઃ મમતા બેનરર્જીની ભાજપને ખુલ્લી ચેતવણી

SIR મામલે પશ્ચિમ બંગાળમાં હોબાળો શરૂ થયો છે. આજે મુખ્યમંત્રી મમતા બેનર્જી મંગળવારે બોનગાંવમાં હતા. બંગાળના રાજકારણમાં મહત્વપૂર્ણ ગણાતા મટુઆ સમુદાયના ગઢમાં તેમણે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આકરા પ્રહારો કર્યા.

SIR અંગે ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા મમતા બેનરજીએ કહ્યું કે SIRની કામગીરી પૂર્ણ કરવામાં ત્રણ વર્ષ લાગે છે. અમે ક્યારેય તેનો વિરોધ કર્યો નથી. અમે ફક્ત એટલું જ કહ્યું છે કે કોઈપણ સાચા મતદાતાના નામ કાઢી શકાતા નથી.

ભાજપ પોતાના કાર્યાલયમાંથી યાદીમાં ફેરફાર કરે છે
મુખ્યમંત્રી મમતાએ ચૂંટણી પંચની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે ચૂંટણી પંચનું કામ નિષ્પક્ષ રહેવાનું છે, ભાજપ કમિશન બનવાનું નહીં. જો તમે (મતદારો) ગેરકાયદેસર છો, તો 2024 માં તમે જે સરકારને મત આપ્યો હતો તે પણ ગેરકાયદેસર છે. આ સાથે મમતા બેનરજીએ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ પોતાના કાર્યાલયમાંથી મતદાર યાદીમાં ફેરફાર કરે છે.

મટુઆ સમુદાયને સંબોધતા તેમણે કહ્યું, તમે બધા વાસ્તવિક મતદારો છો. તમે 2014 માં મોદી સરકારને મત આપ્યો હતો. જો તમે ગેરકાયદેસર બનશો, તો તે સરકાર પણ ગેરકાયદેસર બની જશે.

હું સમગ્ર દેશને હચમચાવી દઈશઃ મમતા
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ SIR વિરોધી રેલીમાં કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે દાવો કર્યો કે બંગાળના લોકોને SIR ના નામે ડરાવવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર કવાયત રાજકીય હેતુઓ માટે કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, ભાજપ મારી પોતાની રમતથી મારી સામે લડી શકતું નથી કે મને હરાવી શકતું નથી. જો ભાજપ બંગાળમાં મારા પર હુમલો કરવાનો પ્રયાસ કરશે, તો હું સમગ્ર ભારતમાં તેના પાયા હચમચાવી નાખીશ.

મારી સાથે રમત રમશો નહીંઃ મમતાની ભાજપને ચેતવણી
અગાઉ મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉત્તર 24 પરગણા જિલ્લાના મટુઆ-પ્રભુત્વવાળા બાણગાંવ વિસ્તારમાં રોડ માર્ગે પહોંચ્યા હતા. તેમણે ભાજપ પર તેમના હેલિકોપ્ટર ફ્લાઇટને રોકવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે વિરોધી પક્ષ તેમને આવવા માંગતો નથી. તેમણે કડક શબ્દોમાં કહ્યું હતું કે, હું વારંવાર ભાજપને કહું છું કે મારી સાથે રમત રમવાનો પ્રયાસ ન કરો. તમે ગમે તેટલી એજન્સીઓ તૈનાત કરો અથવા કેન્દ્ર સરકારની સંપૂર્ણ શક્તિ તમે મારી સામે લગાવી દો, પણ મારી સાથે રમત રમી શકશો નહીં. તેમણે દાવો કર્યો હતો કે ચૂંટણી પહેલા પૈસા વહેંચવાના પ્રયાસો થશે, પરંતુ લોકો પૈસા લેશે અને છતાં પણ ભાજપને મત નહીં આપે.

CAAનો મામલો ઉંચક્યો
મમતા બેનર્જીએ CAA પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ભાજપ તેને મુદ્દો બનાવે છે અને ધર્મના આધારે ફોર્મ વહેંચે છે. તેમણે કહ્યું કે જ્યારે તમે CAA માટે અરજી કરો છો અને જણાવો છો કે તમે બાંગ્લાદેશી નાગરિક છો અને હવે ભારતીય બનવા માંગો છો, તો તેનો અર્થ એ છે કે તમે આપમેળે પોતાને વિદેશી જાહેર કરી દીધા છે. તમારી સામાન્ય સમજનો ઉપયોગ કરો. સોશિયલ મીડિયાના આધારે તમારું ભવિષ્ય નક્કી ન કરો. મમતા બેનર્જીએ કહ્યું કે બંગાળમાં ઘણી બોલીઓ છે, પરંતુ ભાષા એક જ છે: બંગાળી.

ભાજપ મને પણ બાંગ્લાદેશી કહી શકે છેઃ મમતા
તેણીએ કહ્યું, મારો જન્મ બીરભૂમમાં થયો હતો અને મારી માતૃભાષા બંગાળી છે. જો ભાજપ ઈચ્છે તો તેઓ મને બાંગ્લાદેશી કહી શકે છે. ભૂગોળના આધારે ભાષાઓ બદલાય છે, પરંતુ બંગાળી એક ભાષા છે. મમતા બેનર્જીએ કહ્યું કે ડૉ. ભીમરાવ આંબેડકરે કાળજીપૂર્વક બંધારણ ઘડ્યું છે. બંધારણ બધા ધર્મો વચ્ચે સુમેળનો ઉપદેશ આપે છે પરંતુ ભાજપ ધર્મના નામે અન્યાય કરી રહી છે. તેણીએ લોકોને ડરવાની જરૂર નથી તેવી વિનંતી કરતા કહ્યું, બંગાળના લોકો મારું ગૌરવ છે અને હું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી હું કોઈને મને અહીંથી બહાર કાઢવા નહીં દઉં.

Most Popular

To Top