નવી દિલ્હી: બોલીવૂડ પ્રખ્યાત ગાયક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નાથનું 53 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોલકાતામાં એક કોન્સર્ટ કરવા ગયા હતા. પરંતુ કોન્સર્ટ પછી તેમની તબિયત અચાનક બગડી હતી. તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. પરંતુ તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ કેકેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. તેઓના પોસ્ટમોર્ટમ બાદ જ તેઓના મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.
પોલીસે અસામાન્ય મૃત્યુનો કેસ નોંધ્યો
કેકેનાં મૃત્યુ મામલે પોલીસ કેસ નોંધાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસે અસામાન્ય મૃત્યુનો કેસ નોંધ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કેકેના ચહેરા અને માથા પર ઈજાનાં નિશાન છે. સિંગર કેકેનો પરિવાર કોલકાતા પહોંચી ગયો છે. તેઓની મંજુરી બાદ કેકેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસ અયોજક અને હોસ્પિટલ સ્ટાફની પૂછપરછ કરી શકે છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મોતનું કારણ જાણવા મળશે
પ્રાથમિક માહિતી પ્રમાણે, કેકેનું હારત એટેકના કારણે નિધન થયું છે. જોકે હજુ સુધી ડોક્ટરોએ સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપી નથી. તેમના પોસ્ટમોર્ટમ બાદ તેમના મોત પાછળનું ખરું કારણ જાણવા મળશે.
કેકે જે હોટલમાં રોકાયા હતા ત્યાં જોઈન્ટ કમિશનર પહોંચ્યા
ગાયક કેકેના મોત પાછળ મોટી બેદરકારીનો કિસ્સો સામે આવી રહ્યો છે. ઓડિટોરિયમમાં લોકોની ભીડ, મેનેજમેન્ટ પર અવ્યવસ્થાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કોલકાતા પોલીસે અસામાન્ય મૃત્યુનો કેસ નોંધ્યો છે. હવે કોલકાતાના જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ), મુરલીધર શર્મા એ હોટેલ પર પહોંચી ગયા છે જ્યાં કેકે રોકાયા હતા. કેકે કોલકાતાની ધ ઓબેરોય ગ્રાન્ડ હોટેલમાં રોકાયા હતા.
કેકેની સંગીતની સફર
હિન્દી ફિલ્મોમાં કેકેએ 200થી પણ વધુ ગીત ગાયા હતા. કેકે બોલિવૂડના જાણીતા તેમજ ચાહકોના પ્રિય ગાયક હતા. તેમણે ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે અને તેમનો મધુર અવાજ હંમેશા દરેકના દિલ પર રાજ કરતો હતો. 90ના દાયકામાં ‘યારો’ની સીડીઓ ચડનાર કેકે રોમેન્ટિકથી લઈને પાર્ટી ગીતો સુધી બધા જ પ્રકારના ગીતો ગાયા છે. 1999 માં, સોની મ્યુઝિક એક નવા કલાકારને લૉન્ચ કરવા માંગતા હતા. જેમાં કેકેની પસંદગી કરવામાં આવી હતી. પાલ એ સોની મ્યુઝિક હેઠળ કેકે દ્વારા બહાર પાડવામાં આવેલ પહેલું આલ્બમ હતું જેના માટે તેઓને શ્રેષ્ઠ ગાયક તરીકેનો સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો.
સિંગરના નિધનના પગલે બોલીવુડમાં શોક
કેકેના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર છવાઈ છે. કેકે બોલિવૂડના ગાયક હતા. ખુદા જાને હો, ઈટ્સ ધ ટાઈમ ટુ ડિસ્કો અને કોઈ કહેતા કહેતા રહે રહે જેવા રોમેન્ટિક ગીતો અને તડપ તડપ કે ઈસ દિલ સે તેમજ ડાન્સ નંબર્સ, દિલ મે ઉત્તર હૈ જેવા ગીતોને તેઓએ પોતાનો અવાજ આપ્યો હતો. હવે એ અવાજ કાયમ માટે શાંત થઈ ગયો છે. કૃષ્ણકુમાર કુન્નાથ કેકે તરીકે જાણીતા એક ભારતીય પ્લેબેક સિંગર હતા. તેમણે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, આસામી અને ગુજરાતી ભાષાઓની ફિલ્મોમાં ગીતો રેકોર્ડ કર્યા છે. તેમને તેમની પેઢીના સૌથી બહુમુખી ગાયકોમાંના એક તરીકે ગણવામાં આવતા હતા. કેકે ગાયક કિશોર કુમાર અને સંગીત નિર્દેશક આર.ડી. બર્મનથી ખૂબ પ્રભાવિત હતાં. માઈકલ જેક્સન, બિલી જોએલ, બ્રાયન એડમ્સ, લેડ ઝેપ્પેલીન પણ કેકેના પ્રિય આંતરરાષ્ટ્રીય ગાયકો અને બેન્ડ હતા.