દેશની વસતિ વધી છે તે પ્રમાણમાં સાંસદો અને વિધાનસભ્યોની સંખ્યા વધી નથી. સત્તર એપ્રિલ 1952ના રોજ પ્રથમ લોકસભા ચૂંટાઈ આવી. ત્યારે તેમાં 489 સભ્યો હતા. દેશ અંગ્રેજોના પ્રભાવ હેઠળ હતો તેથી બે બેઠકો એંગ્લો ઈન્ડિયન સમાજ માટે આરક્ષિત રખાઈ હતી. એ બેઠકો પર રાષ્ટ્રપતિ બે સાંસદોને નોમિનેટ કરતા હતા. એ પ્રથમ ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 364 બેઠકો મળી હતી. ત્યારબાદ લોકસભાની બેઠકો વધારીને 525 (સવા પાંચસો) કરાઈ હતી. વરસ 1971માં દેશમાં વસતિ ગણતરી હાથ ધરાઈ અને વસતિ વધારો નોંધાયો તદ્દનુસાર બેઠકોની સંખ્યા વધારવામાં આવી હતી. બંધારણમાં 31મો સુધારો કરીને ચૂંટાયેલા સાંસદોની કુલ બેઠક 525 અને ત્યારબાદ 545 કરવામાં આવી હતી.

બંધારણ છૂટ આપે છે કે લોકસભા સાંસદોની સંખ્યા 550 સુધી લઈ જઈ શકાય. પણ આજની તારીખે તે સંખ્યા 543ની રખાઈ છે. વસતિમાં જે કૂદકે ભૂસકે વધારો થયો છે અને તેની સરખામણીમાં સાંસદોની જે સંખ્યા વધી છે તેને તાર્કિક ગણાવી શકાય નહીં. અગાઉ સાંસદોને જેટલી વસતિ પાછળ ધ્યાન આપવું પડતું હતું. તેના કરતાં ત્રણથી ચાર ગણી વસતિ પાછળ આજના સાંસદોએ ધ્યાન આપવું પડે છે. હાલમાં લોકસભાની 131 સીટો અનામત રખાય છે. જેમાં 84 (ચોર્યાશી) શીડયુલ્ડ કાસ્ટ (એસસી) માટે અને 47 એસટી (શીડયુલ્ડ ટ્રાઈલ) માટે હોય છે. એંગ્લો ઈન્ડિયન સમાજ માટે બે સીટો પર પ્રતિનિધિઓ નીમવામાં આવતા હતા એ શિરસ્તો વરસ 2020થી નાબૂદ કરાયો છે.
નરેન્દ્ર મોદી સરકારને હવે સમજાઈ રહ્યું છે અને સાચુ સમજાઈ રહ્યું છે કે વસતિનું જોઈએ એટલું પ્રતિનિધિત્વ લોકસભામાં નથી. મોદી સરકારે જે નવું સંસદ ભવન બાંધ્યું છે તેમાં લોકસભાનો 888 બેઠકો અને રાજ્ય સભાની 384 બેઠકોની વ્યવસ્થા કરાઈ છે. લોકસભા ભવન મયુર પક્ષીની અને રાજ્યસભા ભવન કલમના ફૂલની થીમ ધરાવે છે. પરંતુ એ થીમ કે એ રીતે ખુરશીઓ કે બેઠકોની વ્યવસ્થા કરવા માત્રથી સભ્યોની સંખ્યા વધી ના જાય. અલબત્ત ભવિષ્યને નજરમાં રાખીને આ બાંધકામ દૂરંદેશીપૂર્ણ જરૂર છે. આ બંને સદનો સેન્ટ્રલ વિસ્તારના ભાગરૂપે બંધાયા ત્યારથી જ એ અનુમાનો વહેતા થઈ ગયાં હતા કે મોદી સરકાર સંસદના પ્રતિનિધિઓનું સંખ્યાબળ વધારવાની ફીરાકમાં છે. એ અનુમાન આજે સાચુ પડી રહ્યું છે.
કેન્દ્ર સરકાર લોકસભાના પ્રતિનિધિ સાંસદોની સંખ્યા 543 પરથી વધારીને 816 (આઠ સો સોળ) સુધી લઈ જવાનું વિચારી રહી છે. નોંધપાત્ર બાબત છે કે હવે પછીની નવી સંસદમાં લોકસભાનીં મહીલા સાંસદોની સંખ્યા 273 હશે. 1956માં કુલ સાંસદો 497 હતા. 1962માં વધીને 507 કરાયા, 1966માં 522ની સંખ્યા થઈ, 1973માં 545 થયા. પરંતુ 1973 વિતી ગયુ તેને આજે 53 (ત્રેપન) વરસ થઈ ગયાં. ત્રેપન વરસમાં ખૂબ વસતિ વધી. પરંતુ સાંસદોની સંખ્યા એની એ જ રહી. શરૂઆતનાં વરસોમાં વસતિ વધારા સાથે તાલમેળ બેસાડાયો હતો તે અરધી સદીથી વધુ સમય માટે અટકી ગયો. અને હવે અચાનક કૂદકો મારીને સંખ્યા 816 સુધી પહોંચશે. લોકપ્રતિનિધિઓની જવાબદારીઓની રીતે આ સુધારો આવશ્યક છે અને જો લોકપ્રતિનિધિઓ ખરેખર કામ કરતાં થશે તો લોકોનું જીવન સુધરશે. રાષ્ટ્રની પ્રગતિ થશે. પરંતુ સંસદમાં જે રીતે કાર્યવાહીઓ ચાલે છે, જે રીતનો ભ્રષ્ટાચાર સર્વત્ર ફેલાયો છે તે પરથી લોકોને નેતાઓમાં શ્રદ્ધા રહી નથી. અનેક લોકો દલીલ આપશે કે 543 બેસને દિવસના કરોડો રૂપિયા વેડફી નાખતા હતા અને નાખે છે તે હવે ભેગા મળીને અબજો રૂપિયાનું આંધણ કરશે. બીજી તરફ દરેક રાજકીય પક્ષોને ફાયદો થશે. સધ્ધર પક્ષોને વધુ ફાયદો થશે. તેઓ વધુ નેતાઓને ટિકિટો ફાળવી શકશે. વધુને સાચવી લઈ શકાશે તેથી ઉમેદવારી ભરવાના દિવસોમાં રિસામણાં, મનામણા અને ગૃહત્યાગની ઘટનાઓ બને છે તે ઓછી બનશે. જોકે દરેક બેઠકો માટે વધુ ઉમેદવારો ફાટી નિકળશે એટલે આ આશા સાચી પુરવાર થાય ત્યારે ખબર નિવડે વખાણ. વધુ ઉમેદવારોને ચૂંટણી લડાવવી એટલે પક્ષને વધુ ભંડોળ વાપરવું પડે. પરંતુ જીતવાની શક્યતા હોય તો ઉમેદવારો આજે સામે ચાલીને ભંડોળ આપે છે. પૈસાની કમી રહેતી નથી.
ભારત સરકારે વરસ 2023માં બંધારણમાં 106માં સુધારો કરીને, ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ સંસદમાં પસાર કર્યો છે તે મુજબ હવે પછી સંસદની અને ત્યારબાદની વિધાનસભાઓની અને સંવૈધાનિક સંસ્થાઓની જે ચૂંટણીઓ યોજાશે તેમાં 33 ટકા અર્થાત ત્રીજા ભાગની બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આઝાદ ભારતમાં એક માઈલસ્ટોન સમાન આ ઘટના છે. અમુક શરતો મૂકી કર્યા બાદ, જેમ કે મતદાર ક્ષેત્રોનું ડિલિમિટેશન, નવી વસતિ ગણતરી વગેરે કાર્યો પૂરાં થશે પછી આ નવી વ્યવસ્થા અમલમાં મૂકાશે. લાગે છે કે 2029ની સામાન્ય ચૂંટણીઓમાં 33 ટકા રિઝર્વેશનનો અમલ થશે. સરકારે કાયદો તો 2023માં ઘડી નાખ્યો અને અમલ 2029 સુધી મોકૂફ રાખ્યો ત્યારે સરકારની એમ કહીને ટીકા થઈ હતી કે આ બહેનોને ભરમાવવાનો ઉપક્રમ છે. હવે જો 2029માં તેનો અમલ નહી થાય તો સરકાર અને સરકારી રાજકીય દળોની ખૂબ ફજેતી થશે. એક ધારણા એવી છે કે 2011ની વસતિ ગણતરીના આંકડાના આધારે તે અમલમાં મૂકવામાં આવશે.
આ વરસમાં સરકાર દેશની વસતિ ગણતરી શરૂ કરવા જઈ રહી છે, જે 2021માં ટાળવવામાં આવી હતી. ગણતરી અને ત્યારબાદની ડિલિમિટેશન (મતવિસ્તારોની પુન:રચના) વગેરે પ્રોસીઝર કેટલો સમય લે છે તેના પર ઘણો આધાર છે. વર્તમાન સરકારમાં લગભગ તમામ કામો સમયબધ્ધ રીતે આગળ વધતા હોય છે. બુલેટ ટ્રેન, જોકે, ખૂબ મોડી પડી છે. વસતિ ગણતરી પણ ખૂબ મોડી પડી છે.
નારી શક્તિ વંદન સુધારિત અધિનિયમ વિધેયક સંસદમાં રજૂ કરવાની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. ગયા સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે એનડીએના નેતાઓ ઉપરાંત વિવિધ વિપક્ષોના નેતાઓ સાથે મહત્ત્વની ચર્ચાઓ કરી છે. બીજુ જનતા દળ, વાયએસઆર કોંગ્રેસ, એનસીપી, સમાજવાદી પાર્ટી, શિવસેના ઉધ્ધવ જૂથ, ઔવેસીનો પક્ષ વગેરેના નેતાઓ જોડે વાતચીત કરી. એ નક્કી છે કે આ નવી વ્યવસ્થઆનો અમલ થશે ત્યારે દેશભરની વ્યવસ્થામાં ખૂબ મોટાં અને નોંધપાત્ર પરિવર્તનો આવશે. વરસ 2021માં થવાની હતી તે વસતિ ગણતરી થઈ શકી નથી તેથી સરકાર 2011ના આંકડાનો આધાર લઈ નવા કાયદાનો અમલમાં મૂકશે, પણ આ રીતે કામ અતાર્કિક બનશે, બેવડાશે અને ભવિષ્યમાં ફરીથી નવી વ્યવસ્થાઓ દાખલ કરવી પડશે. જોકે સરકાર કેવી રીતે આગળ વધશે તે સરકાર જાણે. સરકારની ઊતાવળ સમજી શકાય તેમ છે. વસતિ ગણતરીના પરિણામો બાજુએ રાખીને સરકાર મહિલા આરક્ષણ લાગુ પાડવા માગે છે. કારણકે મતદારોમાં તેઓ પચાસ ટકા છે. પરંતુ જો નવું પરિસીમન લાગુ ન પડે, નવા મતદાર ક્ષેત્રો ન રચાય તો લોકસભામાં મહીલા સાંસદોની સંખ્યા 273ને બદલે 181 જ રહે. જોકે વર્તમાન વ્યવસ્થા પણ 2011ના આંકડા મૂજબની નથી. તેનાથી પણ આગળ જોયું તેમ, ઘણી પ્રાચીન છે. 2011ના સેન્સસને આધાર બનાવાય તો પણ સંખ્યાબળમાં ઘણો વધારો થાય. 2011 વિતિ ગયું તેને પણ પંદર વરસ થઈ ચૂકયા છે. એ સેન્સસને આધારે સરકાર લોકસભાના સાંસદોની સંખ્યા 816 પર લઈ જવા માગતી હોય તો પણ મતક્ષેત્રોની પુન:રચના જરૂરી બની જાય છે. અહેવાલો કહે છે કે સરકાર વધુ વિલંબમાં પડ્યા વગર 2011ની વસતિ ગણતરીના આધારે મતદારક્ષેત્રોની પુનરચના કરાવશે. ટુંકમાં સરકાર જે કંઈ પણ માપદંડ અપનાવે, બહેનો માટે મોટો ફરક પડવા જઈ રહ્યો છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં શિક્ષિત લોકોનું પ્રમાણ વધારે છે. ઊત્તર ભારતમાં જે ઝડપે વસતિ વધે છે એ ઝડપે ત્યાં વસતિ નથી. આ કારણથી એ રાજ્યોને ડર છે કે લોકસભામાં તેઓનું પ્રતિનિધિત્વ ઘટશે, કારણકે વસતિ ઘટી છે. પરંતુ તેઓને ખાતરી આપવામાં આવી છે કે તેઓનું પ્રતિનિધિત્વ ઘટાડવામાં નહી આવે. લોકસભામાં દરેક રાજ્યના પ્રતિનિધિઓની ટકાવારી એક સરખી જ રહેશે. મહિલાઓ માટેની આરક્ષિત જગ્યાઓ, અર્થાત મતદાર ક્ષેત્રો નક્કી કરવા માટે લોટરી સિસ્ટમ અજમાવવાનો પ્રસ્તાવ છે. પ્રત્યેક ત્રીજી બેઠક અથવા મતવિસ્તાર મહિલાઓ માટે અનામત હશે. તેનો અર્થ એ પણ નહીં કે બીજી સામાન્ય બેઠકો પર સ્ત્રીઓ ઊમેદવારી નોંધાવી નહી શકે. જે બેઠકો સ્ત્રીઓ માટે અનામત છે ત્યાં પુરૂષો ઉમેદવારી નહી કરી શકે. સાર એ કે અનામત બેઠકોની સંખ્યા ઉપરાંત પણ લોકસભામાં કે વિધાનસભાઓમાં વધુ મહિલાઓનું પ્રતિનિધિત્વ સંભવી શકે છે. તેઓ જનરલ કેટેગરીમાંથી પણ ચૂંટાઈ આવે. સરકાર ચાલુ સંસદ અધિવેશનમાં આ કાનૂન લાવે તેવી શક્યતા છે. કદાચ જરૂર પડશે તો ભવિષ્યમાં ખાસ સત્ર બોલવવામાં આવે, અથવા ચાલુ સત્રની મુદત્તમાં વધારો કરવામાં આવે. આ હીલચાલના સંદર્ભમાં ઈન્ડિયા ગઠબંધનની એક બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા બોલાવવામાં આવી છે.