Charchapatra

કિન્નાખોરી કે ચોરી પર સીનાજોરી?

એક જમાનામાં પોતાને હરિશચંદ્રનો અવતાર ગણાવતા કેજરીવાલે દિલ્હીમાં દારૂની વેચાણ નીતિમાં ફેરફાર કરી દારૂના વેપારીઓ પાસે લાંચ લઇ ઠેકાઓ આપ્યા અને આ પૈસા તેમણે ગોવાની વિધાનસભાની ચૂંટણીમાં વાપરેલા. આ મુદ્દે તેમના સાથી મનિષ સિસોદીયા કેટલાય મહિનાથી જેલમાં છે. હમણાં સુપ્રીમ કોર્ટના આદેશથી ઇડીએ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા. પણ તેઓ હાજર ન થતાં કહયું કે ચારે રાજયોની ચૂંટણીઓમાં પ્રચાર કરવાનો છે. મારી પાર્ટીના કાર્યકરોને માર્ગદર્શન આપવાનું છે એટલે હું નહિ આવું.

તેમણે એમ પણ કહ્યું કે ઇડીના સમન્સ ગેરકાયદેસર અને રાજકીય ઇરાદાથી પ્રેરિત છે. એટલે તે રદ કરવા જોઇએ. તેજ રીતે ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રા પર સંસદમાં, મુંબઇના જાણીતા બિલ્ડર તરફથી પૈસા લઇને અદાણીના મામલે સરકારને ભીડવવા પ્રશ્નો પૂછવાનો આરોપ મૂકાયો. ગંભીર વાત એ છે કે તેમણે સંસદ તરફથી મળેલા લોગઇન અને પાસવર્ડ સદર બિલ્ડરને આપેલા અને તેનો દુરૂપયોગ દુબઇથી થયેલો હોવાનું પણ જણાયું છે.  મામલો લોકસભાની નીતિમત્તા સમિતિ પાસે ગયો.

જેમણે સાંસદને ખુલાસા માટે બોલાવ્યા અને તેઓ બેઠકમા ગયા અને પછી મને અભદ્ર વ્યકિતગત પ્રશ્નો પૂછવામાં આવ્યા એમ કહીને બહાર નીકળીગયા અને સ્પીકરને પત્ર લખી ગૌરવભંગની ફરિયાદ કરી. બંને કિસ્સાનો રાજકીય કિન્નાખોરીના નહિ પણ ચોરી પર સીનાજોરીના છે.  માનો કે બંને મહાનુભાવોને પોતાના બચાવમાં કંઇક કહેવાનું હશે જ. પરંતુ તેમની વર્તણૂક શકમનદ કરતા ગુનેગારને વધુ મળતી આવે છે. જો તેઓ નિર્દોષ હોય, જો તેમણે કંઇ જ ખોટું ન કર્યું હોય તો તેમણે તપાસમાન સહકાર આપી તપાસ ઝડપથી ચાલે તેવી માંગણી કરવી જોઇએ એમ કરવાને બદલે તેઓ આડાઅવળા આક્ષેપો કરી વાતને આડે પાટે ચઢાવે છે તેમાં તેઓ ખુલ્લા પડી ગયા છે.

કેજરીવાલ અને મોઇત્રા આવી ફરિયાદ કરીને રાજકીય સહાનુભૂતિ મેળવવા માગતા હોય તો તેઓ ભૂલે છે કે આમ જનતા બધું જ જાણે છે કે આ પ્રકારની કિન્નાખોરી વગર ભ્રષ્ટાચારનો સડો સાફ કરવો શકય નથી. આજ સુધી બધા પક્ષના રાજકારણીઓ વચ્ચે વણલખ્યો કરાર પ્રવર્તતો આવ્યો છે કે ખાસો અને ખાવા દો.  કોઇએ કોઇને નડવું નહિ. એકબીજાની સામે પૂરાવા આપવા નહિ. પણ મોદીએ આ કરાર ફગાવી દીધો છે એટલે તેઓ બીજા બધા પક્ષોના સર્વમાન્ય શત્રુ છે. આવા અવ્યવહારુ માથાફરેલા નેતા જ ક્રાંતિ લાવી શકે છે. જયારે ડાહ્યા, શાણા, વ્યવહારુ વડાપ્રધાનો મનમોહન સિંઘ બની રહે છે.
બારડોલી          – અશ્વિન બાપટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શરીરનાં એંજિનની પણ ચિંતા કરો
આમ તો સૃષ્ટીમાં સૌથી બુધ્ધિવાન જો કોઈ કહેવાતુ હોય તો તે મનુષ્ય છે છતાં મનુષ્ય કંઈક એવુ કરતો રહેતો હોય છે જે બુધ્ધિમાં બેસવુ જ મુશ્કેલ છે. જુઓ તો ખરાં કોઈકે કહ્યુ છે મનુષ્ય પોતાની પાંચ પચ્ચીસ લાખની ગાડીમાં પેટ્રોલ સિવાયના હલકા ઇંધણો પૂરાવતો નથી કેમકે ગાડીનુ એન્જીન ખરાબ થાય છે. બીજી તરફ પોતાના શરીર રૂપી અમૂલ્ય એવા વાહનની કશી પણ ફિકર કર્યા વિનાં પોતાનાં પેટ રૂપી એન્જીનમાં ગુટખા, તમાકુ, તપકીર, શરાબ જેવા નસીલા પદાર્થો જ નહી કેટલી અખાદ્ય ચીજો પણ પધરાવતો રહે છે. ગાડીનાં એન્જીનની ચિંતા કરનારો બુધ્ધિશાળી મનુષ્ય પોતાના શરીરના એન્જીનની સહેજે ચિંતા કરતો નથી તે કેવું?
નવસારી – ગુણવંત જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top