Business

ચાંદી 3000 રૂપિયા ઉછળી ૧,૧૮,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોની નવી ટોચે

નવી દિલ્હી, તા. 26 (PTI). ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, કમજોર રૂપિયો અને મજબૂત વૈશ્વિક વલણોના સમર્થનથી મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ ૬૦૦ રૂપિયા વધીને ૧,૦૦,૭૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયા હતા.

૯૯.૯ ટકા શુદ્ધતા ધરાવતી કિંમતી ધાતુ સોમવારે ૧૦ ગ્રામદીઠ ૧,૦૦,૧૭૦ રૂપિયા પર બંધ થઈ હતી. ૯૯.૫ ટકા શુદ્ધતા ધરાવતી સોનાની કિંમત ૫૦૦ રૂપિયા વધીને ૧,૦૦,૪૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ (બધા કર સહિત) થઈ હતી, જે છેલ્લું બંધ રૂ. ૯૯,૯૦૦ પ્રતિ ૧૦ ગ્રામ હતું. ચાંદીના ભાવ ૩,૦૦૦ રૂપિયા વધીને ૧,૧૮,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો (બધા કર સહિત)ના સર્વકાલીન ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા હતા.

સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. ૧,૧૫,૦૦૦ પર બંધ થયો હતો. એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ – કોમોડિટીઝ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ રિઝર્વ ગવર્નર લિસા કૂકને હટાવવાના નિર્ણય પછી રોકાણકારો પરંપરાગત સલામત રોકાણના કારણે મંગળવારે સોનાના ભાવમાં વધારો થયો હતો. જેનાથી સેન્ટ્રલ બેંકની સ્વતંત્રતા અંગે ચિંતા વધી હતી.

ગાંધીએ ઉમેર્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ પગલાથી ફેડના નેતૃત્વ પર વ્યાજ દરો ટૂંક સમયમાં ઘટાડવા માટે વધારાનું દબાણ કરવામાં આવ્યું છે, જે સામાન્ય રીતે બિન-ઉપજ આપતા સોનાને ફાયદો કરે છે. ભારતીય ઉત્પાદનો પર વધારાના ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની યોજના અંગે અમેરિકા દ્વારા ડ્રાફ્ટ નોટિસ જારી કરવામાં આવ્યા બાદ, મંગળવારે અમેરિકન ડોલર સામે રૂપિયો ૧૨ પૈસા ઘટીને ૮૭.૬૮ (કામચલાઉ) પર બંધ થયો હતો.

Most Popular

To Top