Dakshin Gujarat

ઠંડી વધતા સાપુતારામાં સન્નાટો, નેચરપાર્કમાં પ્રાણીઓ માટે હીટર મૂકાયા, ઉત્તરના પવને નવસારીના લોકોને ધ્રુજાવ્યા

સુરત: શહેરમાં આજે મહત્તમ તાપમાનમાં અડધો ડિગ્રી ઘટાડો નોંધાયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રી વધારો છતા 10 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાતા શીતલહેર પ્રસરી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ કશ્મીરમાં હિમવર્ષા પડ્યા બાદ ઠંડીએ ઉત્તર ભારત સહિત ગુજરાત અને મહારાષ્ટ્ર સુધીના રાજ્યોને પણ બાનમાં લીધી છે.

સુરત શહેરમાં ગઈકાલે ઠંડીનો પારો 12.2 ડિગ્રીએ પહોંચી જતા જાન્યુઆરી મહિનામાં છેલ્લા બે વર્ષની ઠંડીનો રેકોર્ડ બ્રેક થયો હતો. જોકે આજે લઘુત્તમ તાપમાન એક ડિગ્રી વધીને 13.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન અડધો ડિગ્રી વધારા સાથે 25.4 ડિગ્રી નોંધાયું છે. વહેલી સવારે હવામાં 78 ટકા ભેજની સાથે 5 કિલોમીટરની ઝડપે ઉત્તર-પૂર્વનો પવન ફુંકાયો હતો. પરંતુ બપોર બાદ શહેરમાં 10 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાતા શીતલહેર પ્રસરી હતી. અઠવાડિયાના અંત સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા ત્રણ દિવસથી હાજા ગગડાવી નાંખતી ઠંડી પડી રહી છે.

ઠંડીથી બચવા માણસો ગરમ વસ્ત્રોનો સહારો લેતા હોય છે પરંતુ નેચર પાર્કના પ્રાણીઓને ગરમી મળી રહે તે માટે હિટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • 10 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવનોએ સુરતીઓને ધ્રુજાવતા રાખ્યાં
  • નવસારીમાં 12.5 ડિગ્રી, દિવસે ફૂંકાયેલા ઠંડા પવને લોકોને ઠુંઠવી નાંખ્યા
  • મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 25.4 ડિગ્રી અને 13.4 ડિગ્રી નોંધાયું

નવસારીમાં હાડ થીજવતી ઠંડી, સાપુતારામાં સન્નાટો વ્યાપી ગયો

રાજ્યમાં કોરોનાના કેસ વધવા સાથે નિયંત્રણો પણ વધતાં તેમજ ડાંગ જિલ્લામાં ઠંડી પડતાં સાપુતારામાં પ્રવાસીઓની ગણ્યાગાંઠિયા દેખાતાં બોટીંગ સ્થળે સન્નાટો છવાયેલો જોવા મળે છે. નવસારીમાં મંગળવારે લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થતાં 12.5 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ નવસારીમાં હાડ થીજવતી ઠંડી પડી છે. વલસાડમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી, મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 83 ટકા નોંધાયું હતું. નવસારીમાં છેલ્લા થોડા દિવસથી લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહ્યું હતું.

શિયાળો સ્વાદિષ્ટ શાકભાજી માટે ખૂબ જ જાણીતો છે ત્યારે હવે બજારમાં ઢગલે બંધ લીલા ચણા મળી રહ્યાં છે. આ ચણા શેકીને ખાવામાં આવે છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

જોકે મહત્તમ તાપમાનમાં સતત ઘટાડો ઠંડીમાં વધારો થયો હતો. જોકે ગત રવિવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી અને ગત સોમવારે 6 ડિગ્રી ગગડ્યું હતું. બે દિવસમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી ગગડીને 7.5 ડિગ્રીએ પહોંચતા હાડ થીજવતી ઠંડી પડી હતી. જોકે આજે ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. પરંતુ નવસારીમાં થીજવતી ઠંડી યથાવત જ રહી હતી. તો બીજી તરફ દિવસ દરમિયાન ફુંકાયેલા પવનોએ લોકોને ધ્રુજાવ્યાં હતા.

ઠંડી વધતા સુરતના તિબેટીયન બજારમાં ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકોની પૂછપરછ વધી ગઈ.

મંગળવારે મહત્તમ તાપમાન 0.6 ડિગ્રી વધતા 26.1 ડિગ્રી નોંધાયું હતું. અને લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી વધતા 12.5 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે સવારે ભેજનું પ્રમાણ સવારે 97 ટકા હતું. જે બપોર બાદ ઘટીને સાંજે 43 ટકા જેટલું નીચું રહ્યું હતું. જયારે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 7.7 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો.

નલીયામાં 6 ડિગ્રી તાપમાન, લોકોએ કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળ્યું

ગાંધીનગર: હજુયે આગામી 48 કલાક માટે રાજ્યમાં કોલ્ડ વેવ સાથે ગાત્રો થીજાવતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે, તેવી હવામાન વિભાગે ચેતવણી આપી છે. કાતિલ ઠંડીના પગલે રાજ્યમાં જનજીવનને અસર થવા પામી છે. અમદાવાદ – ગાંધીનગરમાં પણ દિવસ દરમ્યાન શીત લહેરની અસર જોવા મળી હતી. જ્યારે મંગળવારે દિવસ દરમ્યાન કચ્છના નલિયામાં 6 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જેના પગલે નલિયાવાસીઓ ધ્રુજી ઉઠયા હતા. રાજ્યમાં કેટલાય ગ્રામીણ વિસ્તારોમાં ઠંડીથી બચવા માટે લોકોએ ગરમ વસ્ત્રો ઉપરાંત તાપણાનો સહારો લીધો હતો. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 11 ડિ.સે., ગાંધીનગરમાં 8 ડિ.સે., ડીસામાં 10 ડિ.સે., વડોદરામાં 9 ડિ.સે., સુરતમાં 13 ડિ.સે., ભૂજમાં 10 ડિ.સે., નલિયામાં 6 ડિ.સે., ભાવનગરમાં 11 ડિ.સે., રાજકોટમાં 9 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 10 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Most Popular

To Top