ભરૂચ-અંકલેશ્વર : ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર નજીક પદ્માવતી નગરમાં પાર્ક કરેલ 3 જેટલી ફોર વ્હીલર કારના (Car) સાયલેન્સરની (Silencer) ચોરી (Stealing) કરનાર તસ્કરો સીસીટીવી (CCTV) કેમેરા કેદ થઈ ગયાં હતાં. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા પદ્માવતી નગરમાં રહેતા જીગ્નેશ મકવાણા ફોટો સ્ટુડિયો ચલાવે છે. ગઇ તારીખ 28 ઓક્ટોબરના સવારના સમયે તેઓ કામ અર્થે બહાર ગયા હતા, અને રાત્રે તેઓની ઇક્કો કાર નં. GJ-16-CS-8647 મકાન બહાર પાર્ક કરી સૂઈ ગયા હતા.
આ દરમિયાન તસ્કરોએ ત્રાટકી કારના સાયલેન્સરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે, બીજા દિવસે સવારે જીજ્ઞેશ મકવાણાએ કારને સેલ મારતા જ કંઈ વધુ અવાજ આવતા તેઓ આશ્વર્ય પામ્યા હતાં, અને કારની બાહાર આવી જોતાં સાયલેન્સરની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. તો આજુબાજુમાં રહેતા સંજય પ્રસાદ અને ભીમ પ્રજાપતિની કારમાંથી પણ સાયલેન્સરની ચોરી થઈ હતી. એક સાથે 3 જેટલી ફોર વ્હીલર કારમાંથી રૂપિયા 1.60 લાખના સાયલેન્સરની ચોરી થતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બીજી તરફ પદ્માવતી નગરમાં ત્રાટકેલા તસ્કરોની તમામ કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, ત્યારે હાલ તો કારમાંથી સાયલેન્સર ચોરીની ઘટના અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ચીખલીમાં પોલીસ કર્મચારીની જ બાઇક ચોરાઇ ગઇ
ઘેજ: ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કેમ્પસમાંથી પોલીસ કર્મચારીની મોટર સાયકલ ચોરાતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી પોલીસ કર્મચારી કલ્પેશ મગનભાઇ માહલા (રહે. કેલીયા તા. વાંસદા જી. નવસારી)ની મોટર સાયકલ નં. જી.જે. 21 બીએફ 6790 એસટી ડેપોની સામે ચીખલીની સિવિલ હોસ્પિટલમાંથી ગત 6.10.22ની રાતે કોઇ ચોર ચોરી જતા તે અંગેની ફરિયાદ તેમણે આપતા પોલીસે મોટર સાયકલની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.