ગાંધીનગર : રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ (Sikkim) રાજ્યના ૪૮ મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ અવસરે કહ્યું હતું કે, ભારતમાં (India) અનેક ભાષા, અનેક બોલી અને સંસ્કૃતિ છે, ખાન-પાન પણ ભિન્ન છે, પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના રાષ્ટ્રની એકતા અને અખંડતાને વધુ મજબૂત બનાવી રહી છે.
આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, ૧૬ મી મે ૧૯૭૫ ના દિવસે ભારતમાં ભળેલું સિક્કિમ રાજ્ય દેશનું સૌથી નાનું અને સૌથી પ્રિય રાજ્ય છે. પરિવારમાં નાની વ્યક્તિને વિશેષ મહત્વ મળે એ રીતે સિક્કિમ પણ ભારતમાં વિશેષ મહત્વ ધરાવતો પ્રદેશ છે. તેમણે સિક્કિમના નાગરિકોને સ્થાપના દિવસના અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા.
ગુજરાતમાં રહેતા સિક્કિમના આગેવાન નાગરિકો અને મહાનુભાવોએ સિક્કિમથી પધારેલા કલાકારોની પ્રસ્તુતિ માણી હતી. સિક્કિમના કલાકારોએ રણચંડી, તમાંગ સેલો અને ઘંટુ જેવા પરંપરાગત નૃત્ય પ્રસ્તુત કર્યા હતા. ગુજરાતના કલાકારો સાથે મળીને સિક્કિમના કલાકારોએ ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ થીમ નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.