નવી દિલ્હી: સિક્કિમ(Sikkim)ના લોનાક તળાવ(Lake)માં 4 ઓક્ટોબર બુધવારે વહેલી સવારે વાદળ(CloudBurst) ફાટવાથી તિસ્તા નદીમાં અચાનક પૂર(Flood) આવ્યું હતું. જેથી ભારે જાનહાનિ(Death) થઈ છે. આ કુદરતી આપદામાં સેનાના 22 જવાનો સહિત 102 લોકો ગુમ થયા હતા અને 26 લોકો ઘાયલ થયા હતા. જ્યારે સેનાના એક જવાન સહિત 166 લોકોને બચાવી લેવાયા છે. 14 લોકોના મોત થયાના પણ સમાચાર છે.
અધિકારીઓએ જણાવ્યું કે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે સ્થિતિ વધુ બગડી છે. બચાવ કાર્યકરોએ સિંગતમના ગોલીતાર ખાતે તિસ્તા નદીમાંથી એક બાળક સહિત અનેક મૃતદેહોને બહાર કાઢ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી પી.એસ તમાંગ સાથે વાત કરી અને રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાને રાજ્ય સરકારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી પણ આપી છે.
સિક્કિમ સુંદરતા માટે જાણીતું છે પરંતુ હાલ કફોડી સ્થિતિ
જેમ બોમ્બ વિસ્ફોટ પછીનું દ્રશ્ય જોવા મળે છે, તેવી જ રીતે સિક્કિમમાં વાદળ વિસ્ફોટ પછી દરેક ખૂણામાં વિનાશ જોવા મળી રહ્યો છે. સિક્કિમ ઉત્તર પૂર્વ ભારતનુ એક રાજ્ય છે જે ભૂટાન, તિબેટ અને નેપાળની સરહદને અડીને આવેલું છે. દેશ અને દુનિયા સિક્કિમને તેની સુંદરતા માટે જાણે છે પરંતુ બુધવારે સિક્કિમમાં વિનાશનો તાંડવ હેડલાઇન્સ બન્યો છે.
8 પુલ ધરાશાયી, આર્મી કેમ્પ પૂરથી પ્રભાવિત
સિક્કિમના વિવિધ વિસ્તારોમાં 8 પુલ ધરાશાયી થયા છે. સિક્કિમનો ઉત્તરીય ભાગ સંપૂર્ણપણે કપાઈ ગયો છે. રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે. મોટા વૃક્ષોના થડ પાણીમાં રમકડાંની જેમ તરતા જોવા મળે છે. રહેણાંક વિસ્તારો 15-20 ફૂટ ઊંચા મોજા સામે લડતા જોવા મળ્યા હતા. સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે લગભગ 15 હજારની વસ્તી પ્રભાવિત હોવાનું કહેવાય છે. મકાનો ડૂબી ગયા, ટ્રાન્સફોર્મર ડૂબી ગયા છે, બગીચા ડૂબી ગયા છે અને 14 લોકોના મૃતદેહને કાટમાળમાથી બહાર કાઢવામાં આવ્યા છે.