Madhya Gujarat

આણંદ જીલ્લા ભાજપમાં જૂથબંધી વકરવાના સંકેતો !

પેટલાદ : આણંદ જીલ્લા ભાજપના સંગઠન પ્રમુખ માટે ભારે ઉત્તેજના બાદ ધર્મજના રાજેશ પટેલની નિમણૂંક કરવામાં આવી હતી. બાદમાં સોમવારના રોજ જિલ્લા સંગઠન જાહેર થતાં કેટલાક જૂના જોગીઓને કટ ટુ સાઈઝ કરવામાં આવતા અંદરખાને ભારે અસંતોષ શરૂ થઈ ગયો છે. જ્યારે કેટલાક નેતાઓ વિવાદમાં હોવા છતાં સંગઠનમાં સ્થાન મળવાને કારણે જૂથબંધી વકરવાના સંકેતો દેખાઇ રહ્યાં છે.

આણંદ જીલ્લો કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ છેલ્લા એક દશકમાં જીલ્લાના સાંસદ, ધારાસભ્યો, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાઓ ઉપર ભાજપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પણ જીલ્લાની સાત પૈકી પાંચ બેઠકો ભાજપ હસ્તક રહી છે. જો કે જીલ્લામાં ભાજપનો ગઢ ગણાતી ખંભાત બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. જેની પાછળનું મુખ્ય કારણ ભાજપના સ્થાનિક નેતાઓનો વિરોધ હતો. તેવી જ રીતે જીલ્લામાં મોટાભાગની નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો ઉપર ભાજપનુ નેતૃત્વ છે.

આમ છતાં ઘણી પાલિકાઓ અને પંચાયતો સતત વિવાદોમાં રહી છે. ઘણી પાલિકા અને પંચાયતોના સભ્યો ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો સતત થઈ રહ્યા હોવા છતાં સંગઠન દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નહીં હોવાનો ગણગણાટ કાર્યકરોમાં જંગ જાહેર છે. આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટોને કારણે પણ સંગઠન વિવાદમાં રહેતું હોવાની વાત ચર્ચાસ્પદ છે. પરંતુ સંગઠનના સમયની અવધિ પૂર્ણ થતાં નવું સંગઠન અસ્તિત્વમાં આવ્યુ છે.

લોકસભાની ચૂંટણીને આડે હવે માત્ર દસ મહિના જેટલો સમય બાકી છે ત્યારે નવા સંગઠન માટે પરિણામ મેળવવું પડકારરૂપ રહેશે. ભાજપ સંગઠનમાં સોમવારે જાહેર થયેલા નામોમાં કેટલાક જૂના જોગીઓ અને સંભવિત નવા ચહેરાઓનો સમાવેશ નહીં થતાં અંદરખાને ભારે અઅસંતોષ ફેલાઈ રહ્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત કેટલાક યુવા નેતાઓને કટ ટુ સાઈઝ કરતાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. આ જીલ્લા સંગઠનમા પ્રમુખ, આઠ ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી, આઠ મંત્રી અને એક કોષાધ્યક્ષને જાહેર કરવામાં આવ્યા છે. હવે આગામી દિવસોમાં જીલ્લાના 8 તાલુકા અને 11 પાલિકા હદ વિસ્તારના સંગઠન પણ જાહેર થઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે. તે માટે અત્યારથીજ નવા વરાયેલા હોદ્દેદારો સાથે લોબિંગ શરૂ થઈ ગયું છે.
આ 21 સભ્યોમાં 5 પાટીદાર, 2 વણિક, 8 ઠાકોર – ક્ષત્રિય અને છ અન્ય જ્ઞાતિના છે. નોંધપાત્ર બાબત એ છે કે સંગઠનમાં મહામંત્રી ને કોષાધ્યક્ષ પદે વણિક જ્ઞાતિનું પ્રભુત્વ વધ્યુ છે.

સંગઠનમાં કોને કઇ જવાબદારી સોંપાઈ ?
ઉપપ્રમુખમાં નરેન્દ્રસિંહ મનુભાઈ ચૌહાણ, ભગવતસિંહ દોલતસિંહ પરમાર, હેમંતભાઈ જયંતીભાઈ પટેલ, ડો. ભાવનાબહેન જનાર્દન પરમાર, જશભાઈ કાળીદાસ મકવાણા, મનોહરસિંહ રાયસિંહ પરમાર, દિનેશભાઈ રણછોડભાઈ પઢિયાર, ગીતાબહેન જીલુભા સિંધાનો સમાવેશ થયો છે. મહામંત્રીમાં જગત યતિનભાઈ પટેલ, સુનીલ સૂર્યકાંત શાહ, રણજીતસિંહ કેસરીસિંહ ચૌહાણ નિમાયા છે. મંત્રી તરીકે ધર્મેશભાઈ અમૃતલાલ મિસ્ત્રી, મેઘાબહેન મહેન્દ્રભાઈ પટેલ, બળદેવભાઈ મંગળભાઈ પરમાર, શ્વેતલ અરવિંદભાઈ પટેલ, કિનલબહેન નિલેશભાઈ કા. પટેલ, સરોજબહેન બ્રહ્મભટ્ટ, નિલમબહેન રાજુભાઈ ઠાકોર, હિનાબેન સમીરભાઈ ભટ્ટ અને કાેષાધ્યક્ષ તરીકે સુનીલભાઈ રસિકલાલ શાહની નિમણૂંક કરાઇ છે.

બોરસદ તાલુકાની બાદબાકીથી આશ્ચર્ય
બોરસદનું રાજકારણ ખૂબ જ મહત્વ ધરાવે છે. તેમાંય ગત વિધાનસભા ચૂંટણીમાં સૌપ્રથમ વખત બોરસદ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. આ બેઠકના ધારાસભ્ય રમણભાઈ સોલંકીને સરકારમાં નાયબ દંડકની જવાબદારી મળી છે. આમ છતાં જીલ્લાના સૌથી મોટા ગણાતા આ તાલુકાને સંગઠનમાં માત્ર એક મંત્રી તરીકેનું સ્થાન જ મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોરસદ શહેર ભાજપ પહેલેથી જ અનેક વિવાદોમાં રહેલું છે, માટે જ બોરસદ પાલિકાના સત્તાધિશોમાં જે તે વખતે ભારે ખેંચતાણ સર્જાયા હતા. અગાઉના સંગઠનમાં ચાર હોદ્દા પર બોરસદના વિવિધ સમાજના આગેવાનોને સ્થાન આપવામાં આવ્યું હતું. હાલના શૂન્યઅવકાશ સર્જાયો છે.

આણંદને લ્હાણી તો ખંભાત શહેરની બાદબાકી
આણંદ જીલ્લા ભાજપ સંગઠનના 21 પૈકી 8 હોદ્દા આણંદ શહેર અને તાલુકાને આપવામાં આવ્યા છે. જેમાં ત્રણ ઉપપ્રમુખ, બે મહામંત્રી, બે મંત્રી અને એક કોષાધ્યક્ષનો સમાવેશ થાય છે. જ્યારે ખંભાત તાલુકાને એક ઉપપ્રમુખ તથા એક મહામંત્રી મળેલ છે. પરંતુ ખંભાત શહેરને જીલ્લા સંગઠનમાં કોઈ જ સ્થાન નહીં મળતા ભાજપના ગઢમાં અસંતોષ વ્યાપ્યો હોવાનું જાણવા મળે છે.

સોજિત્રા વિધાનસભામાં બે હોદ્દા મળ્યાં
આણંદ જીલ્લામાં સૌથી વધુ ગામડાંઓ ધરાવતી વિધાનસભા બેઠક સોજીત્રા છે. જેમાં સોજીત્રા, તારાપુર અને પેટલાદના આશરે 84 જેટલા ગામડાંનો સમાવેશ થાય છે. આ પૈકી સોજીત્રાને એક મંત્રી તથા તારાપુરને એક ઉપપ્રમુખનું સ્થાન મળ્યું છે. એટલે કે 70 ગામડાં, બે તાલુકા પંચાયત અને એક નગરપાલિકા માટે સંગઠનની જવાબદારી સંભાળવા માત્ર બે જ હોદ્દા ફળવાતા કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું હોવાનું જાણવા મળે છે. દસ વર્ષ બાદ આ બેઠક ભાજપને મળી છે. જો કે ઉપપ્રમુખ ડો.ભાવનાબેન પરમાર મૂળ સોજીત્રાના છે.

Most Popular

To Top