વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે કોવિડ -19 રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કાનો વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કર્યો છે. ત્યારે હવે રસીની આડઅસર (Side effect) વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેમા કેટલાક લોકો એ પણ જાણવા માંગે છે કે દારૂ પીધા પછી કે પહલા રસી (Vaccine) લેવામાં આવે તો તેની કોઈ આડઅસર થઈ શકે કે કેમ? જોકે રસીને સત્તાવાર રીતે લાગુ કર્યા પછી ભારતમાં દારૂ પીવા અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી, પરંતુ વિશ્વભરના નિષ્ણાતો માને છે કે, રસીકરણ પહેલાં અને પછી દારૂ (Alcohol) ની આમ તો કોઈ આડઅસર નથી પરંતુ કેટલાક લોકોને રસી લીધા પછી તાવ આવી શકે છે.
ભારતમાં જે વેક્સિનેશન શરૂ થયું છે તેમાં સાંજ સુધી તો કોઈ આડઅસર કે તકલીફ થઈ હોવાના સમાચાર નથી પરંતુ રસી પહેલાં અને પછી ઘણી બધી સાવચેતી રાખવી જરૂરી છે. આમાંની એક સાવચેતી એ દારૂથી અંતર છે. વેક્સિનેશન બાદ આલ્કોહોલથી ખરાબ અસર પડી શકે છે. રોગો સામે લડવાની ક્ષમતાને નબળી પડી શકે છે. કોરોના પોતે જ રસી પ્રતિરક્ષા પર કામ કરે છે, તેથી નિષ્ણાતો કહે છે કે રસી લગાવવામાં આવે તે પહેલાં અને થોડા દિવસો સુધી દારૂ ન પીવો જોઈએ.
બીજી તરફ કોરોનાની રસી આવી ગયા પછી તેની આડ અસર થશે તેવી અફવાથી લોકો ગભરાય રહ્યાં છે. કોરોનાની રસીની આડ અસર તો થાય તેવો ડર લોકોને સતાવી રહ્યો છે. જો કે, આ અંગે ‘ગુજરાતમિત્ર’એ ચેસ્ટના તબીબો સાથે વાતચીત કરીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ડો. દિપક વિરડિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિન નવી હોવાથી લોકો ગભરાઇ રહ્યાં છે. ઓરી, અછબડાં અને પોલિયો જેવી રસી તો બાળપણમાં જ મૂકી દેવામાં આવે છે. આ પણ આ પ્રકારની જ એક વેક્સિન છે.
જે રીતે બાળપણમાં રસી મૂકવામાં આવે અને જેટલાને રસી મૂકવામાં આવી હોય તે પૈકી કેટલાંક બાળકોને જ સામાન્ય તાવ આવતો હોય છે. કોરોના વેક્સિનની પણ કોઇ આડ અસર નથી. થાક લાગવો કે જે જગ્યા પર રસી મૂકી હોય ત્યાં ઇંન્જેક્શન મૂકાવીએ તે સમયે થાય તેવો સામાન્ય દુખાવો થાય છે તે સિવાય તેની કોઇ આડ અસર નથી. સૌથી મોટી વાત તો એ છે કે, સામાન્ય માણસોને રસી મૂકવામાં આવે તે પહેલાં તો હજારો તબીબો, નર્સ તેમજ આરોગ્ય સેવાની સાથે સંકળાયેલા અન્ય હેલ્થ વર્કર આ ડોઝ લઇ ચૂક્યાં હશે એટલે સામાન્ય લોકોએ ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી.