Business

સારા સહકર્મચારી હોવાની સાઇડ ઇફેકટ્‌સ

તમે ઓફિસમાં તમારા હેલ્પફુલ નેચર માટે લોકપ્રિય છો. તમારા આ સ્વભાવને કારણે તમે નાઇસ કલીગ કહેવાવ છો પરંતુ કદાચ પ્રોફેશનલી તમે પાછળ પણ રહી જાવ. ઓફિસમાં સારા સહકર્મચારી બનવાની સાઇડ ઇફેકટ્‌સ શું છે?

મોટા ભાગે આપણે જોઇએ છીએ કે જે લોકોના પોતાના સહકર્મચારીઓ સાથે સારા સંબંધ હોય છે કે જે  પોતાના સહકર્મીઓને મદદ કરવા હંમેશાં તત્પર રહે છે તેઓ પ્રોફેશનલી બહુ સફળ હોતા નથી. શા માટે આવું થાય છે? જાણીએ કેટલાંક કારણો…

સિચ્યુએશન – ૧

તમારા કોઇ સહકર્મચારી રજા પર જવા ઇચ્છે છે. જતાં પહેલાં તેણે એમને સોંપેલા પ્રોજેકટ્‌સ પૂરા કરવાના છે. તમે ઇચ્છો છો કે એ સમયસર પ્રોજેકટ પતાવી રજા પર જઇ શકે એટલે તમે મોડે સુધી ઓફિસમાં રોકાઇ એની મદદ કરો છો જેથી એના પ્રોજેકટ્‌સ સમયસર પૂરા થાય.

આઇડિયલ કંડિશન

તમારી આ પહેલથી એના મનમાં તમારા માટે સારી ભાવના જન્મશે. એની અને અન્ય કર્મચારીની નજરમાં તમારું માન વધશે. જરૂર પડે કદાચ તેઓ પણ તમારી મદદ કરશે.

સાઇડ ઇફેકટ્‌સ

આ રીતે કોઇ ને કોઇને મદદ કરવા માટે ઓફિસમાં મોડે સુધી રોકાઇને કામ કરવાથી તમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઇફનું સંતુલન બગડશે. સહકર્મચારીઓની તમારી પાસે અપેક્ષા વધી જશે. તેઓ ઇચ્છશે કે તમે હંમેશાં તેમને માટે મોડે સુધી રોકાવ. કયારેક તમે મદદ ન કરી શકો તો એને ખરાબ લાગશે. તમારું મોડે સુધી રોકાવું એમને માટે સામાન્ય વાત બની જશે. તેઓ પીઠ પાછળ તમારી મજાક પણ ઉડાવી શકે છે. તમારી મદદની ભાવના મૂર્ખામી કે બેવકૂફી પણ ગણાશે. તમારા સહકર્મચારી જો ધીરે ધીરે પોતાનું કામ તમને સરકાવતાં જાય તો એમાં જરા પણ આશ્ચર્ય પામવા જેવું નથી.

સિચ્યુએશન – ૨

તમે ટીમ લીડર છો. તમારી ટીમે બહુ સારું પરફોર્મ કર્યું છે. બોસે તમને શાબાશી આપી. તમે આ સફળતાની જાતે ક્રેડિટ લેવાને બદલે એનું બધું શ્રેય ટીમને આપ્યું.

આઇડિયલ કંડિશન

તમારા આ નિ:સ્વાર્થ વ્યવહારથી ટીમના સભ્યોનું તમારા માટે માન વધશે. એ તમારી લીડરશીપ સ્કિલથી પ્રભાવિત થઇ તમારી પ્રશંસા કરશે. આખી ટીમનો ઉત્સાહ વધશે અને ફરી સારું કરવાની પ્રેરણા મળશે.

સાઇડ ઇફેકટ

તમારી આ નિ:સ્વાર્થ ભાવનાનો ખોટો અર્થ પણ નીકળી શકે છે. ટીમની સફળતામાં તમારું યોગદાન કોઇને દેખાશે નહીં. કેટલાક ટીમ મેમ્બર તમારા પર હાવી થવાની કોશિશ પણ કરી શકે છે. ખરાબ પર્ફોર્મન્સની જવાબદારી લેવા કોઇ આગળ આવશે નહીં. એવી સ્થિતિમાં તમારા તરફ જ આંગળી ચીંધાશે.

સિચ્યુએશન – ૩

તમારા નવા સહકર્મી કામમાં થોડા કાચા છે. તમે એની મદદ કરવા ઇચ્છો છો જેથી એ કામ સમજે અને નવા માહોલમાં એડજસ્ટ થવામાં સરળતા રહે એટલે તમે એનાં કામ સુધારો છો.

આઇડિયલ કંડિશન

તમારી આ મદદ કરવાની ભાવનાથી એ પોતાને એકલો મહેસૂસ કરશે નહીં. એ જલદી કામ શીખી લેશે.

ઓફિસના માહોલથી પણ જલદી પરિચિત થઇ એડજસ્ટ થઇ જશે.

સાઇડ ઇફેકટ

નવા કર્મચારીની મદદ કરવાના ચકકરમાં તમારા કામનો બોજો વધી જશે. શકય છે કે તમારા આ મદદ કરવાના લીધે કર્મચારીનું કામ સુધરવાને બદલે બગડે કારણ કે એને લાગશે કે એનું કામ સુધારવા માટે તમે છો. એ આળસુ બની શકે. એનાં ખરાબ કામને જોઇ તમને ગુસ્સો આવશે. એનાં કામો સુધારવાને કારણે તમે તમારું કામ સારી રીતે કરી શકશો નહીં એટલે એવું ન થાય એ માટે નવા કર્મચારીને કામ સમજાવો. એણે કરેલાં કામો સુધારવામાં તમારાં કામ બગાડો નહીં.

સિચ્યુએશન – ૪

બિઝનેસ મીટિંગની તમે ઘણી તૈયારી કરી હતી. મીટિંગ પહેલાં તમે તમારા આઇડિયાઝ સહકર્મી સાથે ડિસ્કસ કર્યા હતા. મીટિંગમાં તમારા બોલવા પહેલાં જ તમારા સહકર્મી તમારા આઇડિયાઝ બોસ સમક્ષ રજૂ કરી દે છે.

આઇડિયલ કંડિશન

જો તમારા આઇડિયાઝ જણાવતી વખતે તમારા કલીગ આ સૂચનો તમારાં છે એવું જણાવે તો બોસને તમારી સિન્સિયારિટીનો ખ્યાલ આવશે. તમે તમારા સહકર્મીને કેટલું મહત્ત્વ આપો છો એ જાણી બોસ પ્રભાવિત થશે.

સાઇડ ઇફેકટ

જો કલીગ તમારા આઇડિયાઝ પોતાના છે એ રીતે રજૂઆત કરશે તો એ તમારા માટે ખતરાની ઘંટી છે. જો તમે તમારી અચ્છાઇ બતાવવાના ચકકરમાં ચૂપ રહેશો તો તમારી મહેનતની ક્રેડિટ કોઇ બીજો લઇ જશે. બોસની સામે તમારી ઇમેજ બગડશે. પ્રમોશન તમારે બદલે એ કર્મચારીને મળે તો એમાં જરા પણ આશ્ચર્ય ન અનુભવતા.

Most Popular

To Top